જૂનાગઢ શહેરની 300 કરોડના ખર્ચે ઉભી કરેલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન મળતા દર્દીઓ પાણી માટે વલખા મારી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટેજિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ છે.
આ અંગે સાગર નિર્મળના જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલ પીવાના પાણીના તમામ કેરબા ખાલીખમ થઈ ગયા છે ત્યારે દર્દીઓને પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.
જ્યારે અમુક દર્દીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર- પાંચ દિવસથી પીવાનું પાણી મળતું નથી. બહારથી પાણીની બોટલ લઈએ તો તેના ડબલ ભાવ વસૂલાય છે. તેમ છતાં મજબૂર દર્દીઓ ગમે તે કિંમતે વેચાતું પાણી ખરીદે છે. આ સમસ્યા અંગે આર.એમ.ઓ.ને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓએ પણ આ સમસ્યા પર પાણીઢોળ કરી નાખતા હજુ સુધી પીવાના પાણીની મુશ્કેલી અંગે કોઈ નીવારણ આવ્યું નથી. ત્યારે તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવા અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હોવાનું સાગર નિર્મળ દ્વારા જણાવાયુ છે.