આજે વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ
વિશ્ર્વના સૌથી ગરીબ લોકોની યોગ્ય સંભાળમાં બીન સરકારી સંસ્થાઓ મહત્વની કામગીરી કરે છે: વૈશ્ર્વિક ખાનગી ક્ષેત્રના વિકાસને કારણે આવી સંસ્થાઓનો વિકાસ થયો છે: આવી સંસ્થા સ્થાનિક સ્તરે લોક સેવાના વિવિધ કાર્યો કરે છે
1945માં સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની કલમ-71માં પ્રથમવાર ઉલ્લેખ થયો જેમાં બિન સરકારી સંસ્થાએ બિન નફાકારક જૂથ છે: સેવાભાવી સ્વયંસેવકોને પ્રોત્સાહન અને સન્માનવાનો આજનો દિવસ છે
આજે વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ, બીન સરકારી સંસ્થાનો માનવ વિકાસના કાર્યોમાં મોટો રોલ છે. ઘણીવાર સરકાર ન કરી શકે તે આવી સંસ્થાઓ કરે છે તેથી આજે તેને પ્રોત્સાહન અને સન્માન આપવાનો દિવસ છે. વિકાસ, આરોગ્ય, પર્યાવરણ જેવા વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવામાં આવી સંસ્થાની ભૂમિકા અહંમ હોય છે. વૈશ્ર્વિકસ્તરે ઘણી ઇન્ટરનેશનલ સંસ્થાઓ ગરીબ લોકોની સંભાળનું શ્રેષ્ઠ કાર્ય કરતી જોવા મળે છે. ખાનગી ક્ષેત્રના વૈશ્ર્વિક વિકાસને કારણે આવી સંસ્થાનો વિકાસ થયો છે. 1945માં સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર-71માં પ્રથમવાર બીન સરકારી સંસ્થા કે બિન નફાકારક જુથ જેવા શબ્દોનો ઉલ્લેખ થયો હતો. આપણાં ગુજરાતમાં દેશની સૌથી વધુ સંસ્થાઓ કાર્યરત છે. જે બાળ મહિલા વિકાસ, યુવા વિકાસ સાથે વિવિધ લોક સેવાના કાર્યો કરે છે. ઘણી સંસ્થાઓ સરકારી ગ્રાન્ટવાળા પ્રોજેક્ટ ચલાવતા હોય છે તો કેટલીય સંસ્થા સરકારી સહાય વગર માત્ર દાતાઓના સહયોગથી ઉમદા સેવા કાર્ય કરતાં હોય છે. ક્લબ, મંડળ, ગૃપ, મિત્ર મંડળ એસોસિએશન ફાઉન્ડેશન જેવા વિવિધ નામ તળે સ્થાનિક લેવલે, જિલ્લા કે રાજ્ય સ્તરે કામ કરતી ઘણી એન.જી.ઓ. છે. કેટલીક જાણીતી સંસ્થાઓ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામ કરે છે. રોટરી લાયન્સ જેવી ક્લબો વૈશ્ર્વિક સ્તરે સેવા કાર્યો કરે છે.
તબીબી ક્ષેત્રે, રોગચાળા, દુષ્કાળ, પુર-હોનારત સમયે આવી સંસ્થાના સ્વયં સેવકો દિવસ-રાત જોયા વગર લોકોની સેવા કરતાં હોય છે. પવર્તમાન અખબારોમાં પણ દરરોજ તેની કાર્યક્રમ પ્રેસનોટ, ફોટા અને વિવિધ લોક સહાયની વાતો પ્રગટ થતી હોય છે. લોકો આવી સંસ્થાને માતબર દાન પણ આપે છે. ગરીબોને ભોજન, વૃધ્ધાશ્રમ ચલાવવા, ગૌશાળા કે મફ્ત સારવારની હોસ્પિટલ આવી સંસ્થાઓ ચલાવતા હોય છે. સરકારી સહાય છેવાડાના માનવી સુધી ઘણીવાર સહાય ન પહોંચી શકે ત્યારે સ્થાનિક લેવલે આવી બિન-સરકારી સંસ્થા લોકસેવામાં અગ્રેસર હોય છે. ઘણીવાર લોક જાગૃત્તિ અને શિક્ષણ માટે પણ સરકાર આવી સંસ્થાની મદદ લેતા હોય છે.
આવી સંસ્થા સરકારના પ્રભાવ વિના કાર્ય કરતી હોવાથી લોકોની સારી ચાહના મેળવે છે. નોંધણી સરકારી સ્તરે કરાવેલ સંસ્થાના ટ્રસ્ટોમાં વિવિધ ટ્રસ્ટીઓની રચના, હોદ્ા, પ્રમુખ વિગેરે સર્વાનુ મતે નક્કી કરીને તેના હિસાબો ઓડીટ પણ કરાવે છે. કેન્સર એચ.આઇ.વી. જેવા વિવિધ રોગો માટે કાર્યરત સંસ્થાને ઇન્કમટેન્સમાંથી દાન દેનારને 100 ટકા રકમ બાદ પણ મળે છે. આ વર્ષની થીમ “માનવ અધિકારોને આગળ વધારીને, સામાજીક અને પર્યાવરણીય પડકારોનો સામનો કરીને ટકાઉ વિકાસના લક્ષ્યોને હાંસલ કરવાની વાત કરે છે” સમાજમાં પરિવર્તન લાવવાનું કામ આવી સંસ્થા કરી શકે છે.
મદદનો બ્રિજ માનવ સમૂદાયનો હોય તેમાં ગેપ પડે ત્યાં આવી સંસ્થા કાર્ય કરે છે. કોવિડ-19ની કટોકટી દરમ્યાન પરપ્રાંતિય મજૂરોને મદદ કરવી, ગરીબી નાબૂદી, પાણી, પર્યાવરણ, મહિલા અધિકારો, સાક્ષરતા જેવા વિવિધ મુદ્ે સરકારની સાથે રહીને સુંદર કાર્યો આવી સંસ્થા બોજ કરે છે. તે વિવિધ પ્રવૃત્તિને વેગ આપે છે અને લગભગ દરેક કાર્ય ક્ષેત્રમાં કામ કરે છે. સામાજીક સંસ્થા સાથે રાજકીય એન.જી.ઓ. પણ હોય જે સરકારની નીતિઓ, પગલાઓ સામે લોકોના અભિપ્રાય એકત્ર કરે છે. સ્વચ્છ ભારત અભિયાન, સર્વ શિક્ષા અભિયાન જેવા વિશાળ અભિયાનોને સફળતા પૂર્વક અમલમાં મૂકવા માટે એન.જી.ઓ. પણ સરકાર સાથે લોક ભાગીદારી કરીને કાર્ય કરે છે. આપણાં દેશમાં હજુ પણ અંધશ્રધ્ધા, આસ્થા, માન્યતા અને રિવાજમાં ડબેલા છે તે સમસ્યામાં એક પ્રેરક તરીકે આવી સંસ્થા લોકોમાં જાગૃત્તિ પ્રસરાવે છે. છેલ્લા કેટલાક વર્ષો ગામ કે શહેરોમાં અસંખ્ય સંસ્થાઓ ઉભરી આવી છે, ઘણી સંસ્થાઓ માત્ર લેટરપેડ પર ચાલતી હોય છે. દાતાઓના પૈસાનો દૂર ઉપયોગ પણ જોવા મળતો હોય છે. સંસ્થાનું કામ અને તેની પારદર્શિતાને કારણે ઘણા દાતાઓ કરોડો રૂપિયાનું દાન આપતાં હોય છે. ઘણા વ્યક્તિગત લોકો પણ એકલા-એકલા પોતાનાથી થાય તેટલી સમાજ સેવા કરતાં હોય છે.
હાલ એન.જી.ઓ. ચલાવવામાં મુખ્ય મુશ્કેલી ભંડોળ મેળવવાની છે. ઘણી સંસ્થાઓને વિદેશથી પણ ભંડોળ આવતું હોય છે, જો કે હવે એફ.સી.આર.એ. ફરજીયાત નોંધણીને કારણે તકલીફ થઇ ગઇ છે. સંસ્થાની પ્રવૃત્તિ વ્યવસ્થિત આયોજન હોય તો દાતા સામેથી દાન આપતા જોવા મળે છે. એન.જી.ઓ.ના સ્ટાફને તાલિમબધ્ધ કરાય તો તે ફિલ્ડવર્કમાં સારી કામગીરી કરતાં જોવા મળે છે. યુનાઇટેડ નેશન્સે-2014થી આ દિવસ ઉજવવાનું નક્કી કરેલ હતું. આજે આવી સંસ્થાની મુલાકાત લઇને તેને પ્રોત્સાહન આપવું એ દરેક નાગરીકની ફરજ છે.