હિતેશ રાવલ, સાબરકાંઠા: ગુજરાત વિધાન સભાની ચૂંટણીએ હજી 15 મહિનાની વાર છે. પરંતુ અત્યારથી જ ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં થોડા દિવસો પહેલા દિલ્હીના CM કેજરીવાલ ગુજરાત આવ્યા હતા અને ઇશુદાન ગઢવી ‘આપ’માં જોડાયા હતા. હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ પણ તેની સત્તા જમાવવા મેદાને આવી છે.
કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા આજે સાબરકાંઠાની મુલાકાતે આવ્યા હતા. અમિત ચાવડાએ સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સહીત તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠક પાછળનો મુખ્ય હેતુ 2022ની વિધાનસભાની ચૂંટણી બાબતનો હતો. આ બેઠકમાં પ્રમુખ અમિત ચાવડાએ બધા સાથે મળી આવનારી ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી છે.
જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘સ્થાનિક જનતા હાલમાં ભાજપના રાજ થી દુઃખી છે. સાથોસાથ કોરોના મહામારીમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ત્યારે આગામી સમયમાં રોજગારીના મુદ્દે ભ્રષ્ટાચારના મુદ્દે ખેડૂતોના મુદ્દે તેમજ યુવાનોના મુદ્દે પ્રજાલક્ષી રાજ આપવા માટે આગામી 1 તારીખથી સમગ્ર ગુજરાતમાં પ્રજાજનોની લાગણીને બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરાશે. તેમ જ કોરોના મહામારીમાં મૃતક પામેલા લોકોને ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે ચાર લાખની સહાયની માંગ કરવામાં આવશે. સાથોસાથ આગામી સમયમાં સ્થાનીય જનતાના વિરોધના પગલે ગુજરાતમાં પરિવર્તનની સરકાર બનશે. અને કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવી શકે તે માટે આજથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.’
2022ની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે સરકાર બનાવી શકે તે બાબતની રણનીતિ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. આ સાથે ભવિષ્યમાં કોંગ્રેસના આગેવાનો સાથે સલાહ સૂચનો પણ કરવામાં આવશે. આગામી સમયમાં સંગઠનને મજબૂત બનાવી આજથી કામે લાગવાની હાકલ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી.