કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો. હાલ કોરોના સંક્રમણના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. મહામારીએ ઘણા બધા લોકોના જીવ લીધા છે. આવી પરિસ્થિતિમાં ઘણા બધા બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. ગુજરાત સરકાર દ્વારા આ અનાથ થયેલા બાળકો માટે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ શરૂ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત જે બાળકોના માતા અને પિતા બંને કોરોના દરમિયાન મૃત્યુ પામ્યા છે. તે બાળકોને સરકાર દ્વારા ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને, સ્વરોજગાર માટે તાલીમ અને લોન આપવામાં આવશે. 18 વર્ષની ઉંમર સુધીના જે બાળકોના માતા અને પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા છે, તે બાળકોને આ યોજનાનો લાભ કોઈ પણ અવાક મર્યાદા ધ્યાને લીધા વગર મળશે.
આ યોજનામાં કોરોના સંક્રમણ પહેલા જે બાળકના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. અને પછી જે તેના પાલક માતા પિતા હતા. તે પાલક માતા પિતા જો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળશે. આ સાથે જે બાળકના એક વાલી (માતા પિતા બંને માંથી કોઈ એક) કોરોના પહેલા મૃત્યુ પામ્યા હોય, અને પછી કોરોનામાં બીજા વાલીનું નિધન થયું હોય. તો તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે.
આ યોજના અંતર્ગત બાળક જ્યાં સુધી 18 વર્ષનું ના થાય ત્યાં સુધી દર મહિને 4000 રૂપિયા મળશે. 18 વર્ષ પૂર્ણ થયા બાદ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય, તેના માટે રાજ્ય સરકારની આફ્ટર કેર યોજના અંતર્ગત 21 વર્ષ સુધી મળવા પાત્ર રહશે. 21 વર્ષ પૂર્ણ થયા બાદ યુવક અથવા યુવતીનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી અથવા 24 વર્ષની ઉંમર સુધી આફ્ટર કેર યોજનાનો લાભ મળશે.
14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ આ ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે. જે દીકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે, તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે. આ સાથે હોસ્ટેલ ખર્ચ પણ અપાશે. આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.
કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે. આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.
રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી (NT/DNT) અને આર્થિકરીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજૂર કરાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.
આ સાથે રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે. આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.
જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું વતની હોય અથવા છેલ્લા 10 વર્ષ થાય ગુજરાતમાં નિવાસ કરતુ હોય તેવા બાળકને આ યોજનાનો લાભ મળશે. 10 વર્ષથી મોટી ઉંમરના બાળકોને પોતાનું અલગ બેન્ક ખાતું ખોલાવી તેમાં આ સહાય આપવામાં આવશે.