પ્રાયમરી માર્કેટમાં હાલમાં આઈ.પી.ઓ. ની હારમાળા છે. એસ.એમ.ઈ. ઉપરાંત મેઈન બોર્ડના આઈ.પી.ઓ. પણ ખૂબ જ આવી રહયા છે આઈ.પી.ઓ. મલ્ટીપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થઈ રહયા છે. લીસ્ટીંગ ખૂબ જ ઉંચા પ્રીમીયમ થી થઈ રહયા છે . જેને લઈને ઘણી બધી કંપનીઓ નાણા એકઠા કરવા પબ્લીકમાં આવવા ડી.આર.એચ.પી. ફાઈલ કરી રહી છે . આવનારા દિવસોમાં એટલે કે કેલેન્ડર 2024 માં 500 થી વધુ કંપનીઓ આઈ.પી.ઓ. લઈને આવે તેવો એક અંદાજ મૂકાઈ ર હયો છે. તેમ શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ.

ડિમેટ ધારકોની સંખ્યા પણ 20 કરોડને પાર થશે, બેંકો વ્યાજદર ઘટાડશે તો તેજી વધુ તોફાની બનશે

તેઓએ ઉમેર્યું હતુ કે, અત્યાર સુધીમાં 50 લાખથી વધુ અરજીઓ શેરો મેળવવા આવી હોય તેવા ઘણા ઓછા આઈ.પી.ઓ. આવ્યા છે . પરંતુ આવનારા સમયમાં સારા આઈ.પી.ઓ. માં એક કરોડ થી વધુ અરજીઓ આવે તેવું લાગી રહયુ છે . બેન્ક વ્યાજ કરતા વધુ વળતર મળવાની શકયતાએ એક વર્ગ બેન્ક એફ.ડી. કરવા કરતા બજાર તરફ વળ્યો છે તે પણ એક મુખ્ય કારણ તેજીનું ગણી શકાય. -પ્રાયમરી મારકેટ રોકાણ કરવામાં થોડુ ઓછું જોખમ પણ હોવાથી રોકાણકાર આઈ.પી.ઓ. ભરીને શેર બજારમાં રોકાણ તરફ વળી રહયા છે.

બીજી બાજુ આવનારા દિવસોમાં ફેડ બેન્ક પણ વ્યાજદર ઘટાડશે તેવા સંકેતો આપતા આપણે ત્યાં પણ ભવિષ્યમાં વ્યાજદરોમાં ઘટાડો આવવાની શકયતાઓ જોવાઈ રહી છે. જો ફરી વ્યાજદરોમાં ઘટાડો આર.બી.આઈ. કરશે તો વધુને વધુ લોકો શેરબજાર તરફ વળશે તેમાં કોઈ શંકા નથી.

મ્યુચ્યુઅલ ફંડમાં પણ દર મહીને રોકાણ વધી રહયુ છે એસ.આઈ.પી. પણ વધી રહી છે . આ બધા નાણા પણ અંતે તો શેરબજારમાં જ ઠલવાશે. 2024 ની શરૂઆતમાં જો એફ.આઈ.આઈ. આક્રમક ખરીદી કરશે તો બજારમાં મોટી તેજી થશે. યુ.એસ. બોન્ડ યીલ્ડ નો ઘટાડો પણ બજારમાં ફાયદો કરાવશે. એડવાન્સ ટેકસના કલેકશનમાં પણ મોટો ઉછાળો જોવા મળશે. જો કે જી.એસ.ટી. કલેકશનના આંકડાઓમાં પણ દર મહીને તીવ્ર ઉછાળો જોવા મળી રહયો છે.

રાજકીય સ્થિરતા પણ શેરબજારની તેજીનું કારણ બનશે જેને લઈને બજાર પોઝીટીવ રીએકશન આપી રહયુ છે. હાલના બધા જ પરિબળો શેરબજારને તેજી માટે અનુકુળ હોય આગામી દસ વર્ષમાં મોટી તેજી બજારમાં થશે અને આગામી દસ વર્ષ શેરબજારના હશે તેમ કહી શકાય.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર બજારમાં મોટી તેજી થવા જઈ રહી છે ખાસ કરીને પ્રાયમરી મારકેટ જ બજારને લીડ કરશે . 2024 માં નવા ચાર થી છ કરોડ ડીમેટ એકાઉન્ટ ખુલવાની શક્યતા છે. યુવા વર્ગ બેન્કમાં એફ.ડી. કરવા કરતા શેરબજારમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહયા હોય આવનારા દિવસોમાં એટલે કે 2024 ના અંત સુધીમાં ડીમેટ ધારકોની સંખ્યા ર0 કરોડને પાર કરી જાય તો પણ નવાઈ નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.