રાજકોટમાં ‘ભુદેવ ટાઇમ્સ’ મેગેઝીનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ
રાજકોટ ખાતે ભૂદેવ સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલા ભૂદેવ ટાઇમ્સ મેગેઝિનનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે બ્રહ્મ સમાજે પોતાના સ્વાભિમાનની રક્ષા માટે ઘણો સંઘર્ષ કર્યો છે અને આ માટે ઘણુ સહન પણ કર્યું છે. આમ છતાં, ગુજરાતના વિકાસમાં બ્રહ્મણોનું યોગદાન મહત્વનું છે. ભૂદેવ ટાઇમ્સના પત્રકારત્વના માધ્યમથી સકારાત્મક વાતો જનજન સુધી પહોંચશે, તેવો આશાવાદ તેમણે દર્શાવ્યો હતો. ‚પાણીએ ઋષિ પરંપરામાં ભગવાન પરશુરામનું સ્મરણ કરતા કહ્યું કે તેમણે નકારાત્મક્તા અને આસુરી તત્વોનો નાશ કરવા જન્મ લીધો હતો અને સાથે જ્ઞાનનું અર્જન પણ કર્યું હતું. આ પરંપરાને બ્રહ્મણોએ આગળ ધપાવી છે. આજે પણ બ્રહ્મ સમાજ જ્ઞાનના પુંજ સમાન છે. બ્રાહ્મણોએ અનેક લોકોને શિક્ષિત અને દીક્ષિત કર્યા છે. પ્રાચીન કાળમાં નાલંદા, વલભી અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો સમગ્ર વિશ્વમાં જ્ઞાનનું કેન્દ્ર હતી.
મુખ્યમંત્રીએ બ્રાહ્મણ યુવાનોને આહ્વાન કરતા કહ્યું કે, યુવાનો ૨૧મી સદી સાથે કદમ મિલાવવા માટે વધુ શિક્ષિત બને એ જરૂરી છે. સરકાર દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા લોન, મેઇક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનો માટે લાભાકારી છે.તેમણે ભારપૂર્વક દોહરાવ્યું કે, આ સરકાર ગરીબોની છે અને ગરીબોના ઉત્કર્ષ તથા કલ્યાણ માટે સતત કાર્યરત છે.
‚પાણીએ ભૂદેવ ટાઇમ્સને પોતાની શુભકામનાઓ પાઠવી હતી અને પત્રકારત્વના નવા ઉજળા આયમો સર કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
કાયદા પંચના સભ્ય અભયભાઇ ભારદ્વાજે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ભૂદેવ સેવા સમિતિ તથા ભૂદેવ ટાઇમ્સના તંત્રી તેજસ ત્રિવેદી દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીઓ સર્વ નીતિનભાઇ ભારદ્વાજ, રામભાઇ મોકરિયા, જનાર્દનભાઇ આચાર્ય, કમલેશભાઇ મિરાણી, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી જી. ટી. પંડ્યા સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.