સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નવનિયુકત હોદેદારો ‘અબતક’ની મુલાકાતે
શિક્ષણ અને વિશ્વાસ વચ્ચે સીધો સંબંધ, વાલીઓએ શિક્ષણની ગુણવત્તા પણ જોવી જોઈએ
સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોના કારણે શિક્ષણમાં ઘણા સુધારા આવ્યા છે. શિક્ષણ અને વિશ્વાસ વચ્ચે સીધો સંબંધ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને સંચાલકો તેમજ શિક્ષકોની વિરૂધ્ધ કરવાના કાવતરા રચાઈ રહ્યા છે ત્યારે વાલીઓએ શિક્ષણની ગુણવતા પર વધારે ધ્યાન દઈને પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ તેમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે જણાવ્યું હતું.
તાજેતરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાધારણસભા યોજાઈ હતી જેમાં હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ અને મહામંત્રી અવધેશભાઈ કાનગડ સહિતની સમગ્ર બોડી રીપીટ થઈ હતી જયારે ઉપપ્રમુખપદે જયદિપભાઈ જલુ અને ઝોન પ્રમુખપદે અજયભાઈ રાજાણીની વરણી થઈ હતી. તમામ હોદેદારોએ અબતકની મુલાકાત લઈને વિશેષ વિગતો આપી હતી.
આ તકે અજયભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, હાલની શિક્ષણ પઘ્ધતિ પર વિવિધ પ્રયોગો થઈ રહ્યા છે જે બાળકોના ભવિષ્ય માટે હાનિકારક છે. શિક્ષણ પ્રણાલીને જુદા જ ટ્રેક પર લઈ જવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિમાં શિક્ષક અને સંચાલક પ્રત્યે વિદ્યાર્થીઓમાં રીસ્પેકટ ઓછી થઈ રહી છે. જેના કારણે ૧૦ વર્ષથી પછીનો સમાજ વિચિત્ર હશે.
રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ, જસદણ, જેતપુર અને પડધરી તાલુકાના સંચાલકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા.
કાર્યક્રમના પ્રારંભે એફઆરસી મેમ્બર ડી.વી.મહેતા તેમજ ગુજરાત મહામંડળના ઉપાધ્યક્ષ જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાનગડ, શિવલાલભાઈ રામાણી સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પુષ્કરભાઈ રાવલે કર્યું હતું.
૨૦૧૭-૧૮ના મંડળના કામની વિગત અવધેશભાઈ કાનગડે રજુ કરી હતી. તેમજ સંગઠન શકિત વિશેની વાત ડો.ડી.કે.વાડોદરીયા કરી હતી. હોદેદારોની વરણી જયદીપભાઈ જલુએ, આભાર દર્શન કલ્પેશભાઈ સંખાવરાએ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પંચોલીએ કર્યું હતું. સાધારણ સભાના પ્રાસંગિક પ્રવચનોનાં દોરમાં એફ.આર.સી. મેમ્બર્સ ડી.વી.મહેતાએ માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજય મહામંડળના ઉપાધ્યક્ષ જતીનભાઈ પટેલે સૌ સંચાલકોને એક બનવા હાંકલ કરી હતી.
મંડળના વાર્ષિક હિસાબો ખજાનચી સંજયભાઈ જોષીએ રજુ કર્યા હતા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરીનો અહેવાલ મહામંત્રી અવધેશભાઈ કાનગડે રજુ કર્યો હતો. મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે મંડળની કામગીરીને યશસ્વી કામગીરી બતાવતા હજુ પણ મંડળ સારા કાર્યો કરી સમાજમાં યશ પ્રાપ્ત કરે તેવી કામના વ્યકત કરી હતી સાથે અન્ય વકતામાં શીવલાલ રામાણી, ડી.કે.વાડોદરીયાએ મંડળની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પરિમલભાઈ પરડવા, દિપકભાઈ ચોવટીયા, રાજેશભાઈ મહેતા, હસુભાઈ માયાણી, કલ્પેશ સંખાવરા, રામભાઈ ગરૈયા, નરેન્દ્રભાઈ ભાડલીયા, અજયભાઈ રાજાણી, મહેશ ડોલર, વિનયભાઈ લોખીલ, નરેશભાઈ પટેલ, રાણાભાઈ ગોજીયા, નકાણીભાઈ, જયદીપભાઈ જલુ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.