રાજય સરકારે બજેટમાં ઉર્જા અને કેમિકલ્સ વિભાગ માટે રૂ. 13,034 કરોડની જોગવાઇ કરી છે. જેમાં ખેડુતોને વીજ બીલમાં સબસીડી માટે રૂ. 8411 કરોડ તેમજ નવા કૃષિ જોડાણ માટે રૂ. 400 કરોડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
નાણામંત્રી નીતીન પટેલે બજેટ જાહેર કરતા જણાવ્યું હતું કે, માથાદીઠ ઉર્જા વપરાશમાં ગુજરાત રાજય દેશમાં પ્રથમ ક્રમે છે. દેશના બીનપરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત 1ર ટકા જેટલું મોટું યોગદાન આપે છે. તાજેતરમાં વિશ્ર્વના સૌથી મોટા 30,000 મેગાવોટના પુન:પ્રાપ્ત ઉર્જા પાર્કનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કચ્છ જીલ્લામાં થયેલ છે જે સાથે ગુજરાત દેશનાું રિન્યુએબલ એનર્જી કેપિટલ બનવા આગળ વધી રહ્યું છે.
દેશના એલએનજી કેપિટલ તરીકે ઓળખ મેળવી આપણા રાજયએ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પણ અનેરી સિઘ્ધી પ્રાપ્ત કરી છે. પાઇપ નેચરલ ગેસ નેટવર્કમાં રાજયનો દરેક જીલ્લો આવરી લેવામાં આવેલ છે. બાવીસ લાખ ઓગણીસ હજાર ઘરો સુધી પાઇપલાઇન નેચરલ ગેસ કનેકશન આપી પીએનજી જોડાણમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. નેશનલ ગેસગ્રીડ હેઠળ જીએસપીએલ દ્વારા હાથ ધરાયેલ 1,900 કિલોમીટરની મહેસાણા, ભટીંડા, અને ભટીંડા જમ્મુ ગેસ પાઇન લાઇનના રૂ. 7300 કરોડના પ્રોજેકટની કામગીરી અંતિમ તબકકામાં છે.
ખેડુતોને સિંચાઇનું પાણી ઓછા ખર્ચે મળે તે માટે અમારી સરકાર છેલ્લા રપ વર્ષથી દર વર્ષે ખુબ મોટા પ્રમાણમાં ખેડુતોને વીજ બીલમાં સબસીડી આપી રહીછ. આ માટે રૂ. 8411 કરોડની જોગવાઇ રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતોને જયારે રાત્રે વીજ સપ્લાય મળતો હોય ત્યારે રાત્રિના ઉજાગરા સાથે સિંહ, દિપડા જેવા પ્રાણીઓ તેમજ સાપ, વીછીં જેવા જીવજંતુઓનું પણ જોખમ રહે છે અને તેઓને જીવના જોખમે રાત્રે સિંચાઇ કરવી પડે છે. ખેડુતોને આ મોટી હાડમારીમાંથી મુકત કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની અમારી સરકાર દ્વારા ખેડુતોના જીવનમાં પરિવર્તન સમાજ ખેડુતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવાની કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુ.નગર, પાટણ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ જેવા મોટાભાગના જિલ્લામાં તેની અમલવારી પણ શરુ થઇ ચૂકી છે. આ યોજનાની કામગીરી આગળ ધપાવવા માટે રૂ. 1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિના મૂલ્યે વીજળી પૂરી પાડવા રૂ. 734 કરોડની જોગવાઇ કરાઇ છ. નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ 400 કરોડની જોગવાઇ કરાઇ છે. જેટકોના સબ સ્ટેશનોની નજીકમાં આવતી સરકારી પડતર જમીનમાં તબકકાવાર 2,500 મેગાવોટ સૌર ક્ષમતામાં પ્રોજેકટ માટે રૂ. 600 કરોડની જોગવાઇ કરાઇ છે. આદિજાતિ, અનુસુચિત જાતિના અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશનું વીજ જોડાણ આપવ રૂ. રપ કરોડની જોગવાઇ કરાઇ છે.