ખાવા ખીચડી નથી, પણ પોતાના દેશને ભારતથી આર્થિક બાબતે ચડિયાતો ગણાવવાનો બૂંગિયો ફૂંકી ઇમરાને મૂર્ખામીના દર્શન કરાવ્યા
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન જાણે કોઈ કોમેડિયન હોય તેવુ લાગી રહ્યું છે. ઇમરાને એક નિવેદનમાં એવું જણાવ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ભારતથી પણ સારી છે. હવે પાકિસ્તાન પાસે ખાવા ખીચડી નથી, પણ પોતાના દેશને ભારતથી ચડિયાતો ગણાવવાનો બૂંગિયો ફૂંકી ઇમરાને પોતાની મૂર્ખામીના દર્શન કરાવ્યા છે.
અબજ ડોલરના બેલઆઉટ પેકેજ પહેલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની જરૂરિયાતોને પહોંચી વળવા વિવાદાસ્પદ કાયદો પસાર કરવાના પડકારનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળ સરકારમાં દેશની આર્થિક સ્થિતિ હજુ પણ ભારત સહીત ઘણા દેશો કરતાં સારી છે. જોકે આ નિવેદન હાસ્યાસ્પદ ગણી શકાય તેમ છે.
ઇમરાન ખાને એક ઉદ્ઘાટન સમારોહને સંબોધતા કહ્યું કે, પાકિસ્તાન હજુ પણ વિશ્વના ઘણા દેશો ની તુલનામાં સૌથી સસ્તો દેશોમાંનો એક છે. વિપક્ષ અમને અસમર્થ કહે છે, પરંતુ હકીકત એ છે કે અમારી સરકારે દેશને તમામ સંકટમાંથી બચાવ્યો છે, ખાને ઇસ્લામાબાદમાં રાવલપિંડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ચેમ્બર્સ સમિટ 2022 માં આ નિદેવન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં તેલના ભાવ હજુ પણ અન્ય દેશોની સરખામણીએ ઓછા છે.
તેમના વિપક્ષના નેતા અને પીએમએલ-એનના પ્રમુખ શહેબાઝ શરીફે પ્રશ્ન કર્યો કે દેશ એક તરફ પરમાણુ શક્તિ હોય અને બીજી તરફ ભીખ માંગતો હોય તે કેવી રીતે શક્ય છે.
કટ્ટરવાદ અને આતંકવાદના રવાડે ચઢેલા પાકિસ્તાનની આર્થિક હાલત બહુ ખરાબ છે.વિદેશી દેવુ વધી રહ્યુ છે અને મોંઘવારી પણ ચરમ સીમાએ છે.
એ પછી પણ પાક પીએમ ઈમરાનખાને બણગા ફુંકતા કહ્યુ છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ભારત કરતા સારી છે.બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઈમરાન ખાન પર પસ્તાળ પાડવામાં આવી રહી છે અને તેમના રાજીનામાની માંગણી થઈ રહી છે.