- રૂમઝુમ રૂમઝુમ મેઘરાજાની સવારી પધારી રહી છે
- સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઈંચ વરસાદ, અમરેલીમાં
- બાબરામાં દોઢ ઈંચ જયારે રાજકોટ જિલ્લાના જેતપુર-વીરપુરમાં પણ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગમે તે ઘડીએ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. હાલ માત્ર 30થી 40 કિમી ચોમાસું દૂર છે. જણાવી દઈએ કે, રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદ બાદ સોમવારે પણ રાજ્યના 26 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. જેના કારણે તાપમાન ઘટી 40 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકોને અસહ્ય બફારો સહન કરવો પડ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ એન્ટ્રી થશે. જોકે, 21મી જૂન બાદ ચોમાસું એકંદરે સારું રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પહોંચ્યું છે. બે દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. 48 કલાક બાદ ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજા પ્રવેશશે. પૂર્વીય ભારતમાં બંગાળના ઉપસાગરમાંથી ડીપડિપ્રેશનની સિસ્ટમ ડેવલપ થશે અને તેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે. જેના પરિણામ સ્વરૂપ કેટલાક ભાગોમાં લો પ્રેશર બનશે અને કોઇપણ ભાગમાં અણધાર્યો વરસાદ થશે અને તે વિસ્તારને જળબંબાકાર કરી જશે. 21-22 જૂન બાદ આગળ વધેલો વરસાદ એકંદરે સારો રહેશે. જેથી ગુજરાતમાં ગરમી ઘટશે. જુલાઇ-ઓગસ્ટમાં પણ સારું ચોમાસું રહેશે. જે બાદ સપ્ટેમ્બર મહિનામાં અલનીનોની અસર થવાની શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતમાં પાછોતરો વરસાદ પણ સારો થઈ શકે છે. આ વખતે ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે હવે આગામી 24 કલાકમાં ચોમાસું રાજ્યમાં વિધિવત રીતે પ્રવેશ કરશે કરશે ત્યારે આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.
ક્યાં જિલ્લામાં વરસાદ વકી?
આજે: સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ
- કાલે: નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
- 13 જૂન: નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
- 14 જૂન: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી ક્યાં કેટલો વરસાદ
સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઈંચ વરસાદ
પંચમહાલના મોરવાહડફમાં સવા ઈંચ વરસાદ
ગાંધીનગરના કલોલમાં વરસ્યો એક ઈંચ વરસાદ
મહીસાગરના કડાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
સંજેલી, કડી, ગાંધીનગરમાં વરસ્યો અડધો અડધો ઈંચ વરસાદ
કપરાડામાં અડધો ઈંચ વરસાદ
જેતપુર, અમરેલી,અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ
ખેરગામ, ભચાઉ, સાવરકુંડલા, પાલીતાણા, બાબરામાં વરસ્યો વરસાદ ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં સરેરાશ 0.78 ટકા વરસાદ
સૌરાષ્ટ્રના 80 પૈકી 52 ડેમો ખાલી
રાજકોટ જીલ્લા સહિત સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી જીલ્લાના મોટાભાગના જીલ્લાઓમાં મોટાભાગના ડેમોમાં તળીયા દેખાવા લાગ્યા છે. આ અંગેની રાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ સહિત ઉપરોકત જીલ્લાઓના 80 પૈકી 52/- ડેમો ખાલી થવાના આરે આવી ગયા છે. અને અમુક ડેમો તો સાવ તળીયાઝાટક થઈ ગયા છે. સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જીલ્લાના 27 પૈકી 17 ડેમોમાં તળીયા દેખાવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે માત્ર રાજકોટને પાણી પુરૂ પાડતા આજી-1 ડેમમાં 54.76 ટકા અને ન્યારી-1 ડેમમાં 37.06 ટકા પાણી બચ્યું છે. તથા ભાદર-1 ડેમમાં માત્ર 9.04 ટકા પાણી બચ્યું છે. બાકી જીલ્લાના 27 પૈકીના 17 ડેમોમાં માત્ર 1થી 9 ટકા જેટલો પાણીનો સ્ટોરેજ ઉપલબ્ધ છે. સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર મોરબી જીલ્લાના 10માંથી 4 જળાશયો ખાલી થવાના આરે આવી ગયા છે. જેમાં મચ્છુ-2માં 6.25, ડેમી-1માં 3.49, ડેમી-2માં 2.25, ડેમી-3માં 8.75 ટકા પાણી બચ્યું છે. તેમજ જામનગર જીલ્લાના 21 પૈકી 11 ડેમો ખાલી થવાના આરે પહોંચી ગયા છે.સસોઈ, ફુલઝર-1, ફુલઝર-2, ફોફળ-2, આજી-4, રંગમતી, કંકાવટી, ઉંડ-2, રૂપાવટી, ઉમિયાસાગર, સસોઈ-2 ડેમમાં 0.20થી 7 ટકા સુધીનું પાણી ભયુર્ં છે. આ ઉપરાંત દ્વારકા જીલ્લાના તમામ 12 ડેમો ખાલી થઈ ગયા છે. અને જીલ્લાના તમામ ડેમોમાં માત્ર 0.48 ટકા પાણી બચ્યું છે.