અર્ધો ઇંચ વરસાદ: સવારથી વાતાવરણ ચોખ્ખુ: તારાજી ખાળવા તંત્ર સજ્જ
રાજકોટમાં ગઇકાલ સવારથી જ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મધરાત્રે 3 કલાક આસપાસ શહેરમાં જોરદાર પવન ફૂંકાયો હતો. મીઠી નિંદ્રા માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા. સવાર સુધીમાં અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. આવતીકાલથી બે દિવસ શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાનો પ્રકોપ આવતીકાલથી જોવા મળશે દરમિયાન ગઇકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ગઇકાલે અનેક તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દરમિયાન રાજકોટમાં સાંજના સમયે જોરદાર પવન ફુંકાયો હતો અને શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટુ પડી ગયું હતું. દરમિયાન મધરાતે 3 કલાક આસપાસ શહેરમાં મીની વાવાઝોડા ત્રાટકયું હોય તે રીતે જોરદાર પવન ફુંકાયો હતો. મીઠી નિંદ્રા માણી રહેલા રાજકોટવાસીઓ સફાળા જાગી ગયા હતા. સવારે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો જો કે ત્યારબાદ આકાશ એકદમ ચોખ્ખુ થઇ ગયું હતું. સુર્યનારાયણ પુર બહારમાં ખીલ્યા હતા. છેલ્લા ર4 કલાક દરમિયાન શહેરમાં અધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.
રાજકોટમાં કાલથી બે દિવસ શાળા-કોલેજમાં રજા
રાજકોટમાં સોમવારે સવારથી પવન, બફારો રહ્યા બાદ બપોરે 55 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને શહેરમાં માત્ર 4 મીમી વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ અગાશી, રોડ-રસ્તા પર લગાવેલા બોર્ડ ઊડી ગયા હતા અને એક વૃક્ષ ધરાશાયી થયું હતું. બિપરજોય વાવાઝોડાને કારણે રાજકોટમાં આજે હળવાથી મધ્યમ વરસાદ અને બુધવાર- ગુરુવાર બે દિવસ 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે છે. આ બે દિવસ દરમિયાન રાજકોટની શાળા- કોલેજ અને ત્રણ દિવસ કોર્ટમાં કામગીરી બંધ રહેશે.
આ ઉપરાંત એન.ડી.આર.એફ.ની ટીમ અને 5 પોલીસની ટીમ ખડેપગે રહેશે. એક ટીમમાં 12 પોલીસ જવાન રહેશે જે રોડ-રસ્તા ખોલાવવાની અને ગાર્ડન શાખા સાથે ઝાડ દૂર કરવાની કામગીરીમાં જોડાશે. આ ઉપરાંત 36 ટ્રેન રદ કરી દેવાઈ છે. સોમવારે ભારે પવન ફૂંકાતા લોકોએ પોતાના ઘરના બારી-દરવાજા બંધ રાખ્યા હતા અને ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.