છોટે કાશીનું બિરૂદ મળેલા જામનગર પંથકમાં નિર્દયતાથી થયેલા ખૂનના બનાવથી કાયદો અને વ્યવસ્થા સામે ઉઠતા સવાલો
છોટે કાશીનું બિરૂદ મળેલુ હાલાર ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ વિકાસથી વિશ્ર્વના નકશામાં સ્થાન પામ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં ધીરે ધીરે ગુનાખોરી માથુ ઉંચકી રહી છે.જેમાં 24 કલાકમાં મહિલા અને યુવતિની હત્યાથી બુધ્ધીજીવીઓમાં હડકંપ મચી ગઈ છે.
ધ્રોલમાં આંબેડકરનગરમાં ચારિત્ર્ય પ્રશ્ર્ને પતિએ પત્નીને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી ખાડો ખોદી દાટી દીધી છે જયારે લાલપુર તાલુકાના ચંગા ગામની લાપતા બનેલી યુવતીની કારખાનામાં સાથે કામ કરતો નાની રાફુદળ ગામના શખ્સે તીક્ષણ હથીયાર વડે ઢીમઢાળી દીધું છે.
લાલપુર: ચંગા ગામની યુવતીની તિક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા
કારખાનામાં સાથે કામ કરતા નાની રાફૂદળ ગામના શખ્સે ક્રુરતા સાથે મારમારી કણસતી યુવતીનો વીડિયો ઉતારી મૃતકના પિતાને મોકલ્યા
નાની રાફૂદડ ગામમાંથી ચંગા ગામની એક યુવતી નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.
યુવતી ની સાથે જ કારખાનામાં કામ કરતા શખ્સ દ્વારા યુવતી તિક્ષણ હથિયારના ઘા જીંકી દઈ હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે હત્યા અંગે ગુનો નોંધી હત્યારા આરોપી ની શોધખોળ હાથ ધરી છે.
જામનગર તાલુકાના ચંગા ગામે રહેતી અર્ચનાબેન મનસુખભાઈ કણજારીયા નામની 23 વર્ષીય યુવતી ઘેરથી એકાએક લાપતા બની હતી, અને નાની રાફૂદડ ગામની સીમમાં એક વાડીની ઓરડીમાંથી તેણીનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો.
જે મૃતદેહની બાજુમાં છરી- લોહી વાળો પથ્થર સહિતના હથિયારો મળી આવ્યા હતા, બનાવ સ્થળેથી દરેડ વિસ્તારમાં રહેતા ભાવેશ રણછોડભાઈ સોનગરા નામના 23 વર્ષના શખ્સ ના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તેથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
મૃતક અર્ચનાબેન લાપતા બન્યા પછી આજે વહેલી સવારે ભાવેશ નામના શખ્સનો અર્ચનાબેન ના પિતાને ફોન આવ્યો હતો, અને વોટ્સએપ ચાલુ કરવા જણાવ્યું હતું.
જેથી અર્ચના ના પિતાએ વોટ્સએપ ચાલુ કરતાં તેમાં એક વિડીયો ક્લિપ આવી હતી, જે ભાવેશે મોકલાવી હતી, અને તેમાં તેની પુત્રી અર્ચના કાકલુદી કરી રહેલી જોવા મળતી હતી.
જેથી અર્ચનાબેન નો પરિવાર તાત્કાલિક અસરથી લાલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, અને લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં ભાવેશ ના કાકા જયંતીભાઈ ની વાડી આવેલી છે, તે વાડીમાં તપાસ કરવાના અર્થે પહોંચ્યા હતા. જ્યાં વાડીની ઓરડીમાંથી અર્ચના નો મૃતદેબ મળી આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.
જ્યારે અર્ચનાબેન ના પિતાની ફરિયાદના આધારે ભાવેશ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ કરી છે
પોલીસ ની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચંગા ગામની અર્ચના અને દરેડ ગામનો ભાવેશ કે જે બંને દરેડ વિસ્તારના એક કારખાનામાં સાથે જ કામ કરતા હતા, અને એકબીજાના પરિચયમાં હતા.
દરમિયાન કોઈપણ રીતે અર્ચના ઘેરથી નીકળી ગયા પછી તેણીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સમગ્ર મામલે લાલપુર પોલીસની ટિમ તપાસ ચલાવી રહી છે, અને આરોપી ભાવેશને શોધી રહી છે.
ધ્રોલ: યુવતીને પતિએ મોતને ઘાટ ઉતારી
પત્નિને ગળુ દાબી હત્યા કર્યા બાદ મૃતદેહને ખાડામાં દાટી પુરાવાનો નાશ કર્યો: આગવી ઢબે પોલીસે કરેલી પૂછપરછમાં પતિ ભાંગી પડયો અને પત્નીની હત્યા કર્યાની આપી કબુલાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં પતિ- પત્ની વચ્ચેના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. ચારિત્ર્યની શંકાના આધારે પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી કાસળ કાઢી નાખ્યું હતું, અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પોતાના જ ઘરના ફળિયામાં દાટી દીધો હતો, પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ આખરે ભાંડો ફૂટ્યો હતો, અને પોલીસે હત્યારા પતીની અટકાયત કરી લીધી છે, અને ફળિયામાં ખાડો ખોદીને મૃતદેહ ને બહાર કાઢી જામનગર જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ છે.
વધુ વિગત મુજબ ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં રહેતી સોનલબેન મનસુખભાઈ ચૌહાણ નામની 27 વર્ષની પરણીતા, બે દિવસથી લાપત્તા બની હતી, સોનલબેન ના માતા જશુબેન કે જેઓ રાજકોટ જિલ્લાના મોટા મૌવા પાસે રહે છે, તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા, અને પોતાની પુત્રી સોનલ વિશે સોનલના પતિ મનસુખ હીરજી ચૌહાણ ને પૂછપરછ કરી હતી. પરંતુ તેને સરખો જવાબ આપ્યો ન હતો. જેથી મામલો ધ્રોળ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.
ધ્રોળ પોલીસે મનસુખ ચૌહાણને પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતાં આખરે તેણે પોતાની પત્ની સોનલ ની હત્યાર નિપજાવી હોવાનું કાબુલી લીધું હતું.
પોતાની પત્ની સોનલ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે, તેવી શંકા વ્યક્ત કરતો હતો, તે શંકા ના કારણે 2.4.2023 ના રાત્રિના સમયે પોતાની પત્ની સોનલને ઘર પાસે જ આવેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો, અને ત્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી મોડી રાત્રે મૃતદેહ ને પોતાના ઘેર ખાડામાં પથ્થર અને માટી નાખી દઈ જમીન સમથળ કરી નાખી હતી, પરંતુ ભાંડો ફૂટી ગયો હતો, પત્નીની હત્યા કરીને દાટી દીધી હોવાની કબુલાત કરી હોવાથી મોડી રાત્રે ધ્રોળ પોલીસે ખાડો ખોદાવીને તેમાંથી સોનલબેનના મૃતદેહને બહાર કઢાવી દીધો હતો.જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ આવ્યા પછી તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામ આવી રહ્યું છે. ધ્રોલ પોલીસ દ્વારા મૃતક સોનલબેન ની માતા જશુબેન ની ફરિયાદના આધારે મનસુખ હીરા ચૌહાણ સામે હત્યા અને પુરાવાનો તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે
મૃતક સોનલબેન કે જેઓનું આ બીજું લગ્ન હતું, અને મનસુખ ચૌહાણ સાથે છેલ્લા પાંચ વર્ષથી ધ્રોલના આંબેડકર નગર વિસ્તારમાં રહેતી હતી, અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર સહિતના પાંચ સંતાનો છે, જે સંતાનો માતા વિહોણા બની ગયા છે. આ બનાવે ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.