સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.15મી જુનથી પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, સરકારના આદેશ મુજબ આ પરીક્ષા હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. ગઈકાલે શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સીવાયના અભ્યાસો માટે વર્ષ 2021-22નું એકેડેમીક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.7મી જુનથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની સુચના આપવામાં આવી છે. પ્રથમ સત્રમાં પ્રવેશ પ્રક્રિયા બાકી હોય તે ક્યારથી શરૂ કરાશે તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના જણાવ્યા મુજબ 15મી જુનથી શરૂ થતી પરીક્ષાઓ હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં સેમ-1 અને 3માં સોમવારથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે પ્રથમ સત્ર યુજી સેમ-3,5 અને 4 વર્ષના યુજીના પ્રોગ્રામમાં સેમ-7 અને પીજીના સેમ-3ના સોમવારથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. કોલેજોમાં દિવાળી વેકેશન 1લી નવેમ્બરથી લઈ 13મી નવેમ્બર એટલે કે 13 દિવસનું રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો અને કોલેજોએ વિદ્યાર્થીઓનું આંશિક મુલ્યાંકન, વીકલી ટેસ્ટ, પ્રોજેકટ વર્ક, ગ્રુપ ડિસ્કશન વગેરે પહેલા સત્રના અંત પહેલા કરવાનું રહેશે. બીજુ સેમ યુજી સેમ 4 તથા પીજી સેમ-4 પહેલા તા.1લી ડિસેમ્બરથી શરૂ કરવાનું રહેશે. યુનિવર્સિટી અને કોલેજોએ દ્વિતીય સત્રનું મુલ્યાંકન પણ ફેબ્રુઆરી, માર્ચ 2022 સુધીમાં પૂરું કરવાનું રહેશે. વર્ષ 2022-23 માટે નવું શૈક્ષણિક સત્ર આગામી તા.15મી જુન 2022થી શરૂ કરવામાં આવશે.
દરેક યુનિવર્સિટીઓને હાલની સ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષા લઈને જ કાર્યવાહી શરૂ રાખવાની સુચના અપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સુચના મળ્યા બાદ ઓફલાઈન એકઝામ અને વિદ્યાર્થીને કોલેજમાં બોલાવવાના રહેશે તેવી તાકીદ કરાઈ છે. હાલમાં પહેલા સેમેસ્ટરને બાદ કરીને બાકી રહેલા સેમેસ્ટર માટે એકેડેમીક કેલેન્ડર જાહેર કરાયું છે. ધો.12નું પરિણામ બાકી હોવાથી પ્રથમ સેમ ક્યારથી શરૂ કરવું તે માટેની તારીખો હવે બાદ જાહેર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં સેમ-3 અને 5માં સોમવારથી ઓનલાઈન શિક્ષણ શરૂ: કુલપતિ
દરેક યુનિવર્સિટી અને કોલેજોમાં હાલની સ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષા લઈને કાર્યવાહી ચાલુ રાખવા ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સુચના આપવામાં આવી છે. જો કે હજુ ધો.12નું રિઝલ્ટ જાહેર નથી થયું જેથી પહેલુ સેમેસ્ટર ક્યારથી શરૂ કરવું તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે. સોમવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં સેમ-3 અને 5માં ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.