કેનેડાના ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની સરેઆમ ગોળી મારી હત્યા
કેનેડામાં ખાલિસ્તાની આકા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જર પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. હરદીપ સિંહ નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો. હરદીપ સિંહ નિજ્જર પંજાબના જલંધરના ભાર સિંહ પુરા ગામનો રહેવાસી હતો.
ઉગ્રવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’નો મુખ્ય ચહેરો
ભારતમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ) અને શીખ ફોર જસ્ટિસ જેવી સંસ્થાઓ પ્રતિબંધિત છે. ભૂતકાળમાં કેનેડાના બ્રામ્પટન શહેરમાં ખાલિસ્તાન અંગે થયેલા જનમત સંગ્રહમાં પણ શીખ ફોર જસ્ટિસ સંસ્થાનો હાથ હતો. એનઆઈએએ હરદીપ સિંહ નિજ્જર વિરુદ્ધ દેશમાં હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધ્યો હતો.
વર્ષ 2022માં એનઆઈએએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. એનઆઈએએ હરદીપ સિંહ નિજ્જર પર જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. ભારત સરકારે કેનેડા સરકારને નિજ્જર વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ પણ કરી હતી. અગાઉ 1985માં એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટેલા રિપુદમન સિંહ મલિકની હત્યામાં નિજ્જરનું નામ બહાર આવ્યું હતું. જોકે એનઆઈએને આ કેસમાં કોઈ પૂરાવો મળ્યો ન હતો.
એક અઠવાડિયામાં બીજા મોટા ખાલિસ્તાન નેતાનું મોત
છેલ્લા અઠવાડિયામાં બે મોટા ખાલિસ્તાની નેતાઓના મોત થયા છે. થોડાં દિવસ પહેલાં બ્રિટનમાં અન્ય ખાલિસ્તાની નેતા અવતાર સિંહ ખાંડાનું મૃત્યુ થયું હતું. અવતાર સિંહ ખાંડા ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો યુકેનો ચીફ હતો. લંડનમાં ભારતીય દૂતાવાસ પર ત્રિરંગાનું અપમાન કરનાર વ્યક્તિ અવતાર સિંહ ખાંડા હતો. એટલું જ નહીં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની ધરપકડ બાદ ખાંડાએ લંડનમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને તેનું નેતૃત્વ કર્યું હતું. થોડાં દિવસો પહેલા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.મેડિકલ રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે અવતાર સિંહ ખાંડા બ્લડ કેન્સરથી પીડિત હતો.
અગાઉ 6 મેના રોજ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ચીફ પરમજીતસિંઘ પંજવારની પાકિસ્તાનમાં હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જેથી કુલ 45 દિવસમાં 3 ખાલિસ્તાની આતંકીઓની હત્યા નીપજાવી દેવામાં આવી છે.