વર્ષો સુધી ટોચનું નિકાસકાર રહેનાર ડ્રેગન એકાએક નીચે પટકાયું
ચીનને પ્રથમ કવાર્ટરમાં નિકાસમાં ઘટાડો નોંધાતા ભારત માટે ઉજળી તકો
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડવોર બન્ને દેશોના અર્થતંત્રને નુકશાન પહોંચાડી રહ્યું છે. જો કે, ચીનના માલને સૌથી વધુ ખોટ સહન કરવી પડે છે. છેલ્લા ૨૦ વર્ષના સમયમાં એવું પ્રથમવાર બન્યું છે જયારે ચીનની નિકાસ કરતા આયાત વધી હોય મતલબ કે, ચીનની નિકાસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
ચીન વિશ્વાના તમામ દેશો સાથે વ્યાપારીક સબંધો ધરાવે છે. ચીનનો માલ મોટાભાગના દેશોમાં નિકાસ થાય છે. ચીનનો માલ સસ્તો હોવાથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે જેથી સૌથી વધુ નિકાસ કરતા દેશ પૈકીમાં ચીન અગ્રતાના સ્થાને છે. ત્યારે તેની નિકાસ ઘટી હોવાનું આશ્ચર્ય સર્જી રહ્યું છે.
જાન્યુઆરીથી જુન દરમિયાન ચીનની નિકાસમાં ૨૮ બીલીયન ડોલરનો કડાકો જોવા મળ્યો છે. અત્યાર સુધી ચીન આયાતની સરખામણીએ નિકાસમાં સરપ્લસ હતુ પરંતુ ૨૦ વર્ષમાં એવું પ્રમવાર બન્યું છે જયાં તેની નિકાસ કરતા આયાત વધી ગઈ છે.
સ્ટેટ એડમીનીસ્ટ્રેશન ઓફ ફોરેન એકસ્ચેન્જના આંકડા અનુસાર ત્રણ મહિના પહેલા ચીનની નિકાસમાં ઘટાડો વધીને ૧૪૭ બીલીયન ડોલરને આંબી જાય તેવી દહેશત હતી. અહીં અમેરિકાએ મુકેલા ટેરીફ જવાબદાર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. જો કે, ચીનના નબળા માલના કારણે તેની ઘટતી વિશ્વસનીયતા પણ નિકાસ ઘટવા પાછળ જવાબદાર હોવાનું ફલીત થાય છે.
ચીનની નિકાસમાં થયેલો ઘટાડો તેના આર્થિક વિકાસ પર સીધી અસર કરશે. અમેરિકાના ટેરીફની અસર હાલ તો ચીનના નિકાસ પર જોવા મળી છે. જો કે, ચીને પણ અમેરિકાના સામાન ઉપર ટેરીફ નાખવાનો નિર્ણય લીધો હોય. થોડા અંશે નુકશાન અમેરિકાને પણ જશે.
ચીનની નિકાસ ઘટતા હવે ભારત પાસે સુવર્ણ તક ઉભી થઈ છે. ચીનનું સૌથી મોટું હરિફ ભારત છે. માટે ઘણા ક્ષેત્ર એવા છે જયાં ચીનના સામાનનું સ્થાન ભારતીય લઈ શકે છે. વૈશ્વિક બજારમાં ચીન કરતા ભારતની પ્રોડકટ વધુ વિશ્વસનીય હોવાનો ફાયદો પણ થશે.