સોશિયલ મીડિયાના વાયરલ ‘વાયરસ’ને નિયંત્રિત કરવા નવા આઈટી એકટ હેઠળ ફેસબુકની કાર્યવાહી
સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ”ને નિયંત્રિત કરવા માટે નવા આઈટી કાયદા હેઠળ ફેસબુક, ગૂગલ, વોટ્સએપ તેમજ ટ્વીટર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ફેસબુકે સતત બીજા ક્વાર્ટરમાં વાંધાજનક પોસ્ટ, કન્ટેન્ટ કે કમેન્ટ સામે આકરી કાર્યવાહી કરી છે. ત્રણ માસમાં ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પરથી આશરે 1.3 કરોડ જેટલી ધૃણાસ્પદ પોસ્ટ હટાવી દીધી છે.
ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી હટાવાયેલી ગેરકાયદે અને ધૃણાસ્પદ સામગ્રી વૈશ્વિક સ્તરે દર 10,000 સામગ્રી માટે પાંચ વખત જોવાઈ હતી. ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ ગાય રોસેને એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે પ્રથમ ત્રિમાસિક ગાળામાં (માર્ચ ક્વાર્ટર) 25.2 મિલિયન પોસ્ટ, કન્ટેન્ટ હટાવ્યા હતા. જેની સરખામણીમાં આ ક્વાર્ટરમાં ધૃણા, નફરત ફેલાવતી 31.5 મિલિયન એટલે કે 3.15 કરોડ જેટલી સામગ્રી દૂર કરી છે. ફેસબુક પર દ્વેષપૂર્ણ સામગ્રીની હાજરી સતત ઘટી રહી છે.
તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે ફેસબુક તેના પ્લેટફોર્મ પર કોવિડ -19 રસી વિશે ખોટી માહિતી ફેલાવતા એકાઉન્ટને હટાવી રહ્યું છે. સોશિયલ મીડિયા દિગ્ગજ ફસબૂકે તેના કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ એન્ફોર્સમેન્ટ રિપોર્ટમાં જણાવ્યુ કે તેણે કોરોના અને તેની રસીકરણ વિશે વારંવાર ખોટી માહિતી ફેલાવવા બદલ 3000થી વધુ એકાઉન્ટ્સ, પેજ અને ગ્રુપને દૂર કર્યા છે. આ ઉપરાંત કોરોના સંબંધિત ખોટી માહિતી ફેલાવવા માટે વૈશ્વિક સ્તરે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી 20 મિલિયન સામગ્રી દૂર કરી છે.