- પ્રૌઢે જમીન વેંચી વ્યાજખોરોને કમ્મરતોડ વ્યાજ ચૂકવ્યું તેમ છતાં પૈસાની પઠાણી ઉઘરાણી : વ્યાજખોર પિતા-પુત્ર સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ
જેતપુરમાં પિતા-પુત્ર સહીત ત્રણ વ્યાજખોરોએ નિવૃત શિક્ષકને કટકે કટકે રૂ. 12.75 લાખ કમ્મરતોડ વ્યાજે આપ્યા બાદ સામે રૂ. 24.72 લાખ પડાવી લીધા છતાં વધુ નાણાંની ઉઘરાણી કરતા અંતે નિવૃત શિક્ષકે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેતપુરના અમરનગર રોડ પર રહેતા નિવૃત શિક્ષક દિનેશકુમાર ઘનજીભાઈ વાલાણીએ નોંધાવેલી ફરિયાદમાં અમરનગર રોડ પર રહેતા કૃણાલ વિજયભાઈ રાવલ અને વિજય હર્ષદભાઈ રાવલ તેમજ ડોબરીયાવાડીમાં રહેતા દિનેશ હર્ષદભાઈ રાવલના નામ આપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, મારે ઘર વપરાશ માટે પૈસાની જરૂરિયાત ઉભી થતાં જાન્યુઆરી 2024માં વ્યાજનો ધંધો કરતા કૃણાલભાઈ વિજયભાઈ રાવલનો સંપર્ક કરતા તેણે એક મહિના માટે મને રૂ. 50 હજાર દૈનિક રૂ. 1 હજારના વ્યાજે આપેલ હતા અને સિક્યુરિટી પેટે સહિ કરેલ બેંકનો કોરો ચેક લઇ લીધો હતો. જે બાદ કૃણાલ રાવલ મારી પાસેથી બે-ત્રણ દિવસે વ્યાજ લઇ જતો હતો. એક મહિનો પૂરો થઇ ગયેલ પણ મારાથી કુણાલભાઈને આપવાના રૂ.50,000 નો મેળ થઇ શકેલ ના હતો અને વ્યાજ ચડતુ ગયેલ હતુ.
કૃણાલ રાવલનું વ્યાજ ચુકવવા માટે મારે વઘારે પૈસા જરૂરત પડતી ગયેલ તેમ હું કુણાલભાઈ પાસેથી પૈસા લેતો ગયેલ હતો. મે કૃણાલ રાવલ પાસેથી થોડા થોડા કરીને રૂ.5,25,000 વ્યાજે લીધેલ હતા અને આ પૈસાનુ હું માસિક 45% વ્યાજ કૃણાલને ચુકવતો હતો. જેના બદલે કૃણાલે એસ.બી.આઈ. તથા આર.ડી.સી. બેંકના મારી સહિ કરેલ છ ચેક લઈ લીધેલા હતા. બાદમાં કૃણાલે પૈસાની ઉઘરાણી કરતા મે પૈસાની વ્યવસ્થા નહિ થયાનું જણાવતા તેણે કહ્યું હતું કે, મારા પિતાજી વિજયભાઈ હર્ષદભાઈ સવલ પાસે પૈસા છે તો હુ મારા પિતા પાસેથી વ્યાજે પૈસા લઈ આપું. જેથી કૃણાલે તેના પિતા વિજયભાઈ પાસેથી મને રૂ. 4,50,000 રોકડા વ્યાજે અપાવેલ હતા અને તેના બદલે દૈનિક રૂ. 18 હજાર વ્યાજ ચૂકવવાનું જણાવ્યું હતું.
વિજય રાવલે આપેલા રૂ. 4.50 લાખ કૃણાલે લઇ લીધા હતા અને કહ્યું હતું કે, તમારી ઉપર જે વ્યાજ ચડી ગયેલ છે તે મે લઈ લીધેલ છે. બાદ મારી ઉપર કૃણાલના કુલ રૂ.5,75,000 તથા તેના પિતાનું રૂ.4,50,000 રકમનું વ્યાજ ચડતું ગયેલ હતું. જેથી મેં એપ્રીલ-2024 માં મારી પત્નીની માલીકીની 14.6 વિધા જમીન જે પેઢલા ગામમાં આવેલ છે તે વેચી નાખેલ અને તેમાંથી કુણાલને રૂ. બે કટકે રૂ. 5,25,000 તથા રૂ. 8,00,000 રોકડા આપેલ હતા. ત્યારે કૂણાલે મને એક ચીઠ્ઠીમાં સહી કરી આપેલ કે તમે મને રૂ.8,00,000 રોકડા આપેલ છે. બાદ કૃણાલે મારી પાસેથી ઉઘરાણી ચાલુ રાખતા ઓક્ટોબર-2024માં મેં મારા મીત્ર કમલેશભાઈ ઠુંમર પાસેથી રૂ. 4,50,000 હાથ ઉછીના લીધેલ અને તે રૂપીયા મારા કહેવાથી કમલેશભાઈએ સિધા કૃણાલને આપેલ આમ તે રૂપીયા મેં કૂણાલને વ્યાજ પેટે ચુકવેલ હતા. બાદ ઓક્ટોબર મહિનામાં જ મેં મારા મિત્ર વિનુભાઈ ભાલાળા પાસેથી રૂ.2,50,000 હાથ ઉછીના લીધેલ અને તે રૂપીયા મેં કૃણાલના ઘરે જઈને તેના પિતા વીજયભાઈને વ્યાજ પેટે ચુકવેલ હતું. બાદ નવેમ્બર મહિનામાં મેં મારા મીત્ર દીલીપભાઈ ઘુઘરા વાળા પાસેથી રૂ.3,00,000 હાથ ઉછીના લીધેલ અને તે રૂપીયા મેં કૃણાલને તેના અને તેના પિતાના મુડીના વ્યાજ પેટે ચુકવેલ હતા.
બાદમાં કુણાલ મારી પાસેથી હજુ વધારે વ્યાજની ઉઘરાણી કરતા મેં મારા મીત્ર દીનેશભાઈ રાદડીયા પાસેથી રૂ.50, 000 હાથ ઉછીના લીધેલ અને કુણાલને વ્યાજની રકમ ચુકવેલ તેમ છતા કૃણાલ અને તેના પિતા મારી પાસેથી વ્યાજ ની ઉઘરાણી કરતા મેં દીનેશભાઈ હર્ષદભાઈ રાવલ પાસેથી રૂ.2,50,000 વ્યાજે લીધા હતા અને જેનું રૂ. 3500 દૈનિક વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. જે પૈસાની સિક્યુરિટી પેટે ત્રણ અલગ અલગ ચેક આપ્યા હતા. જેનું મેં આજદીન સુધી કુલ રૂ. 97, 500 ચુકવેલ છે, આ રૂપીયા ચુકવવા માટે રૂ.50,000 મેં મારા દીકરા સુદીપના મીત્ર કલ્પેશભાઈ ભુવા પાસેથી નાણાં હાથ ઉછીના લીધેલ હતા. આમ વ્યાજખોરો પાસેથી લીધેલા રૂ. 12.75 લાખની સામે રૂ. 24.72 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા અંતે નિવૃત શિક્ષકે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.