સૌ.યુનિ.ના બાયો સાયન્સ ભવન ખાતે લાઇફ સાયન્સ સંલગ્ન સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન ખાતે લાઇફ સાયન્સ સંલગ્ન સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓમાં સંશોધન અંતર્ગત જરૂરી શૈક્ષણિક લેખન કળા વિકસાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંશોધન આધારિત લેખન કાર્ય અને પ્રકાશન માટે અગત્યની બાબતોનો અનુભવ કરાવવાનો હતો. વર્કશોપમાં નિષ્ણાત વક્તા તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેંટ ઓફ ઇંગ્લિશના પ્રોફેસર પરેશ જોશીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત બાયોસાયન્સ ભવનના અધ્યક્ષ પ્રોફેસર આર.એસ. કુંડુ દ્વારા પ્રોફેસર પરેશ જોશીનું સ્વાગત કરીને કરવામાં આવી. આ વર્કશોપમાં માઇક્રોબાયોલોજી, ઝૂઓલોજી, બોટની, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી વગેરે વિષયના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ, પી.એચ.ડી વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. પ્રોફેસર પરેશ જોશીએ બાયો સાયન્સ ભવન દ્વારા આયોજીત એક દિવસીય વર્કશોપના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન આધારિત થીસીસ, રિવ્યુ પેપર, રિસર્ચ પેપર સાયન્ટિફિક કમ્યુનિકેશન તેમજ પ્રેઝન્ટેશન સ્કીલ માટે અંગ્રેજી ભાષા અંગેની ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો વિશે ચર્ચા કરી હતી તેમજ વિદ્યાર્થીઓને સંશોધન અંગેના લેખનકાર્ય વિશે મુંઝવતા પ્રશ્નોનું પોતાના અનુભવોના આધારે સચોટ માર્ગદર્શન અને નિરાકરણ આપ્યું.
અંતે પ્રોફેસર રમેશ કોઠારી દ્વારા સંશોધન કાર્ય માટેના આ મહત્વપૂર્ણ અને માહિતીસભર વર્કશોપનું આભારવિધિ દ્વારા સમાપન કરવામાં આવ્યું. બાયોસાયન્સ ભવનના પ્રાધ્યાપકોએ તેમજ કર્મચારીઓએ આ વર્કશોપને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.