કુરિયર કંપનીના કર્મચારીએ જ માંડા ડુંગરના શખ્સને ટ્રીપ આપતા ધોળા દિવસે દિલધડક લૂંટ ચલાવ્યાની કબુલાત: લૂંટ ચલાવી બસમાં રવાના થયાની બાતમીથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પુરેપુરા મુદામાલ સાથે ઝડપી લીધા: આંગડીયા પેઢીના માલિકે બીમાર પુત્રની સારવાર માટે મદદ ન કરતા મામા-ભાણેજે લૂંટનું તરકટ રચી અંજામ આપ્યો
શહેરના આજી નદી કાંઠે આવેલા કપીલા હનુમાન મંદિર પાસે ગઇકાલે ધોળા દિવસે થયેલી રૂ.૭ લાખની દિલધડક લૂંટનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા પાંચેય શખ્સોને પુરેપુરા મુદામાલ સાથે ઝડપી લીધા છે. આંગડીયા પેઢીના સંચાલકે પોતાના ભાણેજ સાથે મળી લૂંટનું તરકટ રચી અંજામ આપ્યાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બિહારના પટનાની ન્યુ દુર્ગા ર સર્વિસ કંપનીની રાજકોટના ગઢીયાનગરમાં આવેલી ઓફિસ સંભાળતા વિક્રમસિંહ કેદારસિંહ તેના ભાણેજ અને માંડાડુંગરના શખ્સો મળી પાંચ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે લૂંટના રૂ.૭ લાખના પુરેપુરા મુદામાલ સાથે ઝડપી લીધા છે.
ગઢીયાનગરમાં આવેલી ન્યુ દુર્ગા ર સર્વિસ નામની ઓફિસ સંભાળતા પટનાના વિક્રમસિંહ કેદારસિંહનો પુત્ર બિમાર હોવાથી તેને પોતાના શેઠ ઉદયસિંહ પાસે પૈસાની માગણી કરી હતી ત્યારે તેને આર્થિક મદદ કરી ન હોવાથી લૂંટ ચલાવવાનો પ્લાન બનાવી પોતાના ભાણેજને કાવતરામાં સામેલ કર્યો હતો.
રાજકોટથી ન્યુ દુર્ગા એર સર્વિસ દ્વારા બિહાર અને દિલ્હી ખાતે મોકલવામાં આવેલા ચાંદીના પાર્સલનું પેમેન્ટ રૂ.૭ લાખ સોની બજાર માંડવી ચોકમાં આવેલી જય ભારત આંગડીયા પેઢીમાં મોકલ્યાનો ઉદયસિંહનો ફોન રાજકોટની ઓફિસ સંભાળતા વિક્રમસિંહ કેદારસિંહને આવતા તેને લૂંટની ઘટનાને અંજામ આપવા પોતાના ભાણેજ અને તેના માંડા ડુંગર ખાતે રહેતા સાગરીતો સાથે ઘસી આવ્યા હતા.
લૂંટના પ્લાન મુજબ વિક્રમસિંહ કેદારસિંહ પોતાના મકાન માલિક જીતુભાઇ કાપડીયા સાથે બાઇક પર સોની બજારની જય ભારત આંગડીયા પેઢીની ઓફિસે આવી રૂ.૭ લાખ થેલામાં રાખી રામનાથપરા થઇ સંત કબીર રોડ તરફ જવા રવાના થયા હતા ત્યારે લૂંટના પ્લાન મુજબ એક્ટિવા પર આવેલા બે શખ્સોએ કપીલા હનુમાન મંદિર પાસે રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી રામનાથપરા સ્મશાન તરફ ભાગી ગયાનું જણાવતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવતા એક્ટિવા પર બે શખ્સો જતા જોવા મળ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, ફિરોજભાઇ અને શોકતભાઇ સહિતના સ્ટાફે લૂંટની ઘટનામાં ઘરના જ ઘાતકી હોવાની શંકા સાથે વિક્રમસિંહ કેદારસિંહની પૂછપરછ હાથધરી હતી જ્યારે પોલીસની બીજી ટીમ દ્વારા સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારાનું પગે દબાવતા એક્ટિવા પર લૂંટ ચલાવી ભાગેલા બંને શખ્સોએ એક્ટિવા છોડી બસમાં બેસી જતા હોવાનું જણાતા પોલીસ સ્ટાફ બસમાં મુસાફરના સ્વાંગમાં બેસી ગયા હતા અને બંને શખ્સોને ઝડપી પૂછપરછ કરતા તેઓએ ન્યુ દુર્ગા એર સર્વિસના સંચાલકના વિક્રમસિંહ કેદારસિંહના કહેવાથી લૂંટ ચલાવ્યાની કબુલાત આપી હતી.
વિક્રમસિંહ કેદારસિંહની સંડોવણી સ્પષ્ટ થતા તેને પોતાના પુત્ર બીમાર હતો ત્યારે શેઠ ઉદયસિંહે આર્થિક મદદ કરી ન હોવાથી ભાણેજ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી છે. પોલીસે પાંચેય લૂંટારા પાસેથી લૂંટનો પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે.