નવી શિક્ષા નીતિને આવકારતા સૌ. યુનિ.ના કુલપતિ ડો. પેથાણી-ઉપકુલપતિ ડો. દેશાણી
ભારતીય શિક્ષણ મંડળ રાષ્ટ્રીય શિક્ષા નીતિ પર ૧૯૭૪ થી કાર્ય કરી રહ્યું છે. ૨૦૧૪ માં ભારતીય શિક્ષણ મંડળે દેશની એકાત્મતા અને સમગ્રતને ધ્યાને રાખી શિક્ષા નીતિનો એક ડ્રાફ્ટ અંગ્રેજી અને અન્ય સાત ભાષાઓમાં દેશભરમાં ચર્ચા માટે મુક્યો. દેશભરના ૪૫૦ થી પણ વધારે જિલ્લાઓમાં ચર્ચા અને વિમર્શ થયો અને પંચાયત સ્તર સુધીના ૪ લાખથી વધુ લોકો એ પોતાના મંતવ્ય જણાવ્યા.
ભારતીય શિક્ષણ મંડળે આ સુધારીત પ્રારૂપ રાષ્ટ્રીય શિક્ષા નીતિ સમિતી સમક્ષ પ્રસ્તુત કર્યો. જેમાંથી ૬૦% થી વધુ મંતવ્ય આજે લાગુ થયેલ શિક્ષા નીતિમાં જોવા મળે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ જણાવ્યું હતું કે ભારતમાં ૩૪ વર્ષ બાદ નવી ઘડાયેલી શિક્ષા નિતિ અમલમાં આવેલ છે જે સંપૂર્ણ સ્વીકૃત છે. નવી ભારતીય શિક્ષા નિતિ એ મુળ ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને ભારતીય શિક્ષણ મૂલ્યો પર આધારીત છે અને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવું છું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે ભારતને સ્વયં આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય એટલે નવી ભારતીય શિક્ષા નિતિ. નવી શિક્ષા નિતિના અમલથી યુવાનોને શિક્ષણ સરળ બનશે સાથે સાથે ભારતીય મૂલ્યોની જાણકારી પ્રાપ્ત થશે. આ અભૂતપૂર્વ નિર્ણય બદલ કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરીયાલ નિશંકજીને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.