બંદોબસ્તમાં 1800 પોલીસ જવાન, છ એસપી, 10 ડીવાય.એસ.પી. રહેશે ખડેપગે: સભા પુર્વે બોમ્બ ડીસ્પોઝર અને ડોગ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ કરાયું
વિધાનસભાની ચૂંટણી પ્રચાર અર્થે આજે સાંજે રેસકોર્ષ મેદાનમાં સભા સંબોધવા આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્રણ સ્તરે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ, સભા સ્થળ અને તેમના રૂટ પર ટ્રાફિક નિયમનને ધ્યાને રાખી ગોઠવવામાં આવે બંદોબસ્તનું સુપર વિઝન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કરશે.
બંદોબસ્તમાં છ એસપી, 10 ડીવાય.એસ.પી. 1800 પોલીસ કર્મચારીઓ જોડાશે, એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ પર જુદા જુદા મકાનની અગાશી પર ધાબા પોઇન્ટ બનાવી પોલીસ સ્ટાફ ફરજ બજાવશે, ટ્રાફિક બ્રાન્ચની ટીમ એરપોર્ટથી રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખશે જ્યારે સભા સ્થળે પણ સલામતીને ધ્યાને રાખી સવારથી જ અભેદ કિલ્લેબંધી ગોઠવવામાં આવી છે. સભા પુર્વે બોમ્બ ડીસ્પોઝર સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા સમગ્ર ગ્રાઉન્ડમાં ચેકીંગ કરવામાં આવ્યું હોવનું ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે.