દેશમાં કોરોનાની બીજી લહેર ભયાવહ દ્રશ્યો ઉભા કરી રહી છે.
લોકો બેડ,ઓક્સિજન સહિતની સવલતો માટે દર દર ભટકી રહ્યા છે ત્યારે સરકારે ઓક્સિજન માટે દેશભરમાંથી ઉઠી રહેલા દર્દનાક અવાજો બાદ ’ઓપરેસન ઓક્સિજન મૈત્રી’ ની શરૂઆત કરી છે. જે અંતર્ગત વિવિધ દેશોનો સંપર્ક કરાયો છે, તો ઓક્સિજનનો વિપુલ જથ્થો વિવિધ સ્થળોએથી એરલીફ્ટ પણ કરાયો છે. આવીજ રીતે પોર્ટમાં ઓક્સિજન કે તેને લગતા સંશાધનોને વહન કરતા જહાજોને પ્રાથમિકતા આપીને બર્થ આપવાનો નિર્ણય કરાયો છે, તેની ડ્યુટીમાં પણ છુટછાટની જાહેરાત કરાઈ છે.
આ તમામ નિર્ણયો કેટલાક અંશે અસરકારક રહ્યા હોય તેમ કચ્છના બંન્ને મુખ્ય બંદર કંડલા અને મુંદ્રા પર ઓક્સિજન અને તેને લગતી સામગ્રીઓના આયાતનો ધમધમાટ શરૂ થઈ ગયો છે
દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાના અધ્યક્ષ એસ.કે. મહેતાએ આ પ્રકારની સામગ્રી ધરાવતા કાર્ગોને પ્રાથમિકતા આપવાની સુચના આપી હતી, જે સંદર્ભે હજીરા પોર્ટથી એમવી હાય નામ 86 નામક વેસલ કંડલામાં આવીને લાંગર્યુ હતું. જેમાંથી 4722.82 મેટ્રીક ટન સ્ટીલના પાઈપ, 1389.47 એમટી સ્ટીલ બાર, 892.326 એમટી જંબો બેગ અને 170.535 પ્રોજેક્ટ કાર્ગો કંડલામાં ઉતારાયો હતો. પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે આ કાર્ગો ચીનથી હજીરા, અને ત્યાંથી કંડલા આવ્યો હતો. આ પાઈપમાંથી ઓક્સિજનના સીલીન્ડર બને છે. જેમાનો કેટલોક જથ્થો કાસેઝ તેમજ કેટલોક જથ્થો ભોપાલ જશે. પોર્ટ ચેરમેન મહેતાએ આપેલી વિશેષ સુચનાઓના કારણે રાત્રીના તાત્કાલિક ધોરણે આ વેસલને 13 નંબરની કાર્ગો જેટીમાં લાંગરવામાં આવ્યું હતું.
ઓક્સિજન સંલગ્ન કાર્ગો પર તમામ ડયૂટી માફ કરાઈ
શીપીંગ મંત્રાલય દ્વારા રવિવારે દેશના તમામ મેજર પોર્ટના ચેરમેનને પત્ર પાઠવીને સુચના અપાઈ હતી કે ઓક્સિજન સંલગ્ન દરેક કાર્ગો ધરાવતા જહાજને પોર્ટ પર ન માત્ર લાંગરવા માટે પ્રાથમિકતા આપવી પણ તે સાથે તેના પર લાગતા પોર્ટ, સ્ટોરેજ સહિતના ચાર્જેસમાં માફી આપવા સુચિત કરાયા હતા. સાથે કસ્ટમે જલદીથી જલદી આવા કાર્ગોને ક્લીયર કરવા અને અધ્યક્ષને અંગત રીતે આ તમામ ગતીવીધી પર નજર રાખવા જણાવાયું હતું. આ પરીપત્ર આગામી ત્રણ મહિના માટે મેડીકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન ટેંક, ઓક્સિજન બોટલ્સ, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર, સ્ટીલ પાઈપ સહિતના સંલગ્ન સામગ્રી પર લાગુ પડશે.