રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આજરોજ સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોને ભેટ મળી છે. વિવિધ ૧ર૪ વિકાસકામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ ૬૦૭ કરોડની રકમ મંજૂર કરી છે.
સુરતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના ૧૦૯ કામો માટે રૂ. પ૮૧.૪૦ કરોડ
રાજકોટમાં આઉટગ્રોથ વિસ્તારના ૧ર કામો માટે રૂ. ર૦.૭૯ કરોડ
ગાંધીનગરમાં શહેરી સડક યોજનાના ૩ કામો માટે રૂ. પ કરોડ
રંગીલા રાજકોટના વિકાસકામોને વેગ મળ્યો છે. રાજકોટ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં પણ રસ્તાના પ કામો માટે રૂ. ૧૦.૪પ કરોડ, પાણી પૂરવઠાના ૬ કામો માટે ૧૦.૧૪ કરોડ તથા આંગણવાડીના ૧ કામ માટે રૂ. ર૦ લાખ એમ સમગ્રતયા ૧ર કામો માટે ર૦.૭૯ કરોડ રૂપિયા ફાળવવાનો મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.
જ્યારે સુરત મહાનગરમાં ફલાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલીટીના ૬ કામો માટે રૂ. ર૦ કરોડ અને આગવી ઓળખના કામ તરીકે ૧ સ્વીમીંગ પૂલના કામોને મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા પાણી પૂરવઠાના અને સી.સી. રોડના ૬૦ કામો માટે રૂ. ૪૦૭.૪૩ કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના ૪ર કામોમાં લાયબ્રેરી, ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન, વોર્ડ ઓફિસ, સિવીક સેન્ટર, કોમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટર મલ્ટીલેવલ પાર્કીંગ, પબ્લીક હેલ્થ લેબોરેટરી વગેરે માટે ૧૪૯.૬૪ કરોડ રૂપિયા ફાળવાયા છે.
જ્યારે ગાંધીનગર મહાનગરમાં પણ શહેરી સડક યોજનાના ૩ કામો માટે રૂ. પ કરોડની રકમ ફાળવી છે. આ ઉપરાંત ચાર ટી.પી સ્કીમમાં અસ્ફાલ્ટ રોડ બનાવવાના, નવા રોડ બનાવવાના તથા મહાનગરમાં સમાવિષ્ટ ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા હડમતીયા, સરગાસણ અને રાંધેજામાં હયાત ડામર રોડના રિસરફેસીંગના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હાથ ધરાશે.