- સૌથી વધુ નવસારી બેઠક પર ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ 6,89,668 મતોથી વિજેતા બન્યા હતા: રંજનબેન ભટ્ટને 5,89,177 અમિતભાઇ શાહને 5,57,014 અને દર્શનાબેન જસદોશને 5,48,230 મતોની લીડ પ્રાપ્ત થઇ હતી
- દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોર સૌથી ઓછા 1,27,596 મતોની લીડ સાથે જીતી બન્યા હતા સાંસદ: સૌરાષ્ટ્રમાં મોહન કુંડરિયાનો રહ્યો હતો દબદબો
લોકસભાની આગામી ચુંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતની તમામ ર6 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ ચારથી પાંચ બેઠકો પર ભાજપમાં અસંતોષની આગ ફાટી નીકળી છે. પાંચ વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો 2019માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપે સતત બીજી વખત ગુજરાતની ર6 બેઠકો ફતેહ કરી હતી. ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે વિજેતા બન્યા હતા. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ નવસારી લોકસભા બેઠક પર સૌથી હાઇએસ્ટ 6,89,668 મતોની લીડ સાથે વિજેતા બન્યા હતા. જયારે દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોરને સૌથી ઓછી 1,27,596 મતોની લીડ પ્રાપ્ત થઇ હતી.
2019માં પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે જીતેલા ચાર પૈકી બે સાંસદોને ભાજપ દ્વારા રીપીટ કરવામાં આવ્યા નથી. આ વખતે ભાજપ માટે વાતાવરણ વધુ સાનુકુળ છે. જો કે તમામ બેઠકો પર પાંચ લાખની લીડ મેળવવા માટે થોડી વધારે કસરત કરવી પડશે.ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીને ભાજપે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા બાદ વર્ષ 2014માં ભાજપને ગુજરાતમાં સૌથી મોટો વિજય મળ્યો હતો. લોકસભાની તમામ ર6 બેઠકો ભાજપે ફતેહ કરી હતી. પાંચ વર્ષ બાદ એટલે કે વર્ષ 2019માં ભાજપે ફરી ઇતિહાસનું પુનરાવર્તન કર્યુ હતું.અને તમામ ર6 બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે ભાજપે લોકસભાની 543 બેઠકો પૈકી 400 થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અને અબ કી બાર 400 કે પાર જેવું સુત્ર વહેતુ કરવામાં આવ્યું છે.
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 182 બેઠકો પૈકી 156 બેઠકો જીત્યા બાદ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા લોકસભાની તમામ બેઠકો પાંચ લાખની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.લોકસભા 2019માં ચુંટણીના પરિણામો પર નજર કરવામાં આવે તો ભાજપ ગુજરાતની ર6 બેઠકો પૈકી માત્ર ચાર બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની લીડ હાંસલ કરી શકયું છે.પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સૌથી વધુ 6,89,668 મતોની લીડ સાથે વિજેતા બન્યા હતા. જયારે બીજા ક્રમે વડોદરા બેઠકના સાંસદ રંજનબેન ભટ્ટનો રહ્યો હતો. તેઓ 5,89,177 મતોની લીડ સાથે જીતી સતત બીજી વખત સાંસદ તરીકે ચુંટાયા હતા.
જયારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિતભાઇ શાહ ગાંધીનગર બેઠક પરથી 5,57,014 મતોની લીડ સાથે જીતી પ્રથમવાર લોકસભાના સાંસદ તરીકે ચુંટાયા હતા. જયારે ચોથા ક્રમે વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જશદોશ રહ્યા હતા સુરત લોકસભા બેઠક પરથી તેઓ 5,48,230 મતોની લીડ સાથે જીતી સતત ત્રીજીવાર સુરતના સાંસદ તરીકે ચુંટાયા હતા.લીડની દ્રષ્ટિએ સૌથી ઓછી લીડ દાહોદ બેઠકના સાંસદ જશવંતસિંહ ભાભોરની રહી હતી. તેઓ માત્ર 1,27,596 મતોની લીડથી જીત્યા હતા જયારે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પૈકી સૌથી ઓછી લીડ જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાને મળી હતી તેઓ 1,50,211 મતોની લીડ સાથે વિજેતા બની સતત બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારીયાને પ્રાપ્ત થઇ હતી તેઓ 3,68,407 મતોથી વિજેતા બન્યા હતા. કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા 3,05,513 મતોથી, સુરેન્દ્રનગર બેઠક પરથી ડો. મહેન્દ્ર મુંજપરા 2,77,437 મતોથી, પોરબંદર બેઠક પરથી રમેશભાઇ ધડુક 2,36,804 મતોથી, અમરેલી બેઠક પરથી નારણભાઇ કાછડીયા 2,01,431 મતોથી અને ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ 3,29,519 મતોથી વજેતા બન્યા હતા.લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવા વધુ મહેનત કરવી પડશે નબળી લાગતી બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભાનું પણ આયોજન કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.