શ્રાદ્ધ ના દિવસો શરૂ થઈ ગયા છે, સનાતન ધર્મમાં શ્રાદ્ધ નું મહત્વ અનેરૂ છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પિતૃઓ માટે જે કંઈ કાર્ય આપણે શ્રદ્ધાથી કરીએ તેને જ શ્રાદ્ધ કહેવાય.મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધ નો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ.
આ શ્રાદ્ધની પરંપરા સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી. યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે ભીષ્મ પિતામહે જવાબ આપ્યો કે પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના સર્જક બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી. શ્રાદ્ધની વિધિ પણ સૃષ્ટિ લોકમાં બ્રહ્માજી એ જ પ્રચલિત કરી છે. તેમણે જ ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે. ત્યારબાદ મૃત્યુલોકમાં સૌ પ્રથમ શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું છે, અને ત્યારથી આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર સતત ચાલી આવી છે.
શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે. ભાદરવો માસ આખો શ્રાદ્ધ નો ગણાય છે, તેમાંથી શુક્લ પક્ષ દેવનો અને કૃષ્ણ પક્ષ પિતૃઓનો ગણાય છે. એમાંય અમુક તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ઠ ફળ હોય છે.
શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે. તેનું પણ ખાસ મહત્વ છે. ભાદરવા મહિનામાં કાગડાની પત્ની કાગડી સગર્ભા બનતી હોય છે, જેથી કાગડીને પૂરતું અન્ન મળી રહે અને તે તૃપ્ત થાય તે માટે ઋષિમુનિઓએ કરેલી આ એક સુવ્યવસ્થા છે, કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવી માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષ નું સર્જન થયું છે. તેમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ, બધા વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. આમ પૃથ્વી પર ઓક્સિજન પણ જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય તેથી કાગવાસ નાખવામાં આવે છે.
શ્રાધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષ થી આરંભી શરદ પૂર્ણિમા સુધી આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે દૂધનું સેવન કરવાથી એસીડીટી જેવા રોગનો નાશ થાય છે.
વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાક નુ ભોજન પિતૃઓને તૃપ્ત કરવાવાળુ છે. પિતૃઓ ની કૃપા જ્યારે પરિવાર પર થાય છે ત્યારે ધન, ધાન્ય અને સંતતિ ની પ્રાપ્તિ થાય છે.
ખરેખર કર્મ સાથે જ ધર્મ વણાયેલો છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ કર્મની જ વાત કરી છે. સારા કર્મોથકી સૃષ્ટિ સુવ્યવસ્થિત ચાલે તેવી પરંપરા અને તહેવારો ગોઠવી ને આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ દ્વારા આપણને સત્કર્મ કરવાની પ્રેરણા મળી છે.