28થી 30મી સુધી રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક: બેઠકમાં રેપોરેટ 5.40 ટકાથી વધારીને 5.90 ટકા કરાય તેવું અનુમાન
રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક આ મહિનાની 28 થી 30 તારીખ સુધી યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રેપો રેટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર ફુગાવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. આને નિયંત્રિત કરવા માટે, ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને અન્ય કેન્દ્રીય બેંકો આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો કરી રહી છે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી પરિસ્થિતિમાં રિઝર્વ બેંક આ વખતે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. હાલમાં રેપો રેટ 5.40 ટકા છે, જે વધીને 5.90 ટકા થવાની ધારણા છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. નાણાકીય નીતિની સમીક્ષા 30 સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવશે. વિવિધ બેંકો અને વિશ્લેષક કંપનીઓ સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રીઓનો સામાન્ય અભિપ્રાય છે કે આરબીઆઇની મોનેટરી પોલિસી સેટિંગ કમિટી 30 સપ્ટેમ્બરે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો રેપો રેટ વધીને 5.90 ટકા થઈ જશે.
ડિસેમ્બર સુધીમાં રેપોરેટ 6.25 ટકા થઈ જવાનું અનુમાન
નિષ્ણાંતોએ જણાવ્યું કે આરબીઆઇ એપ્રિલ 2023 સુધીમાં રેપો રેટ વધારીને 6.75 ટકા કરી શકે છે. અર્થશાસ્ત્રીઓના મતે ડિસેમ્બરના અંત સુધીમાં રેપો રેટ 6.25 ટકા સુધી પહોંચી શકે છે. જો કે આવુ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં થઈ શકે છે.
રિઝર્વ બેંક મે મહિનાથી રેપોરેટ સતત વધારો કરી રહી છે
વધતી જતી ફુગાવાની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે આરબીઆઇએ ગયા મે મહિનાથી રેપો રેટ વધારવાનું વલણ અપનાવ્યું છે. આ સમયગાળા દરમિયાન રેપો રેટ ચાર ટકાથી વધીને 5.40 ટકા થયો છે. નિષ્ણાંતોએ આ અંગે મત વ્યક્ત કર્યો કે આગામી સપ્તાહે એમપીસીની બેઠકમાં પણ રેપોરેટમાં વધારો થઈ શકે છે. આ સાથે તેમણે ડિસેમ્બર સુધીમાં રેપો રેટ વધતો રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.
કોમોડિટીના ભાવમાં વધારાની અસર જોવા મળશે
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ એમપીસી બેઠકમાં અડધા ટકાના દરમાં વધારાની શક્યતા છે. આ સાથે કોમોડિટીના ભાવમાં પણ તેની અસર જોવા મળશે. જો ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કોમોડિટીના ભાવ ઊંચા રહેશે તો પોલિસી રેટ 6.75 ટકા સુધી જઈ શકે છે.
વિદેશી મુદ્રાભંડાર ઘટીને 43 લાખ કરોડ થઈ ગયું
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 5.219 બિલિયન ડોલર ઘટીને 545.652 બિલિયન ડોલર થયું હતું. તેવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માહિતી જાહેર કરી છે. વિદેશી મુદ્રા ભંડાર અગાઉના સપ્તાહમાં 2.23 બિલિયન ડોલર ઘટીને 550.87 બિલિયન ડોલર થયું હતું. જે ગત વર્ષ કરતા 97 બિલિયન ડોલર જેટલું ઘટ્યું છે. વૈશ્વિક વિકાસને કારણે સેન્ટ્રલ બેંક દ્વારા રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો અટકાવવા વચ્ચે અનામતમાં ઘટાડો થયો છે. રૂપિયો શુક્રવારે પ્રથમ વખત ડોલર સામે 81 ની સપાટીને તોડી ગયો હતો કારણ કે ફેડના દરમાં વધારો અને રશિયા-યુક્રેન યુદ્ધમાં વધુ તંગદિલી આવતા માર્કેટને પણ તેની અસર પડી હતી. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય માહિતી અનુસાર, વિદેશી મુદ્રા અસ્કયામતોમાં ઘટાડાને કારણે 16 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, એફસીએએસ 4.698 બિલિયન ડોલર ઘટીને 484.901 બિલિયન ડોલર થયા છે, એમ સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું. ડેટા અનુસાર, સોનાના ભંડારનું મૂલ્ય 458 મિલિયન ડોલર ઘટીને 38.186 બિલિયન ડોલર થયું છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડ અને સ્વિસ બેંકના વ્યાજદરમાં વધારાને કારણે ક્રૂડ ઓઈલ પર અસર થઈ છે. ઘણા દેશો દ્વારા નીતિગત વ્યાજ દરોમાં વધારાથી વૈશ્વિક મંદી અંગે ચિંતા વધી છે. આ કારણે રોકાણકારોને તેલની માંગ ઘટવાની ભીતિ છે. જેની સીધી અસર કાચા તેલની કિંમતો પર પડી છે. શુક્રવારે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, બ્રેન્ટ તેલ 4.21 ટકા અથવા 3.81ડોલર ઘટીને બેરલ દીઠ 86.65 ડોલર પર બંધ થયું. તે જ સમયે, ક્રૂડ ઓઈલ ડબ્લ્યુટીઆઈ 80 ડોલર પર આવી ગયું છે. શુક્રવારે તેની વાયદાની કિંમત 4.86 ટકા અથવા 4.06 ડોલર ઘટીને 79.43 ડોલર પ્રતિ બેરલ પર બંધ થઈ હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં આટલા મોટા ઘટાડા છતાં છેલ્લા ચાર મહિનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી.