જામનગર નજીક મોટીભલસાણમાં ગઈકાલે રાત્રે યુવતીની મશ્કરી કરવાની બાબતે અગાઉ થયેલી બોલાચાલી પછી બે જુથ સામસામા આવી જતાં મારામારી થઈ હતી. બંને પક્ષના ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે.

જામનગર તાલુકાના મોટીભલસાણ ગામના હરીભાઈ જેસંગભાઈ ચાવડા નામના આહિર પ્રૌઢ ગઈકાલે રાત્રે નવેક વાગ્યે ગામમાં જ આવેલી હેમતભાઈની પાનની દુકાને પાન ખાવા માટે ગયા હતાં. આ વેળાએ ત્યાં ધસી આવેલા જેઠાભાઈ માલાભાઈ વારા, લખમણભાઈ આલાભાઈએ રવિવારે એક મહિલાની મજાક કરવા બાબતે થયેલી તકરારનો ખાર રાખી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. જેને હરીભાઈએ રોકવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા આ શખ્સોએ પાઈપ, લાકડી વડે હુમલો કરી હરીભાઈ તેમજ સાથે રહેલા વજાભાઈ માલાભાઈ પર હુમલો કરી માર માર્યો હતો. જેની સારવારમાં ખસેડાયેલા હરીભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જીપીએક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદની સામે મોટીભલસાણના જેઠાભાઈ માલાભાઈ વારાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે થોડા દિવસ પહેલાં ધવલ વીનાભાઈ નામના શખ્સે એક યુવતીની મશ્કરી કરતા હેમતભાઈની પાનની દુકાન પાસે તકરાર થઈ હતી. તે પછી ત્યાંજ દુકાન ધરાવતા જેઠાભાઈ પાસે ગઈકાલે રાત્રે ધવલ મોટરસાયકલ પર આવ્યો હતો. તેણે બોલાચાલી શરૂ કર્યા પછી મનોજ મુળુ ચાવડા, હેમત નાગદાન, ભરત મુળુ તથા વીરા નાગદાનએ ધોકા વડે હુમલો કર્યો હતો. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લઈ ઉપરોક્ત કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ
ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.