- મોદી સરકારની મધ્યમ વર્ગીય પરિવાર અને નોકરીયાત વર્ગને મોટી ભેટ
- મહિને 1 લાખ સુધી કમાનાર વ્યક્તિએ આવક વેરો નહીં ભરવો પડે: વર્ષે 75 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે
- આવક વેરાના સ્લેબમાં મોટા ફેરફાર કરાતા બજેટને સાર્વત્રિક આવકાર
- વડિલ, નાના કરદાતા, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ઉદ્યોગો માટે બજેટમાં મહત્ત્વપૂર્ણ જાહેરાત
ત્રીજી ટર્મના પ્રથમ ફૂલ બજેટમાં કેન્દ્રની મોદી સરકારે મધ્યમ વર્ગીય પરિવાર અને નોકરીયાત વર્ગને મોટી ભેટ આપી છે. નાણામંત્રી નિર્મલા સિતારામણે આજે નાના કરદાતાઓ પર અમીદ્રષ્ટિ કરી છે. મહિને 1 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા એટલે કે વાર્ષિક 12 લાખની આવક ધરાવતા વ્યક્તિએ આવક વેરા પેટે એકપણ રૂપિયો ભરવો પડશે નહિં. આવક વેરા મુક્તિ મર્યાદામાં સિધો જ પાંચ લાખનો વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતો, મહિલાઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો અને વડિલો માટે પણ અનેકવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. 12 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરાય છે. સાથોસાથ 75 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે એટલે કે વાર્ષિક 12.75 લાખની આવક ધરાવતા વ્યક્તિને આવક વેરા પેટે 1 રૂપિયો પણ ભરવો પડશે નહિં. આવક વેરાની મુક્તિ મર્યાદામાં વધારો થતા દેશભરમાં કેન્દ્રીય બજેટને આવકાર મળી રહ્યો છે. દરમિયાન આગામી સપ્તાહે સંસદમાં નાણામંત્રી દ્વારા નવું ઇન્કમટેક્સ બિલ મુકવામાં આવશે.
કેન્દ્રમાં વર્ષ-2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બની ત્યારે આવક વેરા મુક્તિ મર્યાદા રૂ.2.80 લાખની હતી. મોદી સરકારે સતત ત્રીજી વખત આવક વેરાની મર્યાદામાં વધારો કર્યો છે. પ્રથમવાર રૂ.2.80 લાખની આવકને પાંચ લાખ સુધીની ઇન્કમટેક્સમાંથી છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારબાદ બીજી વખત આવક વેરા મુક્તિ મર્યાદા પાંચ લાખથી વધારી 7 લાખ કરવામાં આવી હતી. દરમિયાન ત્રીજી ટર્મના પ્રથમ સંપૂર્ણ બજેટમાં મોદી સરકારે મધ્યમ વર્ગીય પરિવાર અને નોકરીયાત વર્ગને બમ્પર ભેટ આપી છે. આવક વેરા મુક્તિ મર્યાદાની સીમા 7 લાખથી વધારી સિધી જ 12 લાખ કરી દેવામાં આવી છે. ઇન્કમટેક્સના સ્લેબમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વાર્ષિક ચાર લાખ સુધીની આવક પર કોઇ જ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહિં. ચાર લાખથી લઇ 8 લાખ સુધીની આવક પર 5 ટકા અને 8 લાખથી લઇ 12 લાખ સુધીની આવક પર 10 ટકા સ્લેબ રાખવામાં આવ્યો છે. ઇન્કમટેક્સની કલમ 87/એ મુજબ કરદાતાઓને ટેક્સમાં 60,000 સુધીનું રિબેટ મળતું હોય એટલે 12 લાખ સુધીની આવક સંપૂર્ણપણે ટેક્સ ફ્રી થઇ ગઇ છે. આ ઉપરાંત વાર્ષિક 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. જેથી વાર્ષિક 12.75 લાખ અને માસિક રૂ.1,06,250 સુધીની આવક ધરાવનાર વ્યક્તિએ ઇન્કમટેક્સ પેટે એક રૂપિયો પણ ભરવાનો રહેશે નહિં. જ્યારે વાર્ષિક રૂ.12 લાખથી લઇ રૂ.16 લાખ સુધી 15 ટકા, 16 લાખથી લઇ 20 લાખ સુધી 20 ટકા, 20 લાખથી લઇ 24 લાખ સુધી 25 ટકા અને 24 લાખથી વધુની આવક ધરાવતા વ્યક્તિએ 30 ટકા ઇન્કમટેક્સ ભરવો પડશે.
ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર કરવાથી 10 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિને વાર્ષિક રૂ.50,000, 12 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિને રૂ.80,000, 15 લાખ સુધી આવક ધરાવતી વ્યક્તિને વાર્ષિક રૂ.95,000, 20 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિને વાર્ષિક રૂ.1.50 લાખ અને 24 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિને રૂ.1.70 લાખનો સિધો જ ફાયદો થશે. આવક વેરામાં મુક્તિ મર્યાદા 7 લાખથી વધારીને રૂ.12 લાખ કરવામાં આવી છે. સાથોસાથ 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ આપવામાં આવશે. મોદી સરકારની આ દેશવાસીઓને સૌથી મોટી ભેટ માનવામાં આવી રહી છે. આજે બજેટ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે એવી ઘોષણા કરી હતી કે આવતા સપ્તાહે સંસદમાં ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવશે.
63 વર્ષ જૂનો ઈન્કમટેક્સ કાયદો બદલાશે, આવતા સપ્તાહે નવું બિલ લાવશે
સરકાર નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સ માટે બજેટમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, સરકાર નવુ ઈન્કમ ટેક્સ બિલ લાવી રહી છે. જેની જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. કરદાતાઓની સુવિધા માટે નવુ બિલ રજૂ કરવાની યોજના થઈ છે. કરદાતાઓને અનુકૂળતા અને સરળતા પ્રદાન કરતાં ફેસલેસ અસેસમેન્ટ સહિત અનેક સુધારાઓ લાગુ કરાશે. આ બિલમાં સેલ્ફ-અસેસમેન્ટના આધારે 99 ટકા રિટર્ન સાથે આઈટી રિટર્નની પ્રક્રિયાને ઝડપી બનાવાશે. બજેટમાં સૌથી વધુ રાહ જોવાતી અને ખાસ કરીને મધ્યમવર્ગ માટે મહત્ત્વની ગણાતી ઈન્કમ ટેક્સ સંબંધિત મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે. નવી ટેક્સ રિજિમ હેઠળ રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. ટીસીએસ મર્યાદા પણ 7 લાખથી વધારી 12 લાખ કરવામાં આવી છે. ટીડીએસ મર્યાદા પણ વધારામાં આવી. કરદાતાઓ અને વિવિધ નિષ્ણાતો દ્વારા બજેટમાં નવી ટેક્સ પ્રણાલીમાં અનેક સુધારા થવાની અપેક્ષા હતી. જેમાં નવો 25 ટકાનો ટેક્સ સ્લેબ ઉમેરે તેવી ભલામણો પણ થઈ હતી. 15થી 20 લાખની આવક પર 30 ટકાને બદલે 25 ટકા ટેક્સ સ્લેબ લાગુ કરવાની માગ હતી.
ટીડીએસની મર્યાદા રૂ.2.40 લાખથી વધારી રૂ.6 લાખ કરાય
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે બજેટમાં આવક વેરાના સ્લેબમાં મોટા ફેરફાર કર્યા છે. ઇન્કમટેક્સ ફીની રકમ પણ વધારી દેવામાં આવી છે. બીજી તરફ મિલકત ભાડે આપવાના કિસ્સામાં ભાડાથી થતી આવક પર કેન્દ્ર સરકાર દ્વારા ટીડીએસ વસૂલ કરવામાં આવે છે. દર વર્ષે રૂ.2.40 લાખ સુધીની ભાડાની આવક ધરાવતા વ્યક્તિને ટીડીએસ ભરવો પડતો નથી. જેમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ટીડીએસની મુક્તિ મર્યાદા રૂ.2.40 લાખથી વધારી સિધી જ 6 લાખ કરી દેવામાં આવી છે. જેનાથી મિલકત ભાડે આપી કમાણી કરનારાઓને મોટો લાભ થશે. હવે વાર્ષિક 6 લાખથી વધુ ભાડાની આવક હશે તેવી વ્યક્તિનું ટીડીએસ કપાશે.
ટીસીએસની મર્યાદા પણ 7 લાખથી વધારી 10 લાખ થઇ
હાલ કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 7 લાખ સુધીની ટીસીએસ છૂટ આપવામાં આવે છે. જેમાં પણ બજેટમાં છૂટ મર્યાદા વધારો કરવામાં આવ્યો છે. ટીસીએસની મર્યાદા 7 લાખથી વધારી 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કલેક્ટેડ એટ સોર્સનો નવો ટેક્સ તાજેતરમાં જ અમલમાં લાવવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 7 લાખની મર્યાદા હતી. જે વધારીને રૂ.10 લાખ કરવામાં આવી છે.
સિનિયર સિટીઝનોને વ્યાજ થકી થતી આવકમાં ટેક્સની છૂટછાટ બમણી કરાય
કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે સિનિયર સિટીઝનો એટલે કે વૃદ્વોનું પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે. હાલ સિનિયર સિટીઝનોને વ્યાજ થકી થતી આવકમાં વાર્ષિક 50,000ની આવકમાં ટેક્સમાં છૂટછાટ આપવામાં આવે છે. જે બમણી કરી દેવામાં આવી છે એટલે કે હવે વડિલોને વાર્ષિક વ્યાજ પેટે 1 લાખ સુધીની આવક થતી હશે તો તેઓએ ટીડીએસ પેટે એક રૂપિયો પણ જમા કરાવવાનો રહેશે નહિં. દેશમાં કરોડો વૃદ્વો વ્યાજની આવક પર નિર્ભર છે. તેના માટે આ જાહેરાત રાજીપો આપનારી બની રહી છે.
ઇન્કમટેક્સ રિટર્ન ચાર વર્ષ સુધી અપડેટ કરી શકાશે
હાલ કોઇપણ વ્યક્તિ એકસાથે ત્રણ વર્ષનું રિટર્ન ફાઇલ કરી શકે છે. બજેટમાં આજે નાણામંત્રી દ્વારા એવી જાહેરાત કરાય છે કે હવે ચાર વર્ષ સુધી રિટર્ન અપડેટ કરી શકાશે. આ નિર્ણય પણ નાના કરદાતાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઇન્કમટેક્સ અપડેટની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જે ખરેખર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.