એશિયાટીક સિંહોના સ્વાસ્થ્યની સાથે સાથે સમગ્ર સિંહ પ્રજાતિ પર ભવિષ્યમાં મહામારીનું આક્રમણ ન થાય તે માટે સતત સંશોધન થતું રહેશે
સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે,ઐરાવતકુળનો અરિ ગરજે,જાણે કો જોગંદર ગરજે,નાનો એવો સમદર ગરજે……એશિયાટિક સિંહોની એકમાત્ર વસ્તી ધરાવતા ગીર અને બૃહદ ગીર સૌરાષ્ટ્રની હવે સમગ્ર ગુજરાતમાં પોતાની નવી ટેરીટરી ઉભી કરી ડણક નાખતા સિંહોનું સ્વાસ્થ્ય સલામત રહે તેવી યોજના અમલમાં મુકાશે. ગિરના સિંહોની ફક્ત બીમારી જ નહીં પરંતુ ભવિષ્યમાં સાવજોને કઇ પ્રકારના રોગો થશે તેને અગાઉથી જ નિવારવા માટે “સ્વસ્થ સિંહ” યોજના આગામી દિવસોમાં અમલમાં મુકાશે. કેમ કે જંગલનો રાજા સિંહ સ્વસ્થ રહે તે જરૂરી છે અને સાવજોને રોગોથી બચાવવા રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રો શરૂ કરાશે.
ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે. આ દરખાસ્ત ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયનના દસ્તાવેજનો ભાગ છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી માર્ચ 8 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપ્યો હતો.
પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય એશિયાટીક સિંહના નિર્મૂલનના જોખમને દૂર કરવાનો છે. સાથે એશિયાટીક સિંહની આગામી પેઢીઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલાં લેવાનો છે. આ પ્રોજેક્ટ પાછળનું એક કારણ એવું પણ છે કે, સિંહ સાથે નજીકના વિસ્તારમાં રહેતા લોકોનું વન્યપ્રાણીઓ સાથે તાલમેળ રહે અને સિંહ સંવર્ધનથી તેમને પણ ફાયદો મળી રહે.
સૂચિત પ્રોજેક્ટ લાયનના અમલીકરણની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં બીમાર અને ઇજાગ્રસ્ત સિંહના ઇલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઈન ડિસ્ટેમ્પર જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ગીરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ-ઇન્ડિયન વેટરીનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટનું પેટા કેન્દ્ર શરૂ કરવા
સહિતની વિગતો આ યોજનામાં સામેલ છે કે નહીં તે જાણવા માગતા હતા. આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર દ્વારા મળેલી માહિતી અનુસાર બીમારી અને ઇજાગ્રસ્ત સિંહોના ઇલાજ માટે ગીરમાં બે હોસ્પિટલ અને સાત રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.
સિંહને રંજાડશો તો જમીન પણ ગુમાવશો
સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત બનેલા ગીર ગઢડાના ધૃબક વિસ્તારના સિંહોની પજવણીનો કિસ્સો એટલે મુર્ગી કાંડ વનવિભાગમા હડકમ્પ મચાવ્યો હતો. તેની સામે 8 શખ્સો સામે ગુનો નોંધી કોર્ટે છ આરોપીઓને ત્રણ વર્ષની જ્યારે એક આરોપીને એક વર્ષની સજા અને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. ધૃબક વિસ્તારના આરોપીને જમીન ખાલસા કરવાનો પણ કોર્ટે ચુકાદો આપ્યો છે. ધૃબક વિસ્તારમાં ફાળવેલ સેટલમેન્ટવાળી જમીનની પરવાનગી રદ કરીને જમીનનો કબજો સરકાર હસ્તક લેવા જિલ્લા કલેકટર ને હુકમ કરીને જમીન ખાલસા કરવાનો ચુકાદો આપ્યો છે. એટલે કે હવે જો સિંહોને રંઝાળશો તો જમીન પણ ગુમાવશો.