‘પકડ મુજે જોર આતા હૈ’
જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતને જો અન્ય દેશો નહીં સમજાવે તો તેનું પરીણામ સમગ્ર વિશ્ર્વને ભોગવવું પડશે: ઈમરાનનો બેફામ બફાટ
પાક. વડાપ્રધાન ઈમરાને ખાને ફરીથી કાશ્મીર રાગનો જાપ કર્યો છે. ખાને કહ્યું છે કે, ભારત જમ્મુ-કાશ્મીર અંગેનાં નિર્ણયને રદ કરે અને સેનાને પાછી બોલાવે તો જ વાટાઘાટો શકય છે. આ ઉપરાંત પાક.નાં વડાપ્રધાન ઈમરાન ખાને યુદ્ધની પણ શેખી મારી છે. ઈમરાન એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા ઈચ્છે છે કે તે અણુયુદ્ધની તૈયારી બતાવે એટલે વિશ્ર્વનાં અન્ય દેશો તેને આવું કરવા માટે રોકે. આમ પકડ મુજે જોર આતા હૈ જેવી સ્થિતિનું પાક.નાં વડાપ્રધાને નિર્માણ કર્યું છે.
આર્ટીકલ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત શેખી મારી છે. ઈમરાને કહ્યું છે કે, જો ભારત જમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધો રદ કરશે અને સેનાને પરત બોલાવી લેશે તો જ ભારત સાથે વાતચીત થઈ શકશે. ધ ન્યુયોર્ક ટાઈમ્સનાં એક લેખમાં ઈમરાને ચેતવણી આપતા કહ્યું હતું કે, ભારતનાં નિર્ણયને રોકવા માટે વિશ્ર્વનાં અન્ય દેશો જો કંઈ નહીં કરે તો બે પરમાણુ સમૃદ્ધ દેશો લશ્કરી લડતની નજીક આવશે. આ અંગે વાત ત્યારે જ શરૂ થઈ શકે છે ત્યારે ભારત કાશ્મીર પરનો ગેરકાયદેસર કબજો પાછો ખેંચે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે, જો વિશ્ર્વ કાશ્મીર પર ભારતનાં પગલાને રોકવા માટે કંઈ નહીં કરે તો તેનું પરીણામ આખા વિશ્ર્વને ભોગવવું પડશે. ઉપરાંત ઈમરાન ખાને એવું પણ કહ્યું કે, જયારે પણ મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે ત્યારે યુ.એન. હંમેશા શાંત રહે છે. વૈશ્ર્વિક સંસ્થાની વાર્ષિક બેઠકમાં ફરીથી કાશ્મીરનો મુદો ઉઠાવવામાં આવશે અને સંયુકત રાષ્ટ્રની મહાસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આમ ઈમરાનખાને જમ્મુ-કાશ્મીરનાં મુદ્દે ભારત સહિત સમગ્ર વિશ્ર્વને પરમાણુ યુદ્ધની ચીમકી ઉચ્ચારી દીધી છે. આ ચીમકી પરથી સ્પષ્ટપણે સાબિત થાય છેકે, ઈમરાન ખાન એવું ઈચ્છે છે કે, વિશ્ર્વનાં અન્ય દેશો કાશ્મીર મુદ્દે દખલગીરી કરીને મધ્યસ્થી કરાવે. હાલ પાકિસ્તાનથી આ મુદ્દે કંઈ થઈ શકે તેમ ન હોય ત્યાંનાં વડાપ્રધાન વિશ્ર્વનાં અન્ય દેશો ઉપર આડકતરી રીતે આશા રાખી રહ્યા છે.