• જામનગર જિલ્લામાં રૂ.114.83 કરોડના ઇ-ખાતમુહુર્ત કરતા મંત્રી મુળુભાઇ બેરા

અબતક, જામનગર

જામનગર શહેર અને જિલ્લાના વિવિધ 143 પ્રકલ્પોના કુલ રૂ.114.83 કરોડના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરતાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન તથા સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ પૂર્ણ થયેલ છે. જેને રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્ર્વમાં ભારત દેશનું નામ રોશન થયું છે. સાથે સાથે તેઓનો ગુજરાતનાં વિકાસમાં પણ સિંહ ફાળો રહ્યો છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ગુજરાતને વંદે ભારત જેવી ટ્રેન થકી સુદઢ રેલ નેટવર્ક પ્રાપ્ત થયેલ છે.

જામનગરમાં 31.65 કરોડના કામોના ઇ-લોકાર્પણ થયા જેમાં મહાકાળી સર્કલ થી બેડી સર્કલ રિંગ રોડ  પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ અંતર્ગત 6 રોડ સ્વીપર મશીન, દેવરાજ દેપાળ અને સોનલનગર પ્રાથમિક સ્માર્ટ શાળામાં ડિઝાઇન અને ડેવલોપના કામો,  37 આંગણવાડીઓને અપગ્રેડ કરવાના કામો, લાખોટા તળાવ ખાતે લાઇબ્રેરી અને ગેમિંગ ઝોન માટે આંતરિક ફર્નિચરના કામો અને તળાવના સિન્થેટિક ટ્રેકના નવીનીકરણનું કામ, વોર્ડ નં.11 માં કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, વોર્ડ નં. 6માં સીસી રોડના કામ, વોર્ડ નં.11 માં બાવરીવાસમાં આંગણવાડી, શ્યામ ટાઉનશિપમાં નંદઘર, આદર્શ સ્મશાનમાં પૂર સંરક્ષણ દીવાલ જેવા વિવિધ કામો પૂર્ણ થતાં મંત્રીશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ મહેમનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, સાશક પક્ષના નેતા આશિષ જોશી, કલેકટર બી. કે. પંડયા, કમિશનર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ, પ્રાંત અધિકારીઓ, પૂર્વ મંત્રી વસૂબેન ત્રિવેદી, વિવિધ વોર્ડના કોર્પોરેટરો, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.