આંખોના નંબર ચેક કરવાની સાથે એન.એસ.એસ. ના સ્વયસેવકો દ્વારા શિક્ષણ કાર્ય પણ કરાયું
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત દહિસરડા (આજી) મુકામે યોજવામાં આવેલ ખાસ શિબિરના ચોથા દિવસે રાજકોટ થી આવેલ રફિકભાઈ દ્વારા આંખના નંબર ચેક કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખના નંબર ચેક કરવાના કેમ્પનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડોક્ટર સંદીપભાઈ વાળા દ્વારા રફીક ભાઈ નો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કે. જે. ગાડી વિદ્યાલયના આચાર્ય શ્રી દિનેશભાઈ બેડીયા દ્વારા આ કેમ્પનો ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન કાર્યક્રમમાં રફિકભાઈ દ્વારા લાભાર્થીઓને રાહત દરે આપવામાં આવતા ચશ્મા ની વિગતો સમજાવી હતી.
ત્યારબાદ આ આ ચેક અપના કેમ્પમાં જાપાનીઝ મશીન દ્વારા આંખના નંબર ચેક કરવામાં આવ્યા હતા. દહીસરડા ગામના તથા તેમની આજુબાજુના ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં નાના બાળકો ઉપરાંત વડીલો સહિત ૧૨૭ જેટલા આંખના દર્દીઓએ તપાસ કરાવી અને રાહત દરે ચશ્મા મેળવ્યા હતા. એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા રજીસ્ટ્રેશન થી લઈ ચશ્માના વિતરણ સુધીની તમામ જવાબદારીઓ નિભાવી હતી.
એન.એસ.એસ.ની સ્વયંસેવક બહેનોએ પોતાના મળતી પોકેટ મનીમાંથી એક વૃદ્ધ માજીને ચશ્મા લઈ આપ્યા હતા. સેવાની આ પરમ ભાવના જોઈ એવું લાગ્યું કે સાચા અર્થમાં રાષ્ટ્રીય સેવા યોજનાનો હેતુ સિદ્ધ થયો છે. આંખોના નંબર ચેક કરવાના કેમ્પ ની સાથે સાથે એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા કે. જે. ગાડી વિદ્યાલયના ધોરણ ૯ અને ૧૧ ના વર્ગોમાં શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓને નવું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વયંસેવકોએ જ પ્રિન્સિપાલથી પટાવાળા સુધીની તમામ ફરજો બજાવી હતી. એન.એસ.એસ.ના સ્વયંસેવક ભાઈઓ દ્વારા ગામમાં ભીત સૂત્રો લખવામાં આવ્યા હતા જેમાં વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાવો, મતદાન જાગૃતિ અને સ્વચ્છતાને લગતા જુદા જુદા વિષયોના ભીત સુત્રો દ્વારા ગામમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ બપોરે ૧ વાગ્યે સમુહ ભોજન લીધું હતું. ભોજન બાદ ના જ્ઞાનસત્રમાં ૨ થી ૪:૩૦ વાગ્યા સુધી રાજકોટથી પધારેલ લોક સાહિત્યકાર ગિરધરભાઈ જોષી દ્વારા વિદ્યાર્થીઓને લોકસાહિત્યના જુદાજુદા રસનું પાન કરાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ગિરધરભાઈ ને માણી પ્રફુલ્લિત બની ગયા હતા. તેમની સાથે આવેલ ગઝલકાર મુકુંદભાઈ મહેતા અને લોકગીતના ગાયક કલાકાર જતીનભાઈ મહેતા દ્વારા પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.