નજીવા ભાડે આપેલી સંઘની મિલકતો વેંચી દેવાશે,
ગામે-ગામ ઉપાશ્રયોને રીપેર કરાશે
વિરાણી વાડીનું નવું ભાડું રૂ.5 હજાર અને પ્રાર્થનાસભાનું રૂપિયા 3 હજાર કરાયું, જરૂરિયાતમંદ પરિવારોને ભાડું માફ
વર્તમાન સમયની માંગને લઈને સારા લોકેશનમાં સમાજ માટે વાડી કમ પાર્ટી પ્લોટ બનાવવા અંગે પણ ચર્ચા કરાઈ
સ્થાનકવાસી જૈન મોટા સંઘની વાર્ષિક સાધરણસભા સંપન્ન થઈ છે. આ સભામાં નજીવા ભાડે આપેલી સંઘની મિલ્કતો વેચી દેવા, ગામે-ગામ ઉપાશ્રયોને રીપેર કરવા, વિરાણી વાડીનું નવું ભાડું રૂ. 5 હજાર અને પ્રાર્થના સભાનું રૂ. 3 હજાર કરવા તથા જરૂરિયાતમંદ પરિવારોને ભાડું માફ કરવા સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સાથે વર્તમાન સમયની માંગને લઈને સારા લોકેશનમાં સમાજ માટે વાડી કમ પાર્ટી પ્લોટ બનાવવા અંગે પણ ચર્ચા કરાઈ હતી.
સ્થાનકવાસી જૈન મોટા સંઘ ( વિરાણી પૌષધશાળા)ની વાર્ષિક સામાન્ય સભા વિરાણી પૌષધશાળાના વ્યાખ્યાન હોલમાં ગત તા.9ના રોજ સવારે 10:30 કલાકે સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં સૌ પ્રથમ પૂર્વ પ્રમુખ સ્વ. ઈશ્વરભાઈ દોશી તથા પૂર્વ ટ્રસ્ટી નગીનભાઈ દેસાઈ અને અન્ય દિવંગત સ્વજનોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ એજન્ડા મુજબના મુદાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. બહુમતી સભ્યોએ મંજુર રાખેલા વર્ષ 2020-21ના ઓડિટેડ હિસાબો પાસ કરવામાં આવ્યા હતા. સાથે આગામી વર્ષના ઓડિટરની નિમણુંક કરવામાં આવી હતી.ત્યારબાદ આ સભામાં સભ્યોની મંજૂરીથી જરૂરી નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં સંઘની અનેક મિલકતો નજીવા ભાડે આપવામાં આવી છે.
તેને વેંચવા માટે પ્રયત્ન કરવા, સાધુ-સાધ્વજીના વિહારનાં ગામોમાં જ્યાં જરૂર હોય તેવા ઉપાશ્રયોને રીપેર કરાવવા તેમજ જે ઉપાશ્રય હવે વિહારમાં ઉપયોગી ન હોય તેવા વેંચવા માટે પ્રયત્ન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. વિરાણી વાડીનું ભાડુ ફક્ત પાંચ હજાર નક્કી કરવામાં આવ્યું અને પ્રાર્થનાસભા માટે ત્રણ હજાર નક્કી કરવામાં આવેલ છે, છતાં પણ જરૂરીયાતમંદ પરીવારો માટે માફ પણ કરી આપવામાં આવશે. સભ્યોનાં સરનામાનું મેઇલીંગ લીસ્ટ ફરીથી નવું બનાવવા પણ આ તકે નક્કી કરવામાં આવેલ છે.
વર્તમાન સમયની માંગેને ધ્યાને લઇ સારા લોકેશનમાં સમાજ માટે વાડી કમ પાર્ટી પ્લોટ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ અબતકના મેનેજીંગ એડિટર સતિષભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા, નિશિતભાઇ દોમડીયા, વિમલભાઇ પારેખ, હિતેષભાઇ મહેતા, નિશિતભાઇ દોમડીયા, વિમલભાઇ પારેખ, હિતેષભાઇ મણીયાર વગેરે સભ્યોએ પોતાના મંતવ્ય રજૂ કરેલ, બાદમાં અધ્યક્ષ હરેશભાઇ વોરાએ મિટીંગ પૂર્ણ થયેલ જાહેર કરેલ, અંતમાં આભારવિધિ સંઘના મંત્રી કમલેશભાઇ મોદીએ કરી હતી.
સંસ્થાના 60 વર્ષ જુના બંધારણમાં ફેરફાર કરાશે
સંઘનું બંધારણ 60 વર્ષ જૂનું હોય તેમ સુધારા કરવા માટે કમિટી બનાવી તેના માટે સંઘના પ્રમુખને સતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે ચૂંટણીની જાણ હવે ભવિષ્યમાં વર્તમાન પત્રો દ્વારા કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ચૂંટણી ટાણે ઓછું મતદાન થયું હોવાની વાતો વહેતી થઈ હતી. જો કે અનેક સભ્યો માત્ર ચોપડે હોય, હકીકતમાં તેઓ સક્રિય ન હોય તેવા સભ્યોને હટાવવા સહિતની કામગીરી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સંઘના તમામ સભ્યોને સભાઓમાં હાજર રહેવા પ્રમુખની અપીલ
સંઘના પ્રમુખ દ્વારા સભ્યોને અપીલ કરવામાં આવી હતી કે સંઘની મિટિંગમાં સમાજને હિતના જરૂરી નિર્ણયો લેવામાં આવતા હોય, આ મિટિંગમાં સભ્યોની વધુ હાજરી હોવી જરૂરી બને છે. એટલે સમાજના હિતમાં વધુમાં વધુ સભ્યો મિટિંગમાં હાજર રહે તો સારા નિર્ણયો લઈ શકાય.