ગુજરાતમાં ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આમ આદમી પાર્ટીનો સુર્યોદય થયો છે હવે વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાન સભાની ચૂંટણી પર “આપ” મીટ મંડાય છે અને રાજ્યમાં પગપેસારો કરવા તનમોડ મહેનત કરી રહ્યું છે પરંતુ ચોક્ક અને એક જ જ્ઞાતિ પ્રત્યેનો ઝૂકા આપને “આમ” બનાવશે કે “પાસ” તે હવે સમય જ નક્કી કરશે.

ગુજરાતના શાણા મતદારોએ ક્યારેય જ્ઞાતિવાદને કેન્દ્રમાં રાખી સત્તાનું સુકાન સોંપ્યુ નથી: રાજ્યમાં પગ પેસારો કરવા મથતી આમ આદમી પાર્ટી ચોક્કસ જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમ પક્ષની નૈયા ડુબાડશે

“પાસ” કરી શક્યું તે “આપ” કરી શકશે? ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ થયો નથી તમામને સાથે રાખી ચાલનારી પાર્ટી જ રાજ કરે છે

ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજા મોરચાનો સ્વીકાર કર્યો નથી. રાજ્યમાં સત્તા પરિવર્તના ઝંડા લઇ ભાજપની સામે પડેલા શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ કે પછી હાર્દિક પટેલ હોય તમામને રાજ્યની શાણી જનતાએ જાકારો આપ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ બની ઉભરી રહેલી આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારા પરિણામની આશા સાથે અત્યારથી મહેનત કરવા લાગી છે.

પરંતુ તમામ સમાજને સાથે રાખી આગળ વધવાના બદલે “આપ” માત્ર એક જ સમાજને વધુ પ્રાધાન્ય આપી રહી છે. જેનો સીધો કે આડકતરો ફાયદો ભાજપને થઇ રહ્યો છે. એક સમાજ તરફ ઝોક કોઇપણ રાજકીય પાર્ટીની નૈયા ડુબાડે છે રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઇએ તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ ચૂંટણી સમયે જ જ્ઞાતિની બહુમતીને આગળ ધરી રાજ્ય સરકાર કે સરકારનું નાક દબાવવાની પેરથી હંમેશા નુકશાનકારક સાબિત થાય છે.

વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનનો ઇશ્યુ સૌથી મોટા હતો આ સમયે ભાજપની સરકાર નરી બને પરંતુ ઇત્તર જ્ઞાતિના મતદારો એ ભાજપને ઉગારી લીધો અને સતત છઠ્ઠી વખત પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બની આ વખતે હજી સુધી આવો કોઇ જ માહોલ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને ધાર્યા કરતા સારા પરિણામો મળ્યા છે.

જેના કારણે હવે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા કરી ચુંકી છે. પ્રારંભિક સફળતા બાદ શિખરો પર પહોંચવુ તે કોઇપણ રાજકીય પાર્ટીની મહેચ્છા હોય છે તે સ્વાભાવિક છે પરંતુ તમામ સમાજને સાથે રાખી ચાલવાને બદલે કોઇ એક સમાજને મહત્વ આપવાની ભૂલ ભવિષ્યમાં ભારે પડી જાય છે.

ભૂતકાળમાં આ ભૂલ કોંગ્રેસે કરી હતી દિવંગત મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ “ખામ” પરી અપનાવી હતી એટલે મોટાભાગના સમાજને સાથે રાખી ચાલવાની વાત કરતા હતા જેના કારણે તેઓને ધાર્યા કરતા સવાયુ પરિણામ મળ્યુ અને રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સત્તારૂઢ થયા આજે પણ બેઠકોનો તેઓને રેકોર્ડ અંકબંધ છે ત્યાર બાદ કોંગ્રેસ ક્યારેય તમામ સમાજને સાથે રાખી ચાલવાની વાત ક્યારેય ઉચ્ચારી નથી. જેના પરિણામે તે અઢી દાયકાથી સત્તા વિહોણી છે. આપ હજી ગુજરાતના રાજકારણમાં પા…પા…. પગલી કરી રહ્યું છે ત્યારે તેને ખરેખર રાજ્યમાં બહુમતી ધરાવતા કોઇ એક સમાજને સાથે રાખીને ચાલવાના બદલે તમામ જ્ઞાતિને સાથે રાખીને આગળ વધવાની જરૂરીયાત છે.

“આપ” હાલ મહાનગરોથી માંડી તાલુકા કક્ષા સુધી સંગઠનના મૂળ હોદ્ાઓ પર એક જ સમાજના આગેવાનોને બેસાડી રહી છે. જેનાથી અન્ય સમાજમાં એવો મેસેજ જઇ રહ્યો છે કે “આપ” પણ એક સમાજની પાર્ટી બની ગુજરાતમાં પગ પેસારો કરવા ઇચ્છી રહી છે. મહાનગર પાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગર પાલિકામાં આપને જે સફળતા મળી તે કોંગ્રેસના ભોગે જ મળી છે. આપે સૌથી વધુ મતો કોંગ્રેસના તોડ્યા છે તે વાત જગ જાહેર છે અનેક બેઠકો પર જીતની લીડ કરતા આપને કોંગ્રે કરતા વધુ મતો મળ્યા છે. “આપ” રાજ્યમાં પગ પેસારો કરશે તો તે કોંગ્રેસનો વિકલ્ બનીને કરી શકશે તેનું જીવતું જાગતું ઉદાહરણ સુરત મહાનગર પાલિકાની ચૂંટણી છે. અહીં કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યુ અને આપને 27 બેઠકો મળી ગઇ.

ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 61 વર્ષમાં રાજ્યમાં ઓછી વસ્તી ધરાવતા સમાજના મુખ્યમંત્રી હોય તેવી ઘટનાઓ પણ અનેક વાર બની ચુકી છે. ટૂંકમાં રાજ્યની જનતાનો મિજાજ જ્ઞાતિવાદનું રાજકારણ આગળ ધરી સત્તાના સિંહાસન પર પહોંચવાનો પ્રયાસ કરનારને જાકારો આપવા જેવો રહ્યો છે. આપ પણ કોંગ્રેસના પંથ પર ચાલી રહી છે જો હજી સમય છે તમામને સાથે રાખી ચાલવાનો પ્રયાસ નહીં કરે તો “આપ” નો ગુજરાતમાં પૂર્ણ સુર્યોદય પહેલા જ સુર્યાસ્ત થઇ જશે.

ભાજપના પટેલો ભાજપના જ રહેશે “આપ” કોંગ્રેસના પાટીદાર મતદારો તોડશે

કોંગ્રેસ જો ગંભીર નહીં બને તો અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ અસ્તિત્વ ખોઇ બેસશે

હમેંશા શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતમાં કમીટેડ વોટર છે. જે ભાજપની સૌથી મોટી તાકાત છે. 2017 વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો હતી તે સમયે એવું લાગતું હતું કે ભાજપ સત્તા ટકાવી રાખશે કે વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવશે. અનામત ન અપાતા રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતો પાટીદાર સમાજ ભાજપ વિમૂખ થઇ ગયો હતો.

ગામે ગામ ભાજપના ઉમેદવારાને જાકારો મળી રહ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આવા કપરા સમયમાં પણ ભાજપના પટેલ મતદારો ભાજપના જ રહ્યા હતા અને રાજ્યમાં સતત છઠ્ઠી વખત સરકાર બનાવવામાં સફળ રહ્યું છે હવે ફર ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે “આપ” પાટીદાર સમાજના સહારે ચૂંટણી જીતવા મેદાને પડ્યું છે પરંતુ એકવાત ફાઇનલ છે કે ભાજપના પટેલ મતદારો ક્યારેય કમળનો સાથ છોડશે નહીં આપ છે તે કોંગ્રેસના પાટીદાર મતદારો તોડશે હાલ સ્થિતિ ગમે તેવી દેખાય રહી હોય પરંતુ જે રીતે “આપ” આગળ વધી રહ્યું છે તેનાથી સૌથી મોટો ફાયદો ભાજપને જ થશે તેમાં શંકાનો કોઇ સ્થાન નથી. જો કોંગ્રેસ ગંભીરતાથી નહીં વિચારે તો અન્ય રાજ્યોની માફક ગુજરાતમાંથી પણ કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઇ જશે અને “આપ” છે તે પંજાનો વિકલ્પ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.