- અગાઉ દિવ્યાંગ – મુકબધીરને આજીવન બાદ વધુ એકને સજા
શહેરના અટીકા ફાટક પાસેના વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં અગાઉ આંધળા બહેરા વૃદ્ધ વયના બે આરોપીઓને અદાલતે સજા ફટકારી હતી. આ કેસમાં બાળ આરોપી સામેનો કેસ ચાલી જતા અદાલતે બાળ આરોપીને પણ આજીવન કેદની સજા ફટકારી છે.
કેસની વિગત મુજબ, 14 વર્ષની બાળકી ઉપર બાળકિશોર આરોપી તેમજ અન્ય બીજા આરોપીઓ દ્વારા દુષ્કર્મ આચરી બાળકીને ગર્ભવતી બનાવી દીધેલ અને બાળકીને પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટર પાસે લઈ જવામાં આવેલ ત્યારે સમગ્ર બનાવની હકીકતની જાણ થયેલ અને તે બનાવની પોલીસમાં ફરિયાદ દાખલ થયેલ અને આ ગુનામાં અગાઉ પુખ્ત ઉંમરના આરોપીઓ નાનજીભાઈ ધનજીભાઈ જારીયા, અરવિંદભાઈ લક્ષ્મણભાઈ કુબાવત, વિજાનંદભાઈ રવાભાઈ માયંદ, હીપુલ ઉર્ફે વિપુલ કાંતિલાલ ચાવડા, ગોવિંદભાઈ દેવરાજભાઈ સાકરીયાને પોક્સો કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
હાલના બાળ કિશોર આરોપીનો કેસ કાયદા મુજબ અલગ ચલાવવાનો હોય તે પોકસો કોર્ટમાં અલગથી ચાલે તે કેસમાં સરકાર દ્વારા જુબાનીઓ તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને રજૂઆત કરવામાં આવેલ કે, આરોપી સામે 14 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી ગંભીર ગુનો આચરેલ છે આવા સમાજ વિરોધી ગુનામાં કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવી જોઈએ તે રજૂઆતને ધ્યાને લઈ તેમજ દસ્તાવેજી પુરાવાઓ અને જુબાનીઓને ધ્યાને લઈ પોક્સો અદાલતના જજ જે.ડી.સુથારે સાહેબે બાળકિશોર આરોપીને આજીવન કેદની સજા ફટકારેલ છે.કોર્ટે રૂપિયા 5,000 નો દંડ કરેલ છે. બાળકિશોર આરોપી બનાવ સમયે બાળ કિશોર હોય હાલમાં તે આરોપી પુખ્ત વયનો થઈ ગયેલો હોય અને તેની ઉંમર 23 વર્ષ જેટલી હોય તેથી તેને સુધારા ગૃહમાં નહીં પરંતુ જેલ હવાલે કરી આપવામાં આવેલ છેઆ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ મુકેશભાઈ.જી.પીપળીયા રોકાયેલા હતા.