- પાંચ કે તેથી વધુ વાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું
- તમારી આખી કર્મકુંડળી અમારી પાસે છે એટલે ગુનો કરવાનું વિચારતા પણ નહિ : શાનમાં સમજી જવા ડીસીપી ક્રાઇમની સ્પષ્ટ ચેતવણી
સુધરી જજો… આ છેલ્લી વોર્નિંગ છે… આ શબ્દો રાજકોટ શહેર પોલીસના છે. ગઈકાલે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ કે તેથી વધુ વાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા ગુનેગારોને સ્પષ્ટ ભાષામાં ગુનાખોરીનો માર્ગ છોડી દેવા ચેતવણી આપવામાં આવી હતી. બુટલેગરો, જુગારીઓ અને શરીર સંબંધી ગુનાના આશરે 150 આરોપીઓને તમારી કર્મકુંડળી અમારી પાસે છે, એટલે ગુનો કરવાનો વિચાર માત્ર પણ કરતા નહિ તેવી ચેતવણી ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી.
રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના આદેશને પગલે ક્રાઇમ બ્રાન્ચે પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા 150થી વધુ આરોપીઓને એકઠા કર્યા હતા અને ગુનાહિત કૃત્યો બંધ નહીં કરે તો કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચની આ ચેતવણીથી આરોપીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ડીજીપીના આદેશ બાદ ગુનાખોરી રોકવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઝૂમ્બેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નરનાં આદેશ મુજબ આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવણી હોય તેવા 209 પૈકી 150 કરતા વધુ આરોપીઓને એકઠા કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓની લેટેસ્ટ માહિતી લેવામાં આવી છે અને તેનો ડેટા અપડેટ કરવામાં આવ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓની સામે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓ પૈકી ખાસ ડ્રગ્સનાં ગુનાઓમાં સંડોવાયેલા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે, હવે પછી જો તેઓ આ પ્રકારના ગુનાઓ કરશે તો તમામ પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને કરવામાં આવશે. હાલમાં રાજકોટમાં 209 જેટલા આરોપીઓ સામે પાંચ કરતા વધુ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી હાલ 150 જેટલા આરોપીઓને એકત્ર કરીને આ સૂચનાઓ આપી દેવામાં આવી છે. પ્રોહિબીશન, જુગાર, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને એકઠા કરવામાં આવ્યા હતા. પાંચથી વધુ ગુના નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ બોલાવી તેની સામે અટકાયતી પગલાંઓ લઈ તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી હતી.