ભાજપના નેતા ડો. કાનાબારે પી.એમ. અને સી.એમ.ને ટેગ કરી કર્યુ ટવીટ
અબતક,ભરત ગોંડલીયા, અમરેલી
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસના 70 વર્ષના ભ્રષ્ટ શાસનની વાત કરવાની એક પણ તક જતી કરતી નથી હોતી. એવામાં આજે અમરેલી ભાજપના એક નેતાએ કરેલા એક ટ્વીટના કારણે ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ સવાલોના ઘેરામાં આવી ગયું છે. ભાજપના નેતા ડો. કાનાબારે કોઈપણનું નામ લીધા વગર ટ્વીટર પર લખ્યું છે કે, 75 વર્ષમાં આપણએ ભ્રષ્ટાચાર બાબતે વધુ ઉદાર બન્યા છીએ. ભ્રષ્ટાચારમુક્ત શાસનની વાતો કરતા પક્ષના નેતાએ જ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આડકતરો સ્વીકાર કરતા ચકચાર મચી છે.
ડો. કાનાબારે પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેગ કરી કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, આઝાદીના 75 વર્ષમાં ભ્રષ્ટાચાર બાબતમાં આપણે વધુ ઉદાર બન્યા છીએ. ’ફલાણા નેતા/અધિકારીએ ખૂબ માલ બનાવ્યો’ એવી વાત અહોભાવ સાથે કરીએ છીએ. કરપ્શન કરનાર પણ જાહેરમાં ઊંચા કોલર રાખી ફરી શકે છે. ઉલ્ટાનું આપણે તો તેને આપણા કાર્યક્રમોમાં બોલાવી હારતોરા કરીએ છીએ.
ડો. ભરત કાનાબારે ભ્રષ્ટાચાર મુદ્દે જે ટ્વીટ કર્યું છે તેમાં કોઈ પક્ષનું, નેતાનું કે અધિકારીનું નામ નથી લીધું. ત્યારે સવાલ એ થાય કે, એવા કયા અધિકારી અને નેતાઓ છે કે, જે ભ્રષ્ટાચાર કરી ઊંચા કોલર રાખી ફરી રહ્યા છે.
અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારને ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદી ખુદ ફોલો કરે છે. તેઓ જ્યારે પણ કોઈ વિષયને લઈ સવાલ ઉઠાવે છે ત્યારે પીએમ મોદીને પણ ટેગ કરતા રહે છે. આજે કરેલા ટ્વીટમાં પણ પીએમ મોદી ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેગ કર્યા હતા.
ડો. ભરત કાનાબાર અલગ અલગ વિષયો પર સવાલો ઉઠાવતી ટ્વીટને લઈ હંમેશામાં ચર્ચામાં રહેતા આવ્યા છે. થોડા મહિના પહેલા જ રોડ રસ્તા મામલે કરેલું એક ટ્વીટે ભારે ચર્ચા જગાવી હતી. રોડ રસ્તા મામલે કરાયેલા ટ્વીટમાં કહ્યું હતું કે, એક બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રાકટર, કટકીબાજ અધિકારીઓ અને કેટલા ભ્રષ્ટ લોકસેવકોની ટોળી જ ખરા અર્થમાં ’ટુકડે ટુકડે’ ગેંગ છે. જેમના કારણે લોકોની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. જામનગરમાં થોડા મહિના પહેલા હિન્દુ સેના દ્વારા ગોડ્સેની પ્રતિમાની સ્થાપના થતાં ડો. ભરત કાનાબારે ટ્વીટર પર વડાપ્રધાનને ટેગ કરી લખ્યું હતું કે- ’આઝાદીનો અમૃત મહોત્સવ કે નથુરામનો પ્રતિષ્ઠા મહોત્સવ?’