સુરત જિલ્લામાં બે દિવસથી એકધારો વરસાદ
પહાડી વિસ્તાર હોવાથી ઉમરપાડામાં પાણી ભરાવાની સમસ્યા નથી
સમગ્ર જિલ્લામાં ૩૬ કલાકમાં સરેરાશ ૫.૫ ઇંચ વરસાદ
છેલ્લા ૩૬ કલાકથી મેઘરાજા અણનમ એકધારા સતત વરસી રહયો હોવાથી સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં ૧૩ ઇંચ, માંગરોળમાં ૧૦ ઇંચ સહિત તમામ તાલુકામાં ૩ ઇંચ સુધીનો ખાબકતા ચોમાસુ બરાબરનું જામ્યુ છે. આ ૩૬ કલાકમાં સુરત જિલ્લામાં સરેરાશ સાડા પાંચ ઇંચ વરસાદ ઝીંકાતા ઠેરઠેર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી હતી. અને આ આગાહી સાચી પડી હોઇ તેમ સુરત જિલ્લામાં શુક્રવારની સવાર થી આજે શનિવારની સાંજ સુધીના ૩૬ કલાકમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. આ ૩૬ કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં ૧૩ ઇંચ નોંધાયો હતો. જેમાં શુક્રવારના ૨૪ કલાકમાં જ ૧૨.૫૬ ઇંચ વરસ્યો હતો. અને આજે આખો દિવસ અડધો ઇંચ પાણી પડયુ હતુ. ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ થઇ ગયુ હતુ.
જો કે મામલતદારે કરેલા રિપોર્ટ મુજબ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતા આ તાલુકામાં પહાડી વિસ્તાર આવ્યો છે. આથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી. આ વરસાદથી માનવહાનિ કે પશુહાનિ કે કોઇ નુકસાન થયુ નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે ઉમરપાડા તાલુકામાં ગુરૃવાર સુધીના દોઢ મહિનામાં કુલ વરસાદ ૬૩૯ મિ.મિ હતો. અને શુક્રવાર થી લઇને શનિવાર સુધીના ૩૬ કલાકમાં ૩૨૭ મિ.મિ વરસાદ વરસ્યો છે. આમ દોઢ મહિનામાં જે વરસાદ નોંધાયો હતો. તેનો અડધો વરસાદ માત્ર ૩૬ કલાકમાં જ નોંધાયો છે.
માંગરોળ તાલુકામાં પણ ૩૬ કલાકમાં મેઘરાજા ઝાલ્યા ના ઝલાતા ૧૦ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. આમ ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં ઠેરઠેર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. સુરત જિલ્લાનો છેલ્લા ૩૬ કલાકનો વરસાદ જોઇએ તો શુક્રવાર સુધીના ૨૪ કલાકમાં ૭૯૩ મિ.મિ અને આજે શનિવારે સવારે ૬ વાગ્યા થી સાંજ ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ૬૦૧ મળીને ૩૬ કલાકમાં કુલ્લે ૧૩૯૪ મિ.મિ અને સરેરાશ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. અને હજુ પણ મેઘરાજાની અણનમ બેંટિગ ચાલી રહી છે.
ઉકાઇ ડેમમાં પાણીની સામાન્ય આવક: સપાટી રૃલ લેવલથી ૩૬ ફૂટ હજી દુર
સુરત જિલ્લામાં ફટાફટી બોલાવતા મેઘરાજા ઉકાઇ ડેમના ઉપરવાસમાં શાંત થઇને બેઠા છે.અને સામાન્ય વરસાદ નોંધાતો હોવાથી ડેમની સપાટી રૃલલેવલથી ૩૬ ફૂટ દૂર છે. અને સતાધીશો ડેમ ભરાઇ તેની રાહ જોઇ રહયાં છે.
રૃલ લેવલ ૩૩૩ ફુટ સામે હાલમાં સપાટી ૨૯૬.૯૩ ફુટ
ઉકાઇ ડેમના ઉપરવાસમાં હજુ સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી નથી.જેના કારણે સામાન્ય જ વરસાદ વરસી રહયો છે.અને ડેમ ચોમાસાના દોઢ મહિનો વીતી ગયો હોવાછતા હજી સુધી ૩૦૦ ફૂટને પાર કરી નથી. વિતેલા ૨૪ કલાકમાં ઉકાઇ ડેમના સ્થાનિક કેચમેન્ટમાં વરસાદ નોંધાતા આજે સાંજ છ વાગ્યા સુધી ૧૭૦૦૦ કયુસેક સુધીની પાણીની આવક આવી હતી. અને સપાટીમાં થોડો વધારો થઇને સાંજે છ વાગ્યે ૨૯૬.૯૩ ફૂટ થઇ હતી. જે ઉકાઇ ડેમના આ મહિનાના રૃલલેવલ ૩૩૩ ફૂટ કરતા ૩૬ ફૂટ દૂર છે. અને ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. આમ ડેમ ભલે ખાલી હોઇ પરંતુ મેઘરાજાનો એક જ રાઉન્ડ એવો આવશે કે ડેમ રૃલલેવલની નજીક પહોંચી જશે.
સુરત જિલ્લામાં ૩૬ કલાકના વરસાદના આંકડા
તાલુકો |
વરસાદ ( ઇંચ) |
ઉમરપાડા |
૧૩.૦૮ |
માંગરોળ |
૧૦.૦૦ |
ચોર્યાસી |
૫.૦૫ |
માંડવી |
૫.૦૦ |
પલસાણા |
૪.૦૫ |
બારડોલી |
૪.૦૦ |
સુરત શહેર |
૪.૦૦ |
મહુવા |
૪.૦૦ |
ઓલપાડ |
૩.૦૫ |
કામરેજ |
૩.૦૦ |