સાંથણીની જમીનના શરત ફેરના જે કેસો 40થી 50 વર્ષ જુના હતા તેમાં અત્યાર સુધીમાં રોજકામ ન મળતું હોય, કબજામાં ફેરફાર હોય તેવી આટીઘુટી નડતી હોય કલેકટર તંત્રએ યુદ્ધના ધોરણે કામ કરીને બે જ મહિનામાં 848 કેસોમાં સુઓમોટો લઈને જમીન નવીમાંથી જુની શરતમાં ફેરવી આપી છે.
સાંથણીમાં ફાળવેલ જમીનોમાં રોજકામ ન મળતું હોય, કબજામાં ફેરફાર હોવા સહિતની અનેક આંટીઘૂંટીઓના કારણે પેન્ડિંગ રહેલા કેસોમાં બે જ મહિનામાં યુદ્ધના ધોરણે કામગીરી કરી નિવેડો લવાયો
રાજકોટ જિલ્લામાં 1970 થી 1982 ના સમયગાળામાં અનેક લોકોને સાથણીમાં જમીન ફાળવવામાં આવી હતી. નવીમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા કેશુબાપાની સરકારે 1996માં પહેલો સુધારો કર્યો. પછી બીજો સુધારો 2008માં થયો. મોટા ભાગના હુકમો લોટમાં થયા હતા. એક સાથે 50-50 હુકમ થતા તેમાં 20થી 22 આસામી હતા. અમુકને કબજા આપી દીધા અમુકને કબજા નહોતા આપ્યા. જેના કારણે મોટાપ્રમાણમાં શરત ફેર કરવામાં અવઢવ સર્જાઈ હતી.
સરકારી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ જમીન 15 વર્ષ સુધી જે તે અરજદારના જ નામે રહે છે. આ દરમિયાન કેટલાક કિસ્સામાં અરજદારોએ આવી જમીનના બે થી ત્રણ વેચાણ વ્યવહાર કરી નાખ્યા હતા. પરંતુ તેની મહેસુલી રેકોર્ડ ઉપર કોઈ નોંધ પડી ન હતી કે પછી 15 વર્ષ પુરા થતા હોય જમીન ખાતે કરવામાં અરજદારો પાસે રોજકામ અને કબજા સોપણીના હુકમ માંગવામાં આવ્યા હતા. જે રેકોર્ડ પણ અરજદાર પાસે ન હોવાથી આવા કેસનો રાજકોટ જિલ્લામાં ભરાવો થઈ ગયો હતો. આ દરમ્યાન મહેસુલ વિભાગે આવા કેસોનો નિકાલ કરવાનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં તમામ 11 તાલુકામાં મામલતદાર દ્વારા સુઓમોટો કરી શરતભંગ ન થતો હોય તેવા કિસ્સામાં અરજદારો પાસેથી અરજી લીધા વગર જ 848 કેસોમાં જમીન નવીમાંથી જૂની શરતમાં ફેરવી દેવામાં આવી છે. તાલુકા વાઇઝ આંકડા જોઈએ તો બે જ મહિનામાં જેતપુર ગ્રામ્યમાં 36, ગોંડલ તાલુકામાં 348, જસદણમાં 19, વીંછીયામાં 90, જામકંડોરણામાં 45, ઉપલેટામાં 98 ધોરાજીમાં 73, કોટડા સાંગાણીમાં 49, રાજકોટ તાલુકામાં 36, પડધરીમાં 22 અને લોધિકામાં 32 કેસોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.