- કક્કો-એબીસીડી શબ્દો ન બોલતું બાળક ચિત્ર જોઇને, શબ્દો ગોઠવી વાક્યો બોલવા લાગે છે: દાદા-બાબા-મામા-પાપા જેવા ઉચ્ચારણો પણ
- સ્કૂલે જતા પહેલા જ બોલવા લાગે છે: બાળકોની વય કક્ષા મુજબ અને ક્ષમતા આધારિત શિક્ષણ મળે તો તેનો સર્વાંગી વિકાસ ઝડપી થાય છે
- નાનકડા બાળકની મૌખિક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિ ખીલવવા ચિત્ર પધ્ધતી સૌથી શ્રેષ્ઠ છે : બાળ મનોવિજ્ઞાન પણ કહે છે કે બાળક જોઇને સૌથી વધુ શીખે છે : પ્લેહાઉસ અને નાના ધોરણમાં બાળકોને ચિત્ર પદ્ધતિ દ્વારા શિક્ષણ મળે તો તેનો પાયો પાકો થાય છે
આજે માં-બાપને બાળકોને જલ્દી બોલતા કરવા છે. દરેક બાળકમાં અલગ-અલગ ક્ષમતાઓ હોય છે. તેના રસ-રૂચિ-વલણોને જાણીને આપણે તેનો રૂટીનમાં વિકાસ કરવાનો છે. બાળક તેના પરિવારને જોઇને આસપાસના વાતાવરણમાંથી જોઇને આપોઆપ શીખે છે. ઘરમાં નિયમિત બોલાતી ભાષા તેના શબ્દો તે ઝડપથી ગ્રહણ કરી લે છે. આપણે પણ જાણતા-અજાણતા તેને એકને એક શબ્દ અનેકવાર બોલીને તેને દ્રઢિકરણ કરાવવી છીએ, આજ કારણે એક-દોઢ વર્ષનું બાળક દાદા – બાબા જેવા ઘણા શબ્દો બોલે છે. બાળકની પ્રથમ પાંચ વર્ષની વયે 90 ટકાથી વધુ શીખી જાય છે.
આપણે તેને સાડા ત્રણ વર્ષે બાલમંદિરમાં કે બાલ વાટિકા માં બેસાડીએ ત્યાં સુધીમાં તે વિવિધ રીત ભાત-શબ્દો-વાક્યો-વન ટુ ટેન કે ફીફ્ટી-એબીસીડી-કક્કો જેવું ઘણું શીખી જ ગયો હોય છે, આવા નિર્દોષ ભૂલકાની પણ અમુક શાળાઓ ટેસ્ટ લે છે ત્યારે બહુ જ દુ:ખ થાય છે. બાલ મનોવિજ્ઞાન આધારિત શાળા કે બાલમંદિર ચાલતા ન હોય તેવા વ્યવસાયિક શિક્ષણના હાટડામાં કુમળા બાળકોને પ્લે હાઉસના રૂપકડા નામમાં ચોક્કસ કલાકો માટે કેદ કરી દે છે. આવા ભણતરને જોઇને માં-બાપ ખુશ થાય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતી 2020 માં પ્રથમ પાંચ વર્ષ પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ આવતા હવે આંગણવાડીમાં અને બાલવાટિકામાં પણ ‘પાપાપગલી’ જેવી શિક્ષણ યોજના ચાલે છે. એક વાત નક્કી છે કે નાનું બાળક ચિત્ર જોઇને બોલવા લાગે છે. કક્કો-એબીસીડી-શબ્દો બોલતા આવડતું હોય તો પણ ચિત્ર જોઇને બાળક પોતે પોતાની મેળે શબ્દો ગોઠવીને બોલે છે, જે તેની મૌખિક અભિવ્યક્તિ છે. દરેક શિક્ષકે માં-બાપે તે ખીલવવી પડે છે, જે તેના વિકાસ માટે શ્રેષ્ઠ છે.
દરેક બાળકમાં અફાટ શક્તિ સાથે છુપીકલાઓ પડી જ હોય છે, આપણે તેને ઓળખીને પ્રોત્સાહન આપવાની જરૂર છે. નાનકડી ઉંમરથી જ બાળકને રસ-રૂચિ-વલણો આધારિત શિખવવાની પ્રક્રિયા માં-બાપ, શાળા, શિક્ષક અપનાવે તો જ તેનો સંર્વાંગી વિકાસ થાય છે. કોઇપણ બાળકને ચિત્ર બતાવીને તેમાં શું છે ? કોણ કોણ છે ? જેવા વિવિધ પ્રશ્નો કરવાથી બાળકની નિરીક્ષણશક્તિ-એકાગ્રતા જેવી સ્કીલ ડેવલપ થશે અને તે પોતાના મગજની મદદથી, પરિકલ્પના દ્વારા ટૂંકા શબ્દો કે નાના વાક્યો બોલવાની શરૂઆત કરશે આજ સાચી પાયાની સમજ છે. આવું જ તમે બહાર ફરવા જાવ ત્યારે કે તમારા ઘર-હોલ કે રૂમમાં પડેલી વસ્તુઓનું દિશા નિર્દેશ કરાવો તો પણ તમને નવાઇ લાગે એટલી હદે બાળક જવાબ આપવા લાગે છે. ચિત્રોમાં રંગપૂરતી વખતે ચિત્ર વિશે વાત કરો તો અને એ બાળક જોયું હશે તો એ તમને કલર વિશે વાત કરશે દા.ત.મોરના ચિત્રમાં કલર પૂરાવો તો બાળકે જોયો હશે એટલે તે સાચો રંગ જ ઉપાડશે.
પાંચ વર્ષ પૂર્ણ થયે બાળક પ્રથમ ધોરણમાં આવે છે. નાનકડા બાળકોને રંગ-આકારો-ચિત્રો-રમકડા-વાર્તા-બાળગીતો-સંગીત- રમત-ગમ્મત બહુ જ ગમતું હોવાથી આજ સહઅભ્યાસિક પ્રવૃતિને શિક્ષણ સાથે જોડીને તમો રસમય શિક્ષણ આપી શકો છો. નાના બાળકોને શિક્ષણ આપતો મનોવિજ્ઞાનનો અભ્યાસુ હોવો જોઇએ તો જ તેને સફળતા મળે છે. જો કે મોટે ભાગે નાના ધોરણમાં મહિલા શિક્ષક હોવાથી તે ઝડપથી ટબુકડા બાળકોની વ્યથા સમજી શકે છે. સરકારી શાળામાં વિષય નિષ્ણાત કે ક્વોલીફાઇડ સ્ટાફ હોય છે, જેની ખાનગી શાળામાં સંખ્યા ઓછી હોય છે, તેથી વાલીઓએ વિચારવું જોઇએ.
શિક્ષણ નિતિમાં મહત્વના ફેરફારો આવી રહ્યા છે જેમાં તાલીમબધ્ધ શિક્ષકો જ બાળકોને ભણાવશે, શિક્ષકોને તાલીમ પણ અપાશે પણ ખાનગી શાળાને કોણ તાલીમ આપશે, એ એક મોટો પ્રશ્ન છે. હવે તો માતૃભાષામાં જ પ્રથમ પાંચ વર્ષ શિક્ષણ આવી રહ્યું છે, ત્યારે અંગ્રેજી માધ્યમનું શું તે પણ પ્રશ્ન છે. બાળકોને ઓળખે તેજ સાચો શિક્ષક, સૌથી અગત્યની વાત એ છે કે નાના બાળકોને રમવું બહું ગમે છે પણ તેને રમતાં રમતાં જ શિક્ષણ કોણ આપશે. બાળકને આજના યુગમાં ગુજરાતીની સાથે હિન્દી અને અંગ્રેજીનું શિક્ષણ પણ પ્રારંભથી જ મળવું જોઈએ.
કોઇપણ વસ્તુ હોય પ્રથમ બાળક તેને જોવે છે, વિચારે છે પછી તેને ઉદ્ભવતા પ્રશ્નો કરે છે. આ સમયે તેને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શ ન મળે તો તે મુંઝાઇ જાય છે. સાડા ત્રણથી છ વર્ષ સુધી તેનો શારીરીક-માનસિક અને સામાજીક વિકાસ થતો હોવાથી સાચો શિક્ષક તેને પ્રેમ-હૂંફ અને લાગણીથી ઘણી ધીરજ રાખીને શિખવવાની પ્રક્રિયા કરે છે. ધો.1-2 માં સરકારી શાળામાં ચાલતો પ્રજ્ઞા પ્રોજેક્ટ દરેક માં-બાપે ખાસ જોવા જેવો છે, આજે તો બાલમંદિર નું સ્વરૂપ બાલ વાટિકા પણ સરકારી શાળામાં શરૂ થયેલ છે, જે એક સારી બાબત છે.
ખાનગી શાળામાં ક્યારેય આવી રીતે ભણાવતા નથી. આ પ્રોજેક્ટમાં સ્કૂલ બેગ વગર જ બાળકે શાળામાં આવવાનું હોય છે. જેમ-જેમ તે શીખતો જાય તેમ-તેમ તે આગળના જૂથમાં જતો જાય છે. બંને ધોરણને સાથે જ બેસાડે છે. નાનકડા બાળકોને ચિત્ર દ્વારા ગણતરીનો હેતુ સમજાવીને સરવાળા-બાદબાકી સરળતાથી શિખવી શકાય છે. મુર્ત વસ્તુના માધ્યમથી કાઢતા-નાંખતાની સંકલ્પના સિધ્ધ કરાવીને તમો ગાણિતીક ગણતરી હેતુ સિધ્ધ કરી શકો છો. નાનકડા બાળકો સમજ સાથે દરેક પ્રવૃતિમાં ભાગ લે તેવું વર્ગનું આયોજન હોવું જોઇએ. નાના ધોરણમાં શૈક્ષણિક રમકડાંનો ઉપયોગ વધુ કરીને બાળકોને શિક્ષણ આપવું જોઇએ.
આજના યુગનું નાનું બાળક ઇન્ફરર્મેશન ટેકનોલોજીની ઘણી બધી વસ્તુઓ જેમકે મોબાઇલ, ટેબ્લેટ, ગૂગલ, યુ-ટ્યુબથી વાકેફ હોવાથી દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી તેને ઝડપથી શીખતો કરી શકાય છે. ઇત્તર પ્રવૃતિના માધ્યમ વડે ધો.1 થી 4 ના બાળકોને વિશેષ ચીવટ રાખીને શિક્ષણ સાથે જોડીને રમતાં-રમતાં વધુ શીખવી શકાય છે. નાના ધોરણનું વર્ગખંડનું વાતાવરણ બાળકને બેસવું-ભણવું ગમે તેવું હોવું જોઇએ. ટબુકડા બાળકનું મગજ ચોમેર દિશાએ સતત કાર્યશીલ હોવાથી તેને રસ પડે તેવી તમામ પ્રવૃતિઓ કરાવીને તેને સ્વઅધ્યયન કરવા પ્રેરણા આપે છે.
શાળા તમને ગમે તેવી નહીં, બાળકને ગમે તેવી હોવી જોઇએ
પ્લે હાઉસ, બાલવાટીકા કે બાલમંદિર કે ધોરણ-1 થી 4 ની શાળા માં-બાપને ગમે તેવી નહીં પણ બાળકને ગમે તેવી હોવી જોઇએ. બાળકોને વિવિધ શૈક્ષણિક રમકડા રમવા આપેને શિક્ષક બાળવાર્તા-ગીતો-ચિત્રો-સંગીત થકી રસમય શિક્ષણ આપતો હોય ત્યાં બાળકને બેસવું-રમવુંને ભણવું ગમે છે. નાનકડા બાળકોને શાળાએ મુકતી વખતે દરેક માં-બાપે વિશેષ કાળજી લેવી કારણ કે એ તેનો પાયો છે, જો આ મજબૂત હશે તો જ આગળ તેનો વિકાસ સરળ રહેશે. આજના માં-બાપો, શિક્ષકોને બાળકો જલ્દી લખતા-વાંચતા થાય તેવી ઉતાવળ હોય છે. આ ખોટું છે, બાળક તેની વયકક્ષા મુજબ યોગ્ય સમયે બધુ શીખી જ જતો હોય છે. ઘરમાં બાળકને તેની માતૃભાષામાં જ વાત કરવા દો અને શિખવા દો, એ મોટો થશે એટલે આપોઆપ હિન્દી-અંગ્રેજી ભાષા આવડી જ જવાની છે.