કોરોના મહામારીએ વિશ્વભરના દેશોને બાનમાં લઈ ચોતરફ હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ કોરોના સમયાંતરે પોતાનો “કલર” બદલતા મોટું જોખમ ઉભું થયું છે. તેના જ કારણે નવા કેસ વધ્યા તેમજ મૃત્યુ દર પણ વધ્યો. બીજી લહેર ઘાતકી સાબિત થઈ પરંતુ હવે હાઈએસ્ટ સપાટીએ પહોંચ્યા બાદ કોરોનાનો આંક સડસડાટ નીચે ઉતર્યો છે. હજુ બીજી લહેર માંડ અંકુશમાં આવી છે ત્યાં ત્રીજી લહેરનો ખતરો તોળાયો છે. જેમ બીજા તબક્કામાં પ્રાણવાયુ, બેડની હાડમારી ઉભી થઇ તેવી સ્થિતિ હવે પછી ન ઉભી થાય તે માટે સરકાર મથામણ કરી રહી છે.
કુત્રિમ પ્રાણવાયુની પડાપડી હવે ઉભી ન થાય તે માટે દેશભરમાં વિવિધ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ છે. ત્યારે હવે ભાવનગરના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા અહીં પણ પ્લાન્ટ ઉભો થશે. કેન્દ્રીય પોર્ટસ, શિપિંગ અને વોટરવેઝ (સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત મુજબ વિશાળ કદના 2 PSA ટેક્નોલોજી આધારિત ઓક્સિજન પ્લાન્ટ બનાવા માટેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કૉમેર્સ દ્વારા યોજાયેલા વેબિનારમાં કરવામાં આવી હતી.
૨ ઓક્સિજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે. આ બંને પ્લાન્ટ દીનદયાલ પોર્ટ (કંડલા પોર્ટ) દ્વારા રૂ.૨.૫-૩ કરોડના ખર્ચે સ્થપાશે અને જુલાઈ સુધીમાં કાર્યરત થશે તેમ સરકારે જણાવ્યું છે. 1000 લિટર પ્રતિ મિનિટની ક્ષમતાવાળા બે ઓક્સિજન પ્લાન્ટ હોવાથી કુલ 200 LPMની ક્ષમતાએ સર ટી હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. સર ટી હોસ્પિટલમાં ઉભી કરાયેલી આ સુવિધાનો લાભ ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી વગેરે જિલ્લાઓને પણ મળશે.
ભાવનગરના વિકાસના કાર્યોને લઇને આગળ ચર્ચા કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, હવે ભાવનગરના ઘોઘાથી સુરતના હઝીરા સુધી ઝડપથી પહોંચવા માટે સ્પીડવાળું રોપેક્સ(રોલ ઓન-રોલ ઑફ) વેસલ શરુ કરાશે. આ ઉપરાંત, ભાવનગરના ઘોઘા થી મુંબઈ જવા માટે જળ પરિવહનની યોજનાના શુભારંભ અંગે પણ સંકેતો આપ્યા હતા. આ યોજનાની શરૂઆતથી ધંધા-રોજગારના ઘણા વિકલ્પો અને તકો ઉભી થશે. ભાવનગરને કન્ટેનર મેનુફેક્ચરિંગનું હબ બનાવા માટે કાર્યોની ચર્ચાની સાથે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ પણ બને એ માટેના પ્રયત્નોની ચર્ચા થઇ હતી. કોરોના મહામારીમાં સરકાર અને સમાજની ભૂમિકા અંગે ચર્ચા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કૉમેર્સ દ્વારા યોજાયેલા આ વેબિનારમાં થઇ હતી અને સાથે-સાથે ભાવનગરના વિકાસના કાર્યો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઇ હતી.