- બહેન સાથે લગ્ન કયારે કરશો? પુછવા છતાં બહેનના સાસરીયાએ યુવાનનો ઢીબી નાખ્યો
રાજકોટ શહેરના હુડકો પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં રહેતા આધેડને કૌટુંબિક બનેવીએ માર માર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જ્યારે કુબલીયાપરામાં રહેતા યુવકની બહેનના સાસરિયાંપક્ષે અન્ય સંબંધીઓ સાથે મળી બોલાચાલી થયા બાદ માર માર્યાની ફરીયાદ નોંધાઇ છે. શહેરના હુડકો પોલીસ ચોકી પાછળ, નરોદાનગર સોસાયટી શેરી નં. 1 માં રહેતા જયેશભાઈ જેન્તીભાઈ સંચાણિયા નામના 58 વર્ષીય આધેડે લાલ બહાદુર સોસાયટી બોલબોલા માર્ગ નજીક રહેતા વિમલભાઈ કિશોરભાઈ કથરેચા વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને તેના પત્નીના છૂટાછેડા એક માસ પૂર્વે થયા હતા અને ફરિયાદીને આરોપી સબંધમાં કૌટુંબીક બનેવી થાય છે. છુટાછેડા બાબતે ચર્ચા કરવા ફરિયાદી અને તેના ભત્રીજા કુલદીપ કિશોરભાઈ કથરેચાએ આરોપીને આયર ચોકે બોલાવ્યા, બાદમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી વધતા આરોપીએ તેના સાથી મિત્રોને આયર ચોકમાં તેડાવી લીધા હતા ત્યારબાદ બે ગાડીઓ ભરીને આવેલા આરોપીના સાથી મિત્રોએ ફરિયાદી કાકા-ભત્રીજાને ગાડીમાં બેસાડી આરોપીના ઘરે લઈ જઈ ધોકા પાઇપ વડે માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ફરિયાદી કારખાનામાં મજૂરી કામ કરે છે અને આરોપી જમીનની લે-વેચ કરે છે.
જ્યારે શહેરના કુબલીયાપરા શેરી નં. 65 માં રહેતા નિર્મલભાઇ કરસનભાઈ રાઠોડ નામના 37 વર્ષીય પ્રૌઢને બહેનના સાસરિયાપક્ષે માર માર્યાની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. મળતી વિગત મુજબ ફરિયાદી નિર્મલ રાઠોડની બહેનનું બે વર્ષ પૂર્વે વાંકાનેરના યુવક સાથે સગપણ થયું હતું, સગપણ થયાને ઘણો સમય વિતી ગયો હોય અને યુવકના નાના ભાઇના પણ લગ્ન થઇ ગયા જેથી યુવતીના પરિવારજનોએ ક્યારે લગ્ન કરવાના છે એમ પ્રશ્ન કરતાની સાથે જ યુવકના પરિવારજનો સહિત તેના નાના ભાઇના સાસરીયાના લોકો જેમા શાયર કિશન પરમાર, અશોક કિશન પરમાર અને રોહિત અશોક પરમાર નામના શખ્સોએ પરિવાર સાથે મળી યુવકને માર માર્યો હતો. આ ઉપરાંત બંને પરિવારો વચ્ચે યુવતીનું સગપણ નક્કી થયું ત્યારે પૈસાની લેતી દેતી પણ થઈ હતી.