• લો સ્કોરિંગ બનેલા મેચમાં રાજસ્થાને મુંબઈને 6 વિકેટે મહાત આપી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 એટલે કે 17મી સિઝનમાં પોઇન્ટ ટેબલ ઉપર જો નજર કેન્દ્રિત કરવામાં આવે તો સૌથી સ્ટ્રોંગ ગણાતી મુંબઇ ઇન્ડિયન્સ સૌથી છેલ્લે પહોંચી ગઈ છે અને સતત ત્રણ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ હારથી હાર્દિક પંડ્યા માટે મુશ્કેલી સર્જાશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે પરંતુ હાલ મુંબઇ ઇન્ડિયન્સ જે વિસ્ફોટક અને આક્રમક અંદાજથી મેદાનમાં ઉતરતું તેનો સહેજ પણ અંશ આ ત્રણ મેચમાં જોવા મળી શક્યો નથી. લો સ્કોર મેચમાં રાજસ્થાનના બોલરો સામે મુંબઈના દિવસો ટકી શક્યા ન હતા ને ફટાફટ વિકેટો પડવા લાગી હતી. રોહિત શર્મા જેવા દિગજ બેટ્સમેનો પણ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અમદાવાદ અને હૈદરાબાદમાં પરાજય જોયા પછી સોમવારે હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ હાર ખમવી પડી હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પછી હવે રાજસ્થાન રૉયલ્સે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીને બે પૉઇન્ટથી વંચિત રાખ્યા જેને કારણે મુંબઈની ટીમ 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં -1.423ના રનરેટ સાથે છેલ્લા નંબર પર આવી ગઈ છે. બીજી બાજુ, સંજુ સૅમસનની રાજસ્થાનની ટીમે લાગલગાટ ત્રીજો વિજય મેળવીને હાઈએસ્ટ છ પૉઇન્ટ અને 1.249ના રનરેટ સાથે અવ્વલ સ્થાન મેળવ્યું છે.

મુંબઈએ આપેલો માત્ર 126 રનનો લક્ષ્યાંક રાજસ્થાને 15.3 ઓવરમાં 127/4ના સ્કોર સાથે મેળવીને આ સીઝનમાં સૌથી વધુ ત્રીજી જીત હાંસલ કરી હતી. કોલકાતા, ચેન્નઈ અને ગુજરાતના નામે બે-બે વિજય છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની ટીમ છોડ્યા બાદ પહેલી વાર વાનખેડેમાં મૅચ રમ્યો હતો જેમાં અનેક લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો જેને લીધે તેને ‘હોમ સ્વીટ હોમ’ જેવા મુંબઈમાં પણ લોકોનો કડવો અનુભવ થયો હતો.

રિયાન પરાગ (54 અણનમ, 39 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ફરી મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. તેની અને અશ્ર્વિન (16 રન, 16 બૉલ, એક ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 40 રનની ભાગીદારી થઈ હતી. 2023ની આઇપીએલના હીરો આકાશ મઢવાલે મુંબઈ વતી 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને આખી મુંબઈની ટીમમાં માત્ર મઢવાલનો પર્ફોર્મન્સ જ પ્રશંસનીય હતો. એક વિકેટ ક્વેના મફાકાને મળી હતી, જ્યારે બુમરાહને 26 રનમાં, કૉએટ્ઝીને 36 રનમાં અને ચાવલાને 18 રનમાં વિકેટ નહોતી મળી.

ખરેખર તો મુંબઈના બૅટર્સ જે રીતે સદંતર ફ્લૉપ ગયા એટલે પોતાના જ બોલર્સને ડિફેન્ડ કરી શકવા જેટલો સ્કોર નહોતા આપી શક્યા જેને લીધે રાજસ્થાનની ટીમ 27 બૉલ બાકી રાખીને વિજય મેળવવામાં સફળ થઈ હતી. રાજસ્થાનનો યશસ્વી જયસ્વાલ 10 રન અને બટલર 13 રન નોંધાવ્યા હતા. અંએ તેઓ સારું રમવામાં નિષ્ફળ રહ્યા હતા. સંજુ સૅમસને 12 રન બનાવ્યા હતા, સુભમ દુબે આઠ રને પરાગ સાથે અણનમ રહ્યો હતો. એ પહેલાં, મુંબઈએ બૅટિંગ મળ્યા પછી નવ વિકેટે 125 રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.