પાક.માં હજુ પણ તોફાનો યથાવત્, ઈમરાનના સમર્થકો પર પોલીસનો ગોળીબાર : કાયદે આઝમ ઝીણાનું ઘર પણ સળગાવાયું
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાનને રાહત આપતાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી કરાયેલી તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી અને તેમને તાત્કાલિક છોડી મુકવા આદેશ આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને ઘરે જવાની મંજૂરી આપવાના બદલે તેમને પોલીસ લાઈન્સમાં જવા અને આવતીકાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો. બીજીબાજુ ઈમરાનની ધરપકડ પછી દેશભરમાં શરૂ થયેલા હિંસક દેખાવો તેમની મુક્તિ પછી પણ અટક્યા નથી ત્યારે હિંસક દેખાવો કરનારા સમર્થકો પર પોલીસે ગોળીબાર કર્યો હતો.
પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે ધરપકડ કરાયા પછી આખા દેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે. આવા સમયે પૂર્વ વડાપ્રધાનની ધરપકડને કાયદેસર ગણાવતા ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચૂકાદાને પીટીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઈમરાન ખાનની ઈસ્લામાબાદ કોર્ટમાંથી જે રીતે ધરપકડ કરાઈ હતી તેનાથી નારાજ સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાન આર્મીને તાત્કાલિક તેમને કોર્ટમાં હાજર કરવા જણાવ્યું હતું.
પાકિસ્તાના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલ, ન્યાયાધીશો મુહમ્મદ અલી મઝહર અને અતહર મિનલ્લાહની ત્રણ સભ્યોની બેન્ચે ઈમરાન ખાનને કોર્ટમાં હાજર કરવાના નિર્દેશ આપ્યા હતા. ૭૦ વર્ષીય ઈમરાન ખાની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ બાંદિયાલે સવાલ કર્યો કે કોર્ટ પરિસરમાંથી કોઈ પણ વ્યક્તિની કેવી રીતે ધરપકડ થઈ શકે? કોર્ટે એમ પણ કહ્યું કે રજિસ્ટ્રારની મંજૂરી વિના કોઈની પણ કોર્ટમાંથી ધરપકડ કરી શકાય નહીં. કોર્ટ પરિસરમાં પ્રવેશ કરવાનો અર્થ છે આત્મસમર્પણ કરવું. આત્મસમર્પણ કર્યા પછી કોઈ વ્યક્તિની ધરપકડ કેવી રીતે થઈ શકે.
સુપ્રીમ કોર્ટે ઈમરાનને છોડી મુકવાનો આદેશ આપવા છતાં તેમને ઘરે જવાની મંજૂરી આપી નહોતી. તેમને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવા જણાવાયું છે. સુપ્રીમ કોર્ટે ઈમરાનને પોલીસ લાઈન ગેસ્ટ હાઉસમાં રહેવા જણાવાયું છે. સુપ્રીમ કોર્ટમાંથી મુક્તિ પછી ઈમરાન ખાને શાહબાઝ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, હાઈકોર્ટમાંથી મારું અપહરણ કરાયું હતું અને લાકડીથી મને માર મરાયો હતો. ત્યાર પછી શું થયું તેની મને ખબર નથી. મારી સાથે અત્યારે શું થઈ રહ્યું છે તેની પણ મને ખબર નથી. જોકે, આ સમયે ઈમરાને તેમના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
દરમિયાન ઈમરાન ખાનની મુક્તિ છતાં પાકિસ્તાનમાં તેમના સમર્થકોના હિંસક તોફાનો અટક્યા નથી. ઈમરાન ખાનના સમર્થકોએ ગુરુવારે પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે તેમના પર ગોળીબાર કર્યો હતો. બીજીબાજુ પાકિસ્તાની સૈન્યના જવાનોએ ઈસ્લામાબાદના શહરાહ-એ-દસ્તૂરમાં રેડઝોનમાં ફ્લેગમાર્ચ કરી હતી. આ વિસ્તારમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ, સંસદ અને અન્ય મહત્વપૂર્ણ સંસ્થાનો છે. અહીં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે.
દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોએ છેલ્લા બે દિવસમાં સૈન્યના અનેક કોર કમાન્ડરોના ઘરને પણ બાકાત રાખ્યા નથી અને તેના પર હુમલા કર્યા છે તેમજ સળગાવી દીધા છે. આ હિંસામાં ઈમરાન સમર્થકોએ પાકિસ્તાનના સંસ્થાપક અને ભાગલા માટે જવાબદાર મોહમ્મદ અલી ઝીણાનું ઐતિહાસિક ઘર સળગાવી દીધું છે. લાહોર કેન્ટના બંગલા નંબર ૫૩માં હાલ પાકિસ્તાની સૈન્યના ૪ કોર કમાન્ડરના અધિકારી રહેતા હતા.