દેશમાં ગૌવંશ અને પશુઓની હત્યા રોકવાના ઈરાદે કેન્દ્ર સરકાર દ્વારા વધ માટે પશુ સોદા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે સરકારના આ નિર્ણય ઉપર સ્ટે મુકયો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ સરકારના નિયમો પર ત્રણ મહિના સુધી મનાઈ હુકમ આપ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ખંડપીઠે નિયમો જાહેર થયાના એક સપ્તાહ બાદ મે મહિનાના એકટીવિસ્ટ એસ સેલવાગોમાથીની પીટીશનના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને તામિલનાડુ સરકારને નોટિસ પાઠવી કેન્દ્રના જાહેરનામા પર ચાર સપ્તાહનો મનાઈ હુકમ ફરમાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે સરકાર નિયમોમાં સુધારો કરી ફરી જાહેર ન કરે ત્યાં સુધી આ મનાઈ જાહેર રાખવાનો હુકમ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે, સરકાર નિયમો જાહેર કરતી વખતે લોકોને પુરતો સમય આપવાની કાળજી લે નવા નિયમોને પણ કોઈપણ વ્યક્તિ કોર્ટમાં પડકારી શકે છે. કોર્ટે કહ્યું હતું કે, આ નિયમો મુદ્દે ઘણી રાજય સરકારો તરફથી સુચનો અને વાંધા મળ્યા છે. કેન્દ્રએ તેના પર વિચારણા હાથ ધરી છે. અત્યારે તો સરકાર આ નિયમોની અમલવારી કરી રહી નથી. નિયમોમાં સુધારા કરવામાં ત્રણ મહિનાનો સમય લાગી જશે ત્યારબાદ સરકાર ફરીથી જાહેરનામુ બહાર પાડશે. રાજયોને પશુઓના બજાર નક્કી કરવાનો ત્રણ મહિનાનો સમય લાગી શકે તેમ છે. કેન્દ્ર સરકાર ઓગસ્ટના અંત સુધીમાં નિયમોમાં બદલાવ કરી શકે તેમ નથી.