જુલાઈ માસમાં પણ કેન્દ્ર સરકારે આયાતી ૭૫ વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડયૂટી વધારવાનો લીધો હતો નિર્ણય

ટ્રેડ ડિફીસીટ ઘટાડીને રૂા.૨ લાખ કરોડ બચાવવામાં કેન્દ્ર સરકારને મળી સફળતા

ભારતમાં આયાત થતી ઈલેકટ્રોનિક, કેમિકલ્સ અને હેન્ડીક્રાફટસને લગતી ૫૦થી વધુ વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડયૂટી નાખવાનો તખ્તો સરકાર ગોઠવી રહી છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટેના કેન્દ્રીય બજેટ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સિતારમન  આ મામલે જાહેરાત કરે તેવી શકયતા તોળાઈ રહી છે. જો સરકાર ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો કરશે તો જરૂરીયાત માટેની ૫૦ જેટલી વસ્તુઓમાં મહદઅંશે ભાવમાં વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ભારતમાં હજુ મોટા પ્રમાણમાં મોબાઈલ ફોનના ચાર્જર, ઉદ્યોગો માટેના કેમીકલ્સ, લેમ્પ, લાકડાનું ફર્નીચર, મીણબત્તીઓ, જવેલરી અને હેન્ડીક્રાફટને લગતી ચીજવસ્તુઓની આયાત થાય છે. આ સો મોબાઈલના ઉત્પાદન સાથે સંકળાયેલી વાઈબ્રેટર મોટર અને રીંગર પણ બહારથી મંગાવવામાં આવે છે. આકીયા જેવી સ્વીડનની ફર્નીચર કંપની પણ મોટાપાયે બહારથી માલ આયાત કરે છે. જે દરમિયાન આ તમામ આયાત શુલ્કમાં વધારો કરવાનો નિર્ણય ભાવમાં વધારો કરશે. આકીયા અગાઉ પણ ભારતમાં ખુબ વધુ ઈમ્પોર્ટ ડયૂટી મામલે નારાજગી વ્યકત કરી ચૂકયું હતું. દરમિયાન ફરીથી ઈમ્પોર્ટ ડયૂટી વધારો થવા જઈ રહ્યો છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઈમ્પોર્ટ ડયૂટી ૫ થી ૧૦ ટકા જેટલી વધારવામાં આવે તેવી ભલામણ ટ્રેડ એન્ડ ફાયનાન્સ પેનલ દ્વારા કરવામાં આવી છે. ચીન જેવા દેશોમાંથી સસ્તા દવે સામાનની આયાત થાય છે પરિણામે  સ્થાનિક ઉત્પાદકોને બજારમાં હરિફાઈમાં ટકવામાં મુશ્કેલી પડે છે. જેથી ચીનના માલ સામાન ઉપર મોટા પ્રમાણમાં આયાત ડયૂટી નાખી આ વસ્તુને બજારમાં મોંઘી બનાવવામાં આવે છે. આ નિર્ણયી સ્થાનિક ઉત્પાદકો બજારમાં ટકી શકે છે અને સરકારને પણ ઈમ્પોર્ટ ડયૂટીની આવક  થાય છે.

અહીં નોંધનીય છે કે, મોદી સરકાર સત્તામાં આવી ત્યારબાદથી જ ભારતમાં આયાત ઓછી થાય જેના સ્થાને વિદેશી કંપનીઓ અહીં જ ઉત્પાદન કરે તેવું ઈચ્છી રહી છે. વિદેશી મુડી રોકાણ ભારતમાં વધે તે પ્રકારના પ્રયાસ કેન્દ્ર સરકારના છે. આ માટે ડિફેન્સ સેકટરમાં કેટલીક છુટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે. આવી સ્થિતિએ સસ્તા દરે દેશમાં આવતી આયાતી વસ્તુઓ ઉપર ડયૂટી નાખવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અહીં નોંધનીય છે કે, ગત જુલાઈ માસમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ઓટો મોબાઈલ પાર્ટસ સહિતની ૭૫ જેટલી વસ્તુઓ ઉપર ઈમ્પોર્ટ ડયૂટી વધારી હતી. ભારતમાં એકસ્પોર્ટની સામે ઈમ્પોર્ટનું પ્રમાણ વધી રહ્યું હોવાથી સરકાર ચિંતામાં મુકાઈ હતી. માટે બન્ને વચ્ચેનો સમતોલન જાળવવાનો નિર્ણય લેવાયો હતો. નિકાસ અને આયાતમાં સમતોલન ન હોવાના કારણે થતું નુકશાન બચાવવાના પ્રયત્નો થયા હતા. એપ્રીલથી ડિસેમ્બર સુધીમાં ટ્રેડ ડિફીશીટ ૧૧૮ બીલીયન ડોલર સુધીની હતી જે ગત વર્ષે ૧૪૮ બીલીયન ડોલરે હતી. એકંદરે આ ઘટાડી ૧૧૮ બીલીયન ડોલરે લવાઈ હતી અને રૂા.૨ લાખ કરોડની બચત થઈ હતી.

આયાતી વસ્તુઓ સામે ભારતીય ઉત્પાદકો ટકી શકે તેવા હેતુથી કવાલીટી સ્ટાન્ડર્ડ જાળવવાનો નિર્ણય સરકારે લીધો છે. સુરક્ષા, સારવાર અને પર્યાવરણને લગતી કેટલીક આયાતી ચીજવસ્તુઓ ઉપર સરકાર વધુ પ્રમાણમાં ઈમ્પોર્ટ ડયૂટી નાખવાની તૈયારી કરી રહી છે. કેટલીક વસ્તુઓ પર સરકાર બોર્ડર એડજેસ્ટમેન્ટ ટેકસ (બેટ) નાખવાનું વિચારે છે. સ્થાનિક ઉત્પાદકો ઈલેકટ્રીસિટી ડયૂટી, ઈંધણ ઉપરનો કર સહિતના કરવેરા ચૂકવતા હોય છે. આવી રીતે વિદેશી ઉત્પાદકોની વસ્તુ જ્યારે ભારતમાં આવે ત્યારે તેના પર પણ ડયૂટી નાખવાની તૈયારી છે.

7537d2f3 13

ખેતીની જણસોની ખરીદીમાં અમેરિકા સાથે પરાણે પ્રિત કરવી પડશે ?

થોડા સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારતથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ ઉપર તોતીંગ કર ઝીંક્યો હતો. આ નિર્ણયથી ભારતના કેટલાક ઉદ્યોગોને માઠી અસર પહોંચી હતી. ભારત અને ચીન અમેરિકામાં વસ્તુઓ વેંચીને મસમોટો નફો કમાતા હોવાના આક્ષેપ થયા હતા. આવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને જનરલાઈઝ સીસ્ટમ ઓફ પ્રેફરેન્સ (જીએસપી) પ્રોગ્રામમાંથી બાકાત કર્યું હતું. આ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં નિકાસ થતી ૫.૬ બીલીયન ડોલરની વસ્તુઓ ઉપર કોઈપણ જાતનો ટેરીફ ઉઘરાવવામાં આવતું ન હતું. ભારત જ્યાં સુધી આ પ્રોગ્રામ હતું ત્યાં સુધી કર ભરવાથી બચી શકાતું હતું. જો કે, ત્યારબાદ ભારતને હટાવાયું હતું. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવનાર છે ત્યારે અગાઉ ભારતને જે ફાયદા મળતા હતા તેવા ફાયદા ફરીથી મળવા લાગે તે માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. જો કે આ માટેની શરત એવી છે કે, ખેતીની જણસોમાં કેટલીક વસ્તુઓ ભારતે ફરજીયાત અમેરિકા પાસેથી ખરીદવી પડશે. જેમાં કાજૂ, બદામ અને સફરજન સહિતનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ઉપરનું ટેરીફ પણ ભારતે ઘટાડવાનું રહેશે. આ ઉપરાંત થોડા સમય પહેલા ભારત સરકારે મેડિકલ ડિવાઈસીસના ભાવ બાંધણા કર્યા હતા. જેથી અમેરિકાની ફાર્મા કંપનીઓને નુકશાન થયું હોવાનો આક્ષેપ કરાયો છે. જેથી હવે ભારતે આ ભાવ બાંધણા અંગે ફેર વિચારણા કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો ભારતને ફરીથી જીએસપી પ્રોગ્રામનો લાભ લેવો હશે તો ખેતીની જણસો મુદ્દે અમેરિકા દ્વારા રાખવામાં આવેલી શરતોનો સ્વીકાર કરવો પડશે.

ડાયરેકટ ટેકસ કલેકશનમાં મસમોટુ ગાબડુ

graph

ભારતીય અર્થતંત્ર સુસ્તીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સરકારે બુસ્ટર ડોઝ આપવાના ભાગરૂપે તાજેતરમાં કોર્પોરેટ ટેકસ સહિતના કરવેરા ઉપર લગામ લગાવી હતી. કરવેરા ઘટાડવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય ભારતના ટેકસ કલેકશન માટે જોખમી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. કરવેરામાં કપાત આપવાના કારણે તિજોરીમાં આવક ઓછી થશે તે જગજાહેર છે. વર્ષ ૨૦૦૧ થી અત્યાર સુધી સતત ટેકસ કલેકશન વધી રહ્યું હતું. પરંતુ આગામી સ્થિતિ કંઈક જૂદી છે. ગત જાન્યુઆરી ૨૩ સુધીમાં ટેકસ વિભાગે રૂા.૭.૩ લાખ કરોડ કલેકટ કર્યા છે. જે ગત વર્ષની સરખામણીએ ૫.૫ ટકા જેટલા ઓછા છે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારની આવક તરીકે ડાયરેકટ ટેકસની ગણતરી થાય છે. સરકારની આવકમાં ૮૦ ટકા હિસ્સો ડાયરેકટ ટેકસનો હોય છે. જો આગામી વર્ષમાં ડાયરેકટ ટેકસ કલેકશન ઘટી જશે તો સરકારની આવકમાં મસમોટુ ગાબડુ પડ્યું હોવાનું કહી શકાય. આવક ઘટશે તો કલ્યાણકારી યોજના કે વિકાસ પ્રોજેકટ પાછળ ખર્ચાતા નાણાનું પ્રમાણ પણ ઓછું રહેશે તેવું માની શકાય.

કરચોરોને સજા તો કરદાતાને દંડ શા માટે: ચિફ જસ્ટીસ

કરચોરોને સજા કરવા તુરંત પગલા લેવાય છે. આવા સંજોગામાં કરદાતાને શા માટે દંડ કરવામાં આવે છે તેવો વેધક પ્રશ્ન ચિફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ ઉઠાવ્યો હતો. તેમણે કરચોરીને ગુનો અને સામાજિક અન્યાય ગણાવ્યો હતો. સરકાર દ્વારા નાગરિકો પર વધુ ટેકસ લગાવવો પણ સમાજ પ્રત્યે અન્યાય છે તેવું તેમણે ઉમેર્યું હતું. ટેકસ જયુડીસરીનું દેશ માટે ખુબજ મહત્વનું યોગદાન હોવાનો મત ચિફ જસ્ટીસ એસ.એ.બોબડેએ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નાગરિકો પાસેથી ટેકસ એવી રીતે વસુલવો જોઈએ કે જેવી રીતે મધમાખી ફૂલોને નુકશાન પહોંચાડયા વગર તેમાંથી રસ કાઢે છે. તેમણે પડતર કેસો અંગે પણ ચિંતા વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સીઈએસટીએટીમાં પડતર ઈન્ડાયરેકટ ટેકસ સાથે સંકળાયેલા કેસોમાં બે વર્ષમાં ૬૧ ટકાનો ઘટાડો થયો હોવાની વિગતો સામે આવી હતી. અહીં નોંધનીય છે કે, ગત તા.૩૦ જૂન ૨૦૧૭ સુધીમાં ૨૭,૩,૫૯૧ કેસ પેન્ડીંગ હતા. ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી તેની સંખ્યા ૧૦,૫૭,૦૫૬ રહી જવા પામી હતી. એકંદરે ૬૧ ટકા કેસ ઓછા થયા હતા. બીજી તરફ અપીલમાં પેન્ડીંગ રહેલા કેસાનો પણ ત્વરીત નિકાલ કરવા તૈયારી થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.