અબતક, નવી દિલ્હી

પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે. જેનાથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. નવજોત સિંહ સિદ્ધુ આજે પાકિસ્તાનના કરતારપુર સાહિબ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે. અગાઉ જ્યારે એવા સમાચાર આવ્યા હતા કે નવજોત સિંહ સિદ્ધુને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે ત્યારે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, જો ઈમરાન ખાનના મિત્ર અને પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા સિદ્ધુ મુખ્યમંત્રી બનશે તો વિનાશકારી હશે.

નવજોત સિંહ સિદ્ધુ અગાઉ 18 નવેમ્બરે પાકિસ્તાનના કરતારપુર જવાના હતા પરંતુ ગૃહ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી આપી ન હતી અને સિદ્ધુનું નામ ત્રીજા તીર્થયાત્રીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પહેલા ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કરતારપુર પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂ શનિવારે ભારત પાકિસ્તાન સરહદ પાર કરીની કરતારપુર સાહિબ ગુરુદ્ધારાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કરતારપુર પહોંચેલા સિદ્ધુનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાની અધિકારીઓ તેમનું સ્વાગત કરતા જોઈ શકાય છે.

કરતારપુર સાહિબના દર્શન વેળાએ ઇમરાન ખાને ભવ્ય સ્વાગતની
વ્યવસ્થા ગોઠવતા સિદ્ધુનો ઇમરાન ખાન પ્રત્યે પ્રેમ ઉભરાયો

આ દરમિયાન સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશે કહ્યું કે તેઓ તેમના મોટા ભાઈ છે અને તેમને ઈમરાન ખાન તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. વીડિયોમાં પાકિસ્તાની અધિકારીઓએ કરતારપુર પહોંચેલા સિદ્ધુ પર ફૂલોની વર્ષા કરી હતી. કરતારપુરના સીઈઓએ સિદ્ધુનું સ્વાગત કર્યું અને તેમને ફૂલોનો હાર પહેરાવ્યો. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન ઈમરાન ખાન વતી તમારું સ્વાગત કરું છું. તેના પર નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું, ’હું તમારો ખૂબ આભારી છું. ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે. તેમણે મને ઘણો પ્રેમ આપ્યો છે.’ ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધુ ભૂતકાળમાં પાકિસ્તાનની મુલાકાત લઈને વિવાદોમાં ફસાયા છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાને ગળે લગાડવા બદલ તેમણે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 2018માં સિદ્ધુએ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. સમારોહ દરમિયાન સિદ્ધુ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

સિદ્ધુ સાથે બાજવાની આ તસવીરને કારણે તેમને દેશમાં આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, સમારોહ દરમિયાન સિદ્ધુને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રમુખ મસૂદ ખાનની બાજુમાં બેસાડવામાં આવ્યા હતા.

પાકિસ્તાન પ્રવાસ પર સિદ્ધુએ કહ્યું હતું કે હું દિલોને જોડવા આવ્યો છું. લાહોરમાં સિદ્ધુએ કહ્યું હતું કે, ’હું મારા મિત્ર ઈમરાનના આમંત્રણ પર પાકિસ્તાન આવ્યો છું. આ ખૂબ જ ખાસ ક્ષણ છે.’ તેણે કહ્યું, ‘ખેલાડીઓ અને કલાકારો દેશો વચ્ચે સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરે છે. હું અહીં પાકિસ્તાની લોકો માટે પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.