ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું એકેડેમીક કેલેન્ડર જાહેર કરાયું: ૨૧ દિવસનું દિવાળી વેકેશન અને ૩૫ દિવસનું ઉનાળું વેકેશન: રાજકોટનાં શાળા સંચાલકોએ નવરાત્રીનું વેકેશન રદ કરવાનાં નિર્ણયને વધાવ્યો
ઉનાળું વેકેશન પુરુ થવાનાં આરે છે ત્યારે આંગળીનાં વેઠે ગણી શકાય તેટલા દિવસ બાદ શાળા અને કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નું એકેડેમી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સાથો સાથ ગયા વર્ષથી શરૂ કરવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આમ હવેથી શાળાઓમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન રાબેતા મુજબ જ આપવામાં આવશે. તેમજ ઉનાળું વેકેશન પણ લંબાવવામાં નહીં આવે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મળેલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં બે મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં ગયા વર્ષથી શરૂ કરેલું નવરાત્રીનું વેકેશન આ વર્ષથી રદ કરવામાં આવ્યું છે અને ઉનાળું વેકેશન પણ લંબાવાયું નથી.
શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું એકેડેમી કેલેન્ડર જાહેર કરાયું છે જેમાં પ્રથમ સત્રમાં ૧૦૪ દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. જયારે બીજા સત્રમાં ૧૪૨ દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્ર ૧૦/૬/૨૦૧૯થી ૨૪/૧૦/૨૦૧૯ સુધીનું રહેશે. દ્વિતીય સત્ર ૭/૧૧/૨૦૧૯ થી ૩/૫/૨૦૨૦ સુધીનું રહેશે અને નવું સત્ર ૮/૬/૨૦૨૦ થી શરૂ થશે. પ્રથમ સત્રમાં આઠ દિવસનું વેકેશન રહેશે જે કેબિનેટનાં નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં ૮૦ રજાઓ અને ૨૪૬ દિવસનાં અભ્યાસનાં દિવસો રહેશે. આ ઉપરાંત ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૫ માર્ચ ૨૦૨૦થી શરૂ થશે.
પ્રથમ સત્ર દરમિયાન ૭ રજાઓમાં તા.૧૨/૮ બકરીઈદ, ૧૫/૮ સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધન, ૧૭/૮ પતેતી, ૨૪/૮ જન્માષ્ટમી, ૨/૯ સવંત્સરી, ૧૧/૯ મહોરમ, ૮/૧૦ દશેરાની રજા રહેશે. બીજા સત્ર દરમિયાન ૧૨/૧૧ ગુરુનાનક જયંતી, ૨૫/૧૨ નાતાલ, ૧૪/૧ ઉતરાયણ, ૨૧/૨ મહાશિવરાત્રી, ૧૦/૩ ધુળેટી, ૨૬/૩ ચેટી ચાંદ, ૨/૪ રામનવમી, ૬/૪ મહાવીર જયંતી, ૧૦/૪ ગુડ ફ્રાઈડ ડે, ૧૪/૪ ડો.આંબેડકર જયંતી, ૨૫/૪ પરશુરામ જયંતી એમ પ્રથમ અને દ્વિતીય સત્રનું થઈને ૧૮ દિવસની રજા રહેશે. આ ઉપરાંત ૨૧ દિવસનું દિવાળી વેકેશન અને ૩૫ દિવસનું ઉનાળું વેકેશન રહેશે.
નવરાત્રી વેકેશન રદ થતાં અભ્યાસક્રમની લીંક જળવાઈ રહેશે: જીતુભાઈ ધોળકિયા
આ અંગે અબતક સાથેની વાતચીત દરમિયાન ધોળકિયા સ્કુલનાં સંચાલક જીતુભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, શાળાઓમાં નવરાત્રી વેકેશન રદ થતાં વાલીઓ તેમજ બાળકો માટે આનંદની વાત છે. નવરાત્રીનાં નવ દિવસ રજાઓમાંથી બાકાત થતા બાળકોને કોઈ નુકસાન થવાનું નથી. નવરાત્રી વેકેશનને કારણે લાંબા અભ્યાસક્રમની લીંક તુટી જાય છે અને બાળકોનો અભ્યાસ બગડે છે. હવે નવરાત્રીનું વેકેશન રદ થતા દિવાળી વેકેશન લંબાશે જે આ વર્ષે માત્ર ૧૨ કે ૧૫ દિવસનું હતું તે પહેલાની જેમ ૨૧ દિવસનું થઈ જશે જેથી બહારગામ ફરવા જવું હોય તો માતા-પિતા અને બાળકોને અનુકુળતા રહેશે.