કોરોનાના કારણે બે વર્ષના વિરામ બાદ રાજયસ્તરીય IMPCC (કેન્દ્રીય મીડિયા સમિતિ)ની બેઠક ગઈકાલે ગાંધીનગરમાં મળી ગઈ. કેન્દ્ર સરકારના મીડિયા એકમો, રાજ્ય સરકારના માહિતી વિભાગ અને વિવિધ જાહેર સાહસોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યુનિસેફના વડા મથક ખાતે આ બેઠક યોજાઈ હતી. કોરોનાને કારણે ઉદ્ભવેલી સ્ફોટક પરિસ્થિતિમાં તમામ સદસ્ય સંસ્થાઓએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા અને ત્વરિત નિર્ણયશક્તિથી કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયોની સરાહના કરવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા ડૉ. ધીરજ કાકડિયાએ ગત મહિનાની કાર્યોની સમીક્ષા ઉપરાંત આવનાર મહિના દરમિયાન જરૂરી પગલાં અંગે દિશાનિર્દેશ આપ્યો હતો. કોવિડ ફરીથી માથું ઊંચકી રહ્યો હોય એવા સંજોગોમાં હવેના દિવસોમાં કયા પ્રકારના પગલાંની આવશ્યકતા છે એની બેઠક દરમિયાન વિશદ છણાવટ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મીડિયા યુનિટો વચ્ચે સાતત્યપૂર્ણ સંકલન જળવાઈ રહે એની રૂપરેખા પણ ચર્ચાઈ હતી. દૂરદર્શન, આકાશવાણી, રાજ્ય માહિતી ખાતું, પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્ વગેરેના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિસેફના ગુજરાત વિભાગના વડા શ્રી પ્રસન્થા દાસે શરૂઆતમાં સભ્યોને આવકાર્યા બાદ બાળક અને માતાના કુપોષણ નિવારણ અંગે વિગતપૂર્ણ નિદર્શન રજૂ કર્યું હતું. દૂરદર્શન અમદાવાદના કાર્યક્રમ વિભાગના વડા શ્રી ચંદ્ર દૂધરેજીયા ચાલુ મહિનામાં સેવાનિવૃત્ત થવાના હોઈ એમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.