માનવમેદની એકત્રીત થાય તેવા કાર્યક્રમો કરવાને બદલે વેકિસનેશન સહિતની કામગીરીમાં જોડાવા કાર્યકરોને હાકલ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનો છડે ચોક અને આડેધડ ભંગ થવાના કારણે રાજયમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર રાજકીય પક્ષોની જ દેન છે. તેમ કહેવામાં જરાપણ અતિશોકિત નથી હજી નેતાઓ મેળાવડા કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે અને માસ્ક પણ પહેરતા નથી ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ જારે આત્મજ્ઞાન લાદ્યુ હોય તેમ હવે તેઓએ રાજયભરમાં પક્ષનાં આગેવાનો અને નવ નિયુકત પદાધિકારીઓને સન્માન સમારોહ કે જાહેર કાર્યક્રમો ન યોજવા માટેની તાકીદ કરી છે. સાથોસાથ કાર્યકરોને વેકિસનેશન સહિતની સેવાની કામગીરીમાં લાગી જવા માટે તાકીદ કરી છે.

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છતા નવનિયુકત પદાધિકારીઓ જયારે ખુરશી સંભાળી છે ત્યારે મસ મોટા તાસીરા કરે છે જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થાય છે. આટલું જ નહી નેતાઓ અને કાર્યકરો માસ્ક પણ પહેરવાની તસ્દી લેતા નથી જેથી જાણે કોરોનાને આમંત્રણ મળી રહ્યું હોય તેવો માહોલ સર્જાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગઈકાલે એવો આદેશ આપ્યો છે કે, ભાજપના સંગઠનના પ્રદેશ, જિલ્લા અને મહાનગરોનાં પદાધિકારીઓ તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાના નવનિયુકત પદાધિકારીઓને કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈ પદગ્રહણ વખતે ભીડ ન કરવી તથા સન્માન સમારોહ કે અન્ય સમારોહ ન યોજવા કે જાહેર કાર્યક્રમો ન યોજવા તાકીદ કરવામાં આવી છે.

સંક્રમણને રોકવા સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે જયાં જરૂર પડે ત્યાં કાર્યકરોને વેકિસનેશન સહિતની કામગીરીમાં લોકોને મદદ રૂપ થવા પણ કાર્યકરોને હાંકલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.